સુરત શહેરને કોરોનાએ બાનમાં લીધું છે તેવામાં શહેરમાંથી વધુ એક ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. કોરોનાના કહેર વચ્ચે સ્મશાન ગૃહોમાં સતત વેઇટિંગની સ્થિતિ છે.
સુરતમાં બેકાબૂ બનતો કોરોના
કોરોના દર્દીઓના થઇ રહ્યાં છે મૃત્યુ
સ્મશાન ગૃહોમાં સતત વેઇટિંગની સ્થિતિ
કોરોના મહામારીની બીજી લહેર બેકાબૂ બની રહી છે. સુરત શહેરમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં મોટો વધારો થઇ રહ્યો છે. તો મૃત્યુઆંક પણ વધ્યો છે. કોરોનાના વધતા કહેરને લઇને સરકાર અને સામાન્ય લોકોમાં ફરીથી ડર ફેલાઇ રહ્યો છે. રાજ્યમાં ગઇકાલે 24 કલાકના સુરત શહેરમાં 621 નવા કેસ જ્યારે સુરત ગ્રામ્યમાં 198 કેસ નોંધાયા હતા. તો સુરત શહેરમાં 8 અને સુરત ગ્રામ્યમાં 2 લોકોના મોત થયા છે. બીજી તરફ મોતના આંકડા છુપાવવાના કેટલાક આક્ષેપો પણ થઇ રહ્યા છે. તેવામાં હવે વધુ એક ચિંતા ઉપજાવે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.
હોસ્પિટલથી લઇને સ્મશાન સુધી બધી જગ્યાએ લાઇનો
સુરત શહેરમાં કોરોના ટેસ્ટિંગ માટે લાઇનો લાગી છે, હોસ્પિટલોની બહાર એમ્બ્યુન્સોની લાઇનો લાગી છે, હોસ્પિટલમાં બેડ ફૂલ થઇ રહ્યા છે, રેમડેસીવિર ઇન્જેક્શન મેળવવા માટે દર્દીના સગાની લાઇનો લાગી છે, ક્યાંક ઓક્સિજનની પણ ઘટ પડી રહી છે. તેવામાં હવે સુરત શહેરમાં મૃતદેહોના અગ્નિસંસ્કાર માટે પણ લાઇનો લાગી રહી છે. મોત બાદ પણ અંતિમ વિધિ માટે મૃતદેહો લાઇનમાં છે.
સ્મશાન ગૃહોમાં સતત વેઇટિંગની સ્થિતિ
સુરતમાં કોરોના બેકાબૂ બનતા કોરોના દર્દીઓના મૃત્યુ થઇ રહ્યાં છે. સ્મશાન ગૃહોમાં સતત વેઇટિંગની સ્થિતિ છે. ઉમરાના રામનાથ ઘેલા સ્મશાન ભૂમિનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સ્મશાન ગૃહમાં 15 મૃતદેહો અંતિમવિધિ માટે પડ્યા છે. તો મૃતદેહો વધતા સ્મશાનના કર્મચારીઓ ટોકન આપી રહ્યાં છે. વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ કહી રહ્યા છે કે, ચેતી જાઓ અને વિચારો બધા. 24 નંબરનો વારો આવ્યો છે અને અમારૂ 40 નંબરનું ટોકન છે. ઉમરાના સ્મશાનમાં લાઇનો લાગી છે.
સુરત શહેરના મૃતદેહની ગ્રામ્ય વિસ્તારમાં અંતિમક્રિયા
સુરત શહેરના સ્મશાન ગૃહોમાં વેઇટિંગ હોવાથી ગામડાઓમાં અંતિમક્રિયા થઇ રહી છે. કોરોનાથી મૃત્યુ પામતા દર્દીના મૃતદેહોના ઝડપી નિકાલ માટે નિર્ણય લેવાયો છે. બારડોલી ખાતે સ્મશાન ગૃહમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આજે 6 મૃતદેહોની અંતિમક્રિયા કરવામાં આવી છે. બારડોલીના એકતા ટ્રસ્ટ દ્વારા અંતિમક્રિયા કરવામાં આવી રહી છે.
સુરતમાં કોરોનાના મૃત્યુ આંક સાથે મોટો ખેલ
ગતરોજ શહેરના ત્રણ સ્મશાન ગૃહમાં મોટી સંખ્યામાં અંતિમ સંસ્કાર થયા છે. કોવિડ પ્રોટોકોલ મુજબ 130 અંતિમ સંસ્કાર કરાયા છે. જ્યારે સરકારી ચોપડે માત્ર 7થી 8 મૃતદેહની નોંધ લેવાઇ છે. અશ્નિની કુમાર સ્મશાન ગૃહમાં 70 જેટલા અંતિમ સંસ્કાર કરાયા છે. તો કૂરૂક્ષેત્ર સ્માશન ગૃહ ખાતે 60 મૃતદેહ લવાયા છે. શહેરમાં આંકડા છુપાવવાનો મોટો ખેલ ચાલી રહ્યો છે. રામનાથ ઘેલા સ્મશાન ખાતેના આંકડા સામે નથી આવી રહ્યા.
સુરતની સ્થિતિ હજુ ગંભીર બની શકે છેઃ કલેક્ટર ડૉ. ધવલ પટેલ
સુરતની સ્થિતિ મુદ્દે કલેક્ટર ડૉ. ધવલ પટેલે નિવેદન આપ્યું હતું. કલેક્ટરે કહ્યું હતું કે, સુરતમાં કોરોનાની સ્થિતિ હજુ પણ ગંભીર બની શકે છે. સુરતની સ્થિતિ હજુ ગંભીર બની શકે છે. જે ઝડપે કેસ વધ્યા એ ચિંતાનો વિષય છે. આ વખતે હોસ્પિટલાઈઝેશન વધ્યું છે. ઓક્સિજનની જરૂરિયાતવાળા કેસની સંખ્યા વધી છે. ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની માહિતી મેળવી. દર્દીના સગાઓએ ઈન્જેક્શન લેવા જવાની જરૂર નથી.
તાબડતોબ AIIMSની ટિમ પહોંચી સુરત
જોકે સુરતમાં કોરોના સંક્રમણ ખતરનાક સ્તરે પહોંચતા દિલ્હી AIIMSની ટિમ સુરત પહોંચી છે. 12 તબિબો સહિતની ટિમ સુરત પહોંચી ગઇ છે. સુરત મનપામાં AIIMSની ટિમે મિટિંગ યોજી હતી. હવે આ ટીમ સુરત સિવિલની મુલાકાત લેશે.