std 10 student suicide after uncle scolded for make phone call to aunty
સુરત /
કાકીને ફોન કરવા મુદ્દે કાકાએ ઠપકો આપતા સગીરનો આપઘાત, સ્યુસાઇડ નોટમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
Team VTV11:30 AM, 16 May 22
| Updated: 11:31 AM, 16 May 22
સુરતમાં કાકીને ફોન કરવા મુદ્દે કાકાએ ઠપકો આપતા ધોરણ 10ના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી.
સુરતમાં ધોરણ 10ના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા
કાકાએ ઠપકો આપતાં વિદ્યાર્થીએ કરી આત્મહત્યા
કાકાએ ખોટી શંકા કરી હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ
સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કાકાએ ઠપકો આપતા ધોરણ 10ના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી. મળતી માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થી કાકીને ફોન કરતો હતો જેને લઇને કાકાએ તેને ઠપકો આપ્યો હતો. આ ઠપકાને લઇને વિદ્યાર્થીએ ઘરના રસોડામાં દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી. જો કે, આ મૃતક વિદ્યાર્થી પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં કાકાએ ખોટી શંકા કરી હોવાનો વિદ્યાર્થી દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી કાપોદ્રા પોલીસે ફરિયાદ નોંધીને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વ્હાલસોયાના આપઘાત બાદ પરિવારમાં ભારે આઘાત
મળતી માહિતી અનુસાર, સુરતના નાના વરાછા ખાતે પશુપતિનાથ સોસાયટીમાં માતા-પિતા સાથે રહેતા 16 વર્ષના મૌનિકે આપઘાત કર્યો છે. મૌનિકે તાજેતરમાં જ ધોરણ-10ની પરીક્ષા આપી હતી કે જેનું હજુ તો પરિણામ આવવાનું પણ બાકી છે. મૌનિકના પિતા દિલીપભાઈ મંદિર બનાવવાનું કામ કરે છે. દિલીપભાઈને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. જેમાંથી મૌનિકે ઘરના રસોડામાં પંખા સાથે દોરી બાંધીને આત્મહત્યા કરી લીધી છે. જો કે, પરિવારને પોતાના વ્હાલસોયાના આપઘાત બાદ ભારે આઘાત લાગ્યો છે.
સ્યુસાઇડ નોટમાં કાકાનું નામ હોવાથી પોલીસ કરશે પૂછપરછ
આ બનાવની જાણ થતા જ કાપોદ્રા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસને તપાસ દરમિયાન ઘરમાંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી. જેમાં મૌનિકે કાકીને ફોન કરવા બાબતે કાકાએ ઠપકો આપ્યાની વાત લખી છે. સાથે એમ પણ લખ્યું છે કે કાકાને જે શંકા છે તે ખોટી છે.
કાકાના ઠપકા બાદ સગીરે આપઘાત કરી લીધાનું સામે આવ્યું
પોલીસનું કહેવું છે કે, પ્રાથમિક તપાસમાં કાકાના ઠપકા બાદ સગીરે આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે આ મામલે સ્યુસાઇડ નોટમાં કાકાનું નામ હોવાથી પોલીસે તેના કાકાની પૂછપરછ કરવાની તૈયારી હાથ ધરી છે. પરંતુ હાલમાં આ મામલે પરિવારે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો છે. પોલીસનું કહેવું છે કે, સંપૂર્ણ તપાસ બાદ જ આ કેસમાં વધુ વિગતો સામે આવી શકશે.