Fair Of Gujarat: લોકસંસ્કૃતિને ધબકતી રાખતો લોકમેળો એટલે તરણેતરનો મેળો

By : kavan 10:49 AM, 14 September 2018 | Updated : 10:49 AM, 14 September 2018
- કવન આચાર્ય 
વાસુદેવશરણ અગ્રવાલે તેમના પુસ્તક "લોકધર્મ"માં "મહ" શબ્દનો અર્થ મહોત્સવ અને મેળો એવો કર્યો છે.પહેલાનાં સમયમાં આજની જેમ મનોરંજનના સાધનો નહોતા ત્યારે મેળા-ઉત્સવોએ ભાવાત્મક અને સાંસ્કૃતિક એકતાની ભાવનાને જાળવી રાખી હતી. ગુજરાતમાં કારતકમાસથી પ્રારંભ કરીને આસોમાસ સુધી દરરોજ ક્યાંક મેળો યોજાય છે.એક નોંધ મુજબ ગુજરાતમાં વર્ષ દરમિયાન ૧૫૨૧ જેટલા મેળા વિવિધ સ્થળે યોજાય છે.આમ મેળાઓ આપણી સંસ્કૃતિને સતત ધબકતી રાખે છે.

ભૌગોલિક રીતે સુકા અને નપાણીયા પંથક તરીકે જાણીતો બનેલ સુરેન્દ્રનગર જીલ્લો સૌરાષ્ટ્રનંઓ પ્રવેશદ્વાર છે.આ પ્રદેશમાં અનેક પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થાપત્યો આવેલા છે.તેમાંય તરણેતર એટલે સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ તાલુકાનું ખોબા જેવડું ગામ...આ પંથક પાંચાળ પ્રદેશ તરીકે જાણીતો છે,કોઈએ આ પંથક વિષે સરસ કહ્યું છે...

"ખડ,પાણી ને ખાખરા જ્યાં પાણાનો નહિ પાર,વગર દીવે વાળું કરે એવો રૂડો અમારો પાંચાળ"

તરણેતરના ઝાંપે બિરાજેલ ત્રિનેત્રેશ્વર મહાદેવની જગ્યામાં જગપ્રસિદ્ધ લોકમેળો દરસાલ ભાદરવા સુદ ચોથ,પાંચમ,અને છઠ દરમિયાન ભરાય છે.ચાલુ સાલ 12 થી 15 સપ્ટેમ્બર દરમ્યાન આ મેળો યોજાનાર છે.આ લોકમેળો ગુજરાતના જ નહિ પરંતુ સમગ્ર ભારતના સિમાડા ઓળંગીને વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

પ્રાચીન સમયમાં આ પ્રદેશમાં મહારાજા દ્રુપદની હકુમત ચાલતી,તેમણે પુત્રી દ્રૌપદી(પાંચાળી)ને પરણાવવા મત્સ્યવેધ ગોઠવેલ તે તરણેતરની આ જગ્યા પર યોજાયાનું લોકમુખે સંભળાય છે. એક પૌરાણિક માન્યતા મુજબ મહાદેવજીને પ્રસન્ન કરવા બ્રહ્માજીએ આદરેલી તપસ્યા અને નેત્રકમળની પૂજામાં બ્રહ્માજીએ આપેલ નેત્રકમળ ધારણ કરી મહાદેવ ત્રિનેત્રેશ્વર કહેવાયા.આમ હિમાલયમાં આવેલ બદ્રી-કેદારનાથ બાદ ગુજરાતના તરણેતરમાં જ ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.

તરણેતરનું આ મંદિર ૧૪મી સદીમાં બંધાયાનું પુરાતત્વવિદોનું માનવું છે.મંદિરની ત્રણેબાજુ બ્રહ્મકુંડ,વિષ્ણુકુંડ,અને શિવકુંડ આવેલા છે,જેમાં ઋષિ પંચમીના દિવસે ભાગીરથી ગંગાનું અવતરણ થતું હોવાનું મનાય છે.

આ મંદિરના ગર્ભગૃહમાં કેરાકોટ અને કોટાય શૈલીનું શિખર તથા મંડપ પર ચંદ્રશાલાના અલંકારોથી વિભૂષિત પગથીયાવાળી ફાસનાની રચના છે.શિખર અને કર્ણફૂટો જાલક ભાતથી આભૂષિત છે.મુખ્ય પ્રવેશ ચોકી અને ગુઢ મંડપની છત કરોકટ ઘાટની છે.ગર્ભગૃહની પીઠભાગમાં ગણના ઉભેલાં પ્રાચીન શિલ્પ આકર્ષણનું કેન્દ્ર છે.

બ્રિટીશકાળમાં તરણેતર થાન-લખતર સ્ટેટની હકુમતનું સ્થળ હતું.આ મંદિરનો જીર્ણોદ્ધાર ૧૯૦૨માં લખતરના રાજવી બાપુરાજશ્રી કરણસિંહજી બાપુએ કરાવ્યો હતો. આજેપણ મંદિરના ગર્ભગૃહમાં તેમની તસ્વીર જોવા મળે છે.તે સમયગાળામાં સ્ટેટ પરિવાર દ્વારા મેળાનું આયોજન કરાતું અને સ્ટેટ પરિવારની ધજા મંદિરના શિખર પર ચડવવામાં આવતી હતી.

બદલાતા સમય પ્રમાણે આજે આ ધજા સુરેન્દ્રનગરમાં રહેતા પ્રફુલભાઈ સોલંકીનો પરિવાર દ્વારા ૧૯૯૦ની સાલથી બાવન ગજની ધજા બનાવે છે,ચાલુ વર્ષે ૨૭મી ધજા ત્રિનેત્રેશ્વર મહાદેવને રાજ્યના મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં પૂજા-અર્ચના થયા બાદ શિખર પર ચડાવવામાં આવશે.

મેળો એટલે મ્હાલવાનું પર્વ.મેળો એટલે હૈયાના હેતને વ્યક્ત કરવાનો અવસર.ભરત ભરેલી છત્રી લઇ આવેલા જુવાનડા અને કિનખાબના કાપડા અને ઘેરદાર ઘાઘરા પહેરેલ જુવાનડીઓ કે જેની સગાઇ થઇ છે તેમની મુલાકાતનું સ્થળ એટલે મેળો.ઢોલીના ઢોલના તાલે કરવામાં આવતા હુડા નૃત્યની પરંપરાએ મેળાની આગવી ઓળખ છે.

દરવર્ષે રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા બનાવાયેલ સ્ટેજ પર રાત્રે વિવિધ કલાકારો દ્વારા ભજન-કિર્તન અને ડાયરાના કાર્યક્રમો યોજાય છે.છેલ્લા કેટલાક વર્ષથી અહીં ગ્રામીણ રમતોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે.

શણગારેલા બળદો,ગાડા,ઉંટ અને અશ્વો,પરંપરા અને લોકસંસ્કૃતિને ધબકતી રાખે છે. 'ફજેત ફારકા' તરીકે ઓળખાતા જાયન્ટ વ્હીલ્સ,જાદુના ખેલ,મોતના કુવાના દિલધડક દ્રશ્યો મેળાની રોનક વધારે છે.વિશ્વભરના સહેલાણીઓ આ મેળો માણવા આવી ચઢે છે અને સ્થાનિક કલાકારો દ્વારા બનાવાયેલ માટીકામ,મોતીકામ,વાંસકામ,ભરતકામની વસ્તુઓ ખરીદી પોતાના રાષ્ટ્રમાં યાદગીરી સ્વરૂપે લઇ જાય છે.તરણેતર જવા માટે નજીકનું એરપોર્ટ અમદાવાદ અને રાજકોટ છે.સુરેન્દ્રનગરથી રોડમાર્ગે અંદાજીત ૭૦ કી.મી જેટલું અંતર થાય છે.
 
કવન આચાર્ય, VTV News Websiteનાં કોપી એડિટર પણ છે.
( નોંધ: ઉપરોક્ત વિચારો લેખકના વ્યક્તિગત અભિપ્રાય છે)Recent Story

Popular Story