surat drug supplier two more accuded arrest mumbai gujarat
તપાસ /
સુરતમાં MD ડ્રગ્સ રેકેટ મામલે ક્રાઈમ બ્રાંચનો સૌથી મોટો ખુલાસો, અહીંથી સુરત આવતું હતું ડ્રગ્સ
Team VTV04:34 PM, 05 Oct 20
| Updated: 04:51 PM, 05 Oct 20
એક તરફ બોલિવૂડમાં ડ્રગ્સ કનેક્શનને લઈને મામલો ચગ્યો છે. તો બીજી તરફ સુરતમાં મોટી માત્રામાં ઝડપાયેલ ડ્રગ્સને લઇને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. સુરતમાં રૂપિયા 1 કરોડથી વધુની કિંમતનું MD ડ્રગ્સ ઝડપાયું હતું. તેની સાથે કેટલાક આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. પરંતુ આ મામલે વધુ બે આરોપીઓની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરાઇ.
સુરતમાં MD ડ્રગ્સ ઝડપાવાનો મામલો
અત્યાર સુધીમાં કુલ 6 આરોપી ઝડપાયા
ડ્રગ્સની મુખ્ય સપ્લાઈ મુંબઇથી છેઃ ક્રાઈમ બ્રાંચ
સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી MD ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેની પૂછપરછમાં મોટા ખુલાસા થયા હતા. આ આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે હવે ડ્રગ્સ રેકેટ મામલે એક પછી એક ખુલાસા થઇ રહ્યા છે, તેવામાં સુરત ડ્રગ્સ કેસના તાર મુંબઇ સાથે જોડાયેલા હોવાનો ખુલાસો થયો છે. સપ્લાયરને ઝડપી પાડવા સુરત પોલીસની એક ટીમ મુંબઈ પહોંચી હતી. સુરત પોલીસે મુંબઈ પોલીસની સહાયતાથી તપાસ હાથ ધરી છે.
સુરતમાં ડ્રગ્સ રેકેટમાં સામેલ વધુ 2 લોકો વિરામન ઉર્ફ અન્ના અને પ્રવિણ મ્હાત્રેની નવી મુંબઈથી ધરપકડ કરાઇ છે. અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ડ્રગ્સની મુખ્ય સપ્લાઇ મુંબઈથી છે. હજુ પણ ડ્રગ્સ ક્યાંથી સપ્લાય થાય છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતના ડુમસનો ફ્લેટ આદિલનો છે. ફાર્મ હાઉસમાં પાર્ટી થતી હતી તેની વિગત નથી.
શું છે સમગ્ર ઘટના?
સુરત ક્રાઇમ બ્રાન્ચે મંગળવારે મેગા ઓપરેશનમાં ડુમસ રોડ, સરથાણા અને વરાછા વિસ્તારમાંથી રૂપિયા 1.33 કરોડની કિંમતનું 1 કિલો 334 ગ્રામ MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. તો સાથે ત્રણ આરોપી મોહંમદ સલમાન ઉર્ફે અમન મોહંમદ હનીફ ઝવેરી, સંકેત અસલાલિયા અને વિનય ઉર્ફે બન્ટી પટેલની ધરપકડ કરી હતી. પોલીસે ડ્રગ્સ, બે કાર અને 7 મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1.44 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો ડ્રગ્સના આ વેપારમાં સામેલ સુરતના આદિલ અને મુંબઈ-બોરીવલીના રોહનને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ક્રાઇમબ્રાંચે મુંબઇ બોરીવલ્લીથી રેહનને ઝડપ્યો હતો
આ અગાઉ મુંબઈથી રેહન ઝા નામનો શખ્સ ઝડપાયો હતો. ક્રાઇમબ્રાંચે મુંબઇ બોરીવલ્લીથી રેહનને ઝડપ્યો હતો. જેમણે વિનય ઉર્ફે બંટીને રૂ.1.75 કરોડનું ડ્રગ્સ આપ્યુ હતું. રેહન મુંબઇના મણી નામના મિત્ર થકી બંટીને મળ્યો હતો. ઉસ્માન શેખ નામના શખ્સ પાસેથી રેહન ડ્રગ્સ લાવતો હતો.
આદિલ બોલીવૂડ સ્ટાર જેવી લાઇફ સ્ટાઇલ જીવે છે
પોલીસ ટુંક સમયમાં મોટા ડ્રગ્સ નેટવર્કનો પોલીસ ખુલાસો કરશે. ત્યારે હવે ક્રાઇમ બ્રાન્ચે આદિલની શોધખોળ શરૂ કરી છે. આદિલ શહેરની જાણીતી રેસ્ટરન્ટના માલિકનો દીકરો છે. આદિલ બોલીવૂડ સ્ટાર જેવી લાઇફ સ્ટાઇલ જીવે છે. આદિલે ડુમ્મસમાં પણ એક ફ્લેટ રાખ્યો હતો. વીક એન્ડમાં ડુમ્મસ ફ્લેટમાં પાર્ટીઓ ચાલતી હતી. ડ્રગ્સ કેસમાં ઝડપાયેલો સલમાન ઝવેરી પણ ફ્લેટમાં ગયો હતો. આદિલ અનેક યુવતીઓ સાથે સંપર્ક ધરાવે છે. મોડી રાત્રે યુવતીઓ સાથે હોટલમાં જતો હોવાની ચર્ચા.