ભરૂચ ક્રાઈમ બ્રાન્ચના 2 કોન્સ્ટેબલ દ્વારા ફરિયાદ રદ કરવા માટે કરવામાં આવેલી અરજીને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. રાજ્ય સરકારે પણ આરોપી કોન્સ્ટેબલોની અરજીનો વિરોધ કર્યો હતો.
ગુજરાત પોલીસમાં જાસૂસી કાંડ મામલો
અધિકારીઓની જાસૂસી મામલે હાઈકોર્ટમાં સુનાવણી
2 કોન્સ્ટેબલે ફરિયાદ રદ કરવા કરી હતી HCમાં અરજી
પોલીસ અધિકારીઓના લોકેશનની માહિતી બુટલેગરોને આપવાનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. SMC, SOGના અધિકારીઓની જાસૂસી મામલે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. ભરૂચના કોન્સ્ટેબલો દ્વારા ફરિયાદ રદ કરવાની અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. સાથે જ હાઈકોર્ટના કડક વલણ બાદ અન્ય એક આરોપીએ અરજી પરત ખેંચી લીધી હતી. મહત્વનું છે કે, ભરૂચ ક્રાઈમ બ્રાન્ચના 2 કોન્સ્ટેબલે ફરિયાદ રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
ભરૂચના 2 કોન્સ્ટેબલ સામે નોંધાયો હતો ગુનો
ગુજરાત પોલીસમાં જાસૂસીકાંડનો મામલો સામે આવ્યો હતો, જેમાં ભરૂચ પોલીસમાં ફરજ બજાવતા બે પોલીસકર્મી જ બુટલેગરોને ઉચ્ચ અધિકારીઓને લોકેશન આપતા હતા. આ મામલે આખરે પોલીસે બન્ને કોન્સ્ટેબલ અને બે બુટલેગર સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
2 કોન્સ્ટેબલોએ કરી હતી અરજી
જેથી બંને કોન્સ્ટેબલો દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને ફરિયાદ રદ કરવાની માંગ કરવામાં આવી હતી. જે બાદ ભરૂચના કોન્સ્ટેબલો દ્વારા ફરિયાદ રદ કરવાની અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. રાજ્ય સરકારે પણ આરોપી કોન્સ્ટેબલોની અરજીનો વિરોધ કર્યો હતો.
પોલીસનું લોકેશન જ બુટલેગરોને વેચવાનું શરૂ કરી દીધું હતું
ગુજરાત પોલીસને હચમચાવી દેનારા ભરૂચ LCBના બે કોન્સ્ટેબલો બુટલેગરો માટે પૈસા લઈ પોલીસની જ જાસૂસીકાંડ કરતા હતાં. બે બુટલેગરો સહિત બન્ને અપરાધી કોન્સ્ટેબલો સામે એક વર્ષથી લઈ આજીવન કેદ સુધીની સજાની જોગવાઈઓ કરતી કલમો ફરિયાદમાં દાખલ કરવામાં આવી હતી. ભરૂચ LCBમાં વર્ષોથી ટેક્નિકલ સર્વેલન્સમાં રહેલા બે કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકીએ પૈસા માટે પોલીસનું લોકેશન જ બુટલેગરોને વેચવાનું શરૂ કરી દીધું હતું.
પોલીસ કોન્સ્ટેબલોને કરાયા હતા સસ્પેન્ડ
છેલ્લા કેટલાક સમયથી સ્ટેટ મોનીટરીંગ સેલ SMCની બુટલગરો ઉપર રેઇડ નિષ્ફળ જતા SP નિર્લિપ્ત રાયને શંકા ગઈ હતી. તેઓએ DYSP કે.ટી.કામરીયા સાથે તપાસ કરતા ભરૂચ LCBના ટેક્નિકલ સર્વેલન્સમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકીની પોલીસના જ લોકેશનો બુટલેગરોને પહોંચાડવાની ભૂમિકા સામે આવી હતી. SMCએ આ અંગેનો પ્રાથમિક રિપોર્ટ તત્કાલીન DGP આશિષ ભાટિયાને કરતા ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે તાત્કાલિક એક્શન લઈ બન્ને પૈસા માટે બુટલેગરોના હાથે વેચાઈ ગયેલા પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દીધા હતા. ખૂબ જ ગંભીર ગુનાહિત કૃત્ય અંગે ભરૂચ SPએ તપાસ અંકલેશ્વર DYSP ચિરાગ દેસાઈને પોતાની સીધી દેખરેખ હેઠળ સોંપી હતી.
DYSP દ્વારા 18 દિવસ કરતા વધુની સઘન તપાસ બાદ આજે બી ડિવિઝનમાં SOG પીઆઇ આનંદ ચૌધરીએ બન્ને કોન્સ્ટેબલ અને બુટલેગરો સામે ફરિયાદ નોંધાવી છે. પબ્લિક સેવક અને પોલીસમાં જ રહી પોલીસની જ જાસૂસી બુટલેગરો માટે કરતા બન્ને કોન્સ્ટેબલ, બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થ તેમજ પરેશ ચૌહાણ ઉર્ફે ચકા સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી.