Students of IELTS exam scam has given exam in fun city hotel
અપડેટ /
મહેસાણામાં IELTS પરીક્ષા કૌભાંડના તાર છેક નવસારી સુધી પહોંચ્યા, થયો ચોંકાવનારો ઘટસ્ફોટ
Team VTV02:13 PM, 01 Aug 22
| Updated: 02:19 PM, 01 Aug 22
IELTS કૌભાંડ મામલે પોલીસે હોટલના મેનેજર સહિત IELTSના કર્મચારીઓના નિવેદનો લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો
IELTS પરીક્ષાના તાર પહોંચ્યા નવસારી
હોટલ ફન સીટીમાં વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
અંગ્રેજી બોલતા ન આવડતા ભાંડો ફૂટ્યો
IELTSમાં 8 બેન્ડ મેળવીને અમેરિકા જવાનું કૌભાંડના તાર નવસારી સુધી પહોંચ્યા છે. જે વિદ્યાર્થીએ જે હોટલમાં પરીક્ષા આપી હતી તે નવસારીની છે. આ મામલે નવસારીની હોટલ ફન સીટીના મેનેજરનું નિવેદન સામે આવ્યું છે. આશુતોષ તિવારીએ આ મામલે જણાવ્યું કે પ્લેનેટ એજ્યુકેશન સંસ્થાનું હોટલ ફન સીટી સાથે વાર્ષિક ટાય-અપ છે તથા અહીં સમયાંતરે પરીક્ષાનું આયોજન થતુ રહે છે. અમે કેન્ડીડેટ દ્વારા જો રૂમ લેવામાં આવે તો તેમના આઇડી પ્રુફ માંગીએ છીએ બાકી હોલમાં પરીક્ષા યોજાય તેમાં અમે વિદ્યાર્થીઓના આઇડી પ્રુફ લેતા નથી. ગત 24 સપ્ટેમ્બર 2021 માં પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં આ ચારેય વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, પરંતુ એ પરીક્ષા ના સીસીટીવી ફૂટેજ લાંબો સમય હોવાથી અમારી પાસે નથી તેમ જણાવ્યું હતું.
ચારેય વિદ્યાર્થીઓએ નવસારી જઇને આપી હતી પરીક્ષા
મહત્વનું છે કે IELTSની પરીક્ષામાં 8 બેન્ડ લાવી પાસ થનારા વિદ્યાર્થીઓને અંગ્રેજીનો A પણ આવડતો નહીં હોવાનું સામે આવતા અમેરિકન એમ્બેસીએ મુંબઇ એમ્બેસીને જાણ કરી હતી.બાદમાં સમગ્ર મામલે મહેસાણા પોલીસે તપાસ હાથ ધરી હતી.જેમાં ચારેય વિદ્યાર્થીઓએ નવસારીની હોટલ ફન સીટીમાં પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું હતું.
કેવી રીતે કૌભાંડનો થયો પર્દાફાશ
ઉલ્લેખનીય છે કે માંકણજ, ધામણવા, રામનગર અને સંગણપુરના 4 યુવાનોને લઇને મહેસાણા SOG પોલીસ દ્વારા આ મામલે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે. આ યુવકો જ્યારે બોટ મારફતે કેનેડા અને કેનેડાથી અમેરિકા જઇ રહ્યાં હતા એ દરમ્યાન તેઓને ત્યાંથી પકડવામાં આવ્યા. આથી આ પકડાયેલા યુવકોને જ્યારે અમેરિકાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે તેમનો સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. કારણ કે તેઓને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે આ યુવકો અંગ્રેજી ન હોતા બોલી શક્યા. આથી, આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો.
જીગર પટેલ અને રવિ પટેલ નામના બે એજન્ટોના નામ સામે આવ્યા
વધુમાં મુંબઇ એમ્બેસી દ્વારા આ મામલે મહેસાણા પોલીસને જાણ કરાઇ. આથી, મહેસાણા SOG પોલીસને તપાસ સોંપતા મહેસાણા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં SOGની તપાસમાં જીગર પટેલ અને રવિ પટેલ નામના બે એજન્ટોના નામ સામે આવ્યા છે. આ બે એજન્ટો સાથે અમિત ચૌધરી નામના શખ્સની પણ સંડોવણી હોવાનું ખુલ્યું. આથી, મહેસાણા SOGએ અમિત ચૌધરીની પૂછપરછ હાથ ધરી હતી.
પરંતુ આ મામલે સૂત્રો તરફથી એવું જાણવા મળી રહ્યું છે કે, અમિત ચૌધરી માટે ગુજરાતના મંત્રીએ ભલામણ કરી હતી. જેથી મંત્રીની ભલામણના પગલે અમિત ચૌધરીને SOGએ જવા દીધો. જો કે, તપાસ દરમ્યાન અમિત ચૌધરીને જવા દેતા વિવાદ પણ સર્જાયો છે. વધુમાં આ મામલે તપાસ અધિકારી દ્વારા IELTS બેન્ડ કૌભાંડમાં મોટા માથાની સંડોવણી હોવાનું જાણવા મળી રહ્યું છે. તમને જણાવી દઇએ કે, IELTSની પરીક્ષા અમદાવાદ સ્થિત એજ્યુકેશન સંસ્થા લેતી હોય છે. ત્યારે વિદેશ જવાના બેન્ડ કૌભાંડના કારણે આ સંસ્થા પણ વિવાદમાં સપડાઈ છે.
એજન્ટોએ પોલીસને નિલમ સિરામિકમાં બેસીને કામ કરતા હોવાનું જણાવ્યું
વધુમાં આ મામલે એજન્ટો પણ પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. કારણ કે તપાસમાં જીગર અને રવિએ પોલીસને ખોટું સરનામું આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. એજન્ટોએ પોલીસને નિલમ સિરામિકમાં બેસીને કામ કરતા હોવાનું જણાવ્યું હતું. આથી, મહેસાણાના નિલમ સિરામિક પર VTV પહોચ્યું. જ્યાં નિલમ સિરામિકના માલિકે એજન્ટોને ઓળખતા ન હોવાનું નિવેદન આપ્યું હતું.