telangana congress treasurer gudur narayan reddy join bjp
રાજનીતિ /
40 વર્ષથી કોંગ્રેસમાં રહેલા દિગ્ગજ નેતાએ રાજીનામું આપી ભાજપનો ભગવો ધારણ કર્યો
Team VTV02:07 PM, 08 Dec 20
| Updated: 02:12 PM, 08 Dec 20
લગભગ 40 વર્ષોથી કોંગ્રેસના નેતા રહી ચૂકેલા ગુડુર નારાયણ સોમવારે ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ તેઓ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને મળ્યા.
તેલંગાણામાં કોંગ્રેસના નેતા ગુડુર નારાયણ રેડ્ડી ભાજપમાં જોડાયા છે. ભાજપમાં સામેલ થયા પછી, તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને દિલ્હી સ્થિત તેમના નિવાસ સ્થાને મળ્યા હતાં આ દરમિયાન ભાજપના અન્ય મોટા નેતાઓ પણ તેમની સાથે દેખાયા હતા. અગાઉ ગુડુર નારાયણે કોંગ્રેસ પાર્ટીની પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.
આ સાથે ગુડુર નારાયણે તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના ખજાનચી પદેથી રાજીનામું પણ આપ્યું હતું. તેઓ લગભગ ચાર દાયકાથી કોંગ્રેસના સક્રિય કાર્યકર હતા. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આપેલા રાજીનામામાં તેમણે કહ્યું હતું કે તેઓ 1981 થી કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા અને વિદ્યાર્થી જીવન દરમિયાન પાર્ટીની સેવા કરી હતી. આ માટે કોંગ્રેસના નેતાઓનો આભાર.
ગુડુર નારાયણે પોતાના પત્રમાં જણાવ્યું છે કે હવે તેઓ તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના ખજાનચી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સભ્ય પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપી રહ્યા છે. ગુડુરનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસે માત્ર બે વોર્ડ પર જીત મેળવી હતી, જ્યારે ભાજપે તેમાં સારું પ્રદર્શન કર્યું હતું.
તેલંગણાના શાસક પક્ષ TRSએ 150 વોર્ડની ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 55 બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે BJP બીજા પક્ષ તરીકે રહ્યો અને 48 વોર્ડ જીત્યા. ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે, 14 ડિસેમ્બરે, 150 માંથી 149 બેઠકો પર મતદાન થયું હતું. શુક્રવારે પરિણામ જાહેર કરાયા હતા. આ ચૂંટણીમાં TRSએ 55 બેઠકો, ભાજપ 48, એઆઈઆઈએમ 44 અને કોંગ્રેસે બે બેઠકો જીતી હતી.