બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 04:25 PM, 8 June 2023
ADVERTISEMENT
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈ વહીવટી તંત્ર એલર્ટમોડમાં આવી ગયું છે. વિગતો મુજબ અરબી સમુદ્રમાં સક્રિય થયેલ બિપોરજોય વાવાઝોડુ ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. જે સંભવિત વાવાઝોડાને લઈ તંત્ર એક્શનમાં છે. જેને લઈ સૌરાષ્ટ્રના તમામ બંદરો પર સિગ્નલ પણ લગાવાયા છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તો બીજી તરફ પોરબંદરમાં હોર્ડિંગ ઉતારવાની કામગીરી શરૂ કરાઈ છે જ્યારે જામનગરમાં 22 ગામને એલર્ટ કરાયા અને તમામ અધિકારીઓને ક્વાર્ટર ન છોડવા આદેશ કરાયા છે.
મહીસાગરમાં ભારે પવન ફૂંકાયો
બિપોરજોય વાવાઝોડાની આગાહી વચ્ચે આજે મહીસાગરમાં ભારે પવન ફૂંકાવવાને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. ખાનપુર લીમડીયા હાઈવે પર વૃક્ષો ધરાશાયી થયા છે. વૃક્ષો ધરાશાયી થવાને કારણે હાઈવે બ્લોક થયો છે તેમજ અનેક વિસ્તારમાં રસ્તાઓ બંધ થયા હતાં જો કે, પવનની ગતિ ધીમે પડતા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તાઓ શરૂ કરવાની કામગીરી હાથ ધરી હતી.
ADVERTISEMENT
પોરબંદરમાં હોર્ડિંગ ઉતારવાની કામગીરી શરૂ કરાઈ
સંભવિત વાવાઝોડાને પગલે પોરબંદર વહીવટી તંત્ર એલર્ટ થયું છે અને જિલ્લામાં લગાવેલા હોર્ડિંગ ઉતારવાની કામગીરી શરૂ કરાઈ છે. જુબેલી, જુના ફુવારા વિસ્તારમાં હોર્ડિંગ ઉતારાયા છે જ્યારે ST બસ સ્ટેન્ડ, ચોપાટી સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે હોર્ડિગ ઉતારવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે ભારે પવન ફૂંકાવવાની આગાહી કરી છે.
દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે
બિપોરજોય વાવાઝોડાને લઈને અમરેલી જિલ્લામાં પણ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું છે. જાફરાબાદના દરિયા કિનારે ભારે પવન ફૂંકાવવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દરિયામાંથી તમામ બોટોને પરત બોલાવી લેવાઈ છે. માછીમારોને દરિયા નજીક ન જવાની સૂચના અપાઈ છે તેમજ હાલ દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.
જામનગર તંત્ર એક્શનમાં
બિપોરજોય વાવાઝોડાને લઈને જામનગર તંત્ર એક્શનમાં આવ્યું છે અને સંભવિત વાવાઝોડાની તૈયારી અંગે જામનગરના કલેક્ટર બી.એ.શાહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, દરિયા કિનારે આવેલા 22 ગામને એલર્ટ કરાયા છે તેમજ તમામ માછીમારોને પરત બોલાવવામાં આવ્યા અને જામનગરના તમામ બંદરમાં 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે સાથો સાથ NDRF ટીમ સાથે પણ કોર્ડિનેશન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, તમામ અધિકારીઓને પણ ક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે. જોડિયા તાલુકાના દરિયા કિનારે આવેલા ગામડાઓને સાવધાન કરાયા છે અને 70 હજાર જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા તંત્ર સજ્જ છે.
દમણના દરિયા કાંઠે કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ શરૂ
સંભવિત વાવાઝોડાને લઈને દમણ વહીવટી તંત્ર પણ ચેતી ગયું છે અને પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. દમણના દરિયા કાંઠે કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ શરૂ કરાયું છે તેમજ દરિયામાં રાહત બચાવની કોઈ પણ પરિસ્થિતિને લઈને કોસ્ટ ગાર્ડે સજ્જતા દર્શાવી છે. વલસાડ જિલ્લાના દરિયા કિનારાના 28 ગામના સરપંચને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયું છે અને દમણની 400થી વધુ બોટ સલામત જેટી પર લાંગરવામાં આવી છે.
ગીર સોમનાથના દરિયામાં જોવા મળ્યો કરંટ
ગીર સોમનાથમાં વાવાઝોડાના સંભવિત ખતરાને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે તેમજ ગીર સોમનાથના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. વેરાવળ, સુત્રાપાડા બંદર પર 2 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું છે તેમજ દરિયા કાંઠા વિસ્તારના માછીમારોને દરિયા નજીક ન જવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.
સંભવિત વાવાઝોડાને લઈને કચ્છમાં તંત્ર એલર્ટ
કચ્છમાં સંભવિત વાવાઝોડાને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાની અસરને પગલે નાની-મોટી બોટો લંગારી છે તેમજ કચ્છના તમામ બંદર પર સિગ્નલ લગાવાયા છે.
વાવાઝોડાને લઈ વરસાદ થવાની સંભાવના
બિપોરજોય વાવાઝોડું હાલ ગોવાથી દક્ષિણ-પશ્ચિમ સમુદ્રમાં 870 કિમી દૂર છે. આ સાથે મુંબઈથી દક્ષિણ-પશ્ચિમ સમુદ્રમાં 930 કિમી દૂર છે. આ તરફ હવે આગામી 3 દિવસ વાવાઝોડું ઉત્તર, ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. જેને લઈ હવે આ વાવાઝોડાને કારણે વરસાદ થવાની સંભાવના છે.
ગુજરાત માટે બે દિવસ અતિભારે
બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસરને લઈ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ખાસ કરીને વલસાડ, ભરૂચ, ડાંગ, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે. આ સાથે અમદાવાદમાં સૂકું વાતાવરણ રહેશે.
ગુજરાત માથેથી ખતરો ઓછો થયો! | VTV Gujarati#gujarat #vtvcard #weather #cyclone #vtvgujarati #trending pic.twitter.com/LAgmtbgFfw
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 8, 2023
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.