રાજ્યમાં પેપર ફૂટવાની ઘટના તો જાણે સામાન્ય હોય તેમ સ્પર્ધાત્મક પરીક્ષાથી લઈ યુનિવર્સિટીના પેપરો ફૂટી રહ્યાં છે. આ મુદ્દે ઉમેદવારો ગુજરાત સરકાર પર રોષ ઠાલવી રહ્યા છે અને સરકાર પેપર ફૂટવાની દરેક ઘટનામાં નાની માછલીઓ સામે કાર્યવાહી કરીને મામલાને રફેદફે કરી દે છે તેવા આક્ષેપો થઇ રહ્યા છે. ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક કાંડ મામલે એચ.એન કોલેજના પ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યું છે.
પેપરલીક મામલે નેહલ શુક્લ બોલ્યા
એચ.એન કોલેજના પ્રમુખે જણાવ્યું કે, કોલેજના કર્મચારી જીગર ભટ્ટ પર ગુનો દાખલ થયો છે, સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ફરિયાદ નોંધાવી છે તેમણે ઉમેર્યું કે, પેપરલીક થયું તે પહેલાં યુનિવર્સિટીની પરિસ્થતિ લકવાગ્રસ્ત હતી. 24 કલાક પહેલા પેપર કોલેજોને આપવામાં આવ્યા હતાં. તેમણે કહ્યું કે, આ બધો પૈસાનો ખેલ છે.
નેહલ શુકલ
બદનક્ષી બદલ 6 કરોડનો દાવો કરીશું: નેહલ શુકલ
નેહલ શુકલએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટાર વિરુદ્ધ બદનક્ષી બદલ 5 કરોડ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિરુદ્ધ બદનક્ષી બદલ 6 કરોડનો દાવો કરીશું. નેહલ શુક્લએ કહ્યું કે, પૂર્વ કુલપતિ પછીના સત્તાધીશોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિસ્ટમને ખોખલી કરી દીધી છે. કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ગિરીશ ભીમાણીએ આંકડાશાસ્ત્ર ભવનમાં રિસીવિંગ સેન્ટર રાખ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં ક્યારેય ત્રણ પરીક્ષાઓ લેવામાં આવી નથી અને હવે ત્રણ પરીક્ષાઓ લેવાય છે જે વિદ્યાર્થીઓના હિતમાં પણ નથી.
પેપરલીક કેસમાં ગઈકાલે FIR થઈ
ગઈકાલે રાત્રે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર અમિત પારેખે એચ.એન.શુક્લ કોલેજના કર્મચારી એવા પેપર રિસીવર જીગર ભટ્ટ સામે ફરિયાદ નોંધાવી હતી. ભાજપના કોર્પોરેટરની કોલેજના રિસીવર સામે ગુનો નોંધાયો છે. પેપર ફોડવામાં ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લાની કોલેજની વરવી ભૂમિકા બહાર આવતા ચકચાર મચી ગઇ હતી.
પેપરલીક થતાં સમગ્ર હલબલી ઉઠ્યું હતું તંત્ર
ગુજરાતમાં જો પારદર્શિતા સાથે ભરતી થાય તો કદાચ ઈતિહાસ રચાઈ જાય. કારણ કે, રાજ્યમાં છાશવારે પેપરલીક થયાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે ગત ઓક્ટોબર મહિનામાં પેપરલીક કાંડની ઘટના સામે આવી હતી. રાજ્યની પ્રચલિત અને સતત વિવાદમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને BComની પરીક્ષાના પેપર લીક થતાં સમગ્ર તંત્ર હલબલી ઉઠ્યું છે.
પેપરલીક મામલે રાજકારણ પણ થઇ ગયું હતું તેજ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને BCom સેમેસ્ટર-5ના પેપરલીક થયા હતા. BBA સેમ-5ના ડાયરેક્ટ ટેક્સેસન-5નું પેપર લીક થયું હતું તો BCom સેમ-5નું ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સનું પેપરલીક થયું હોવાની ઘટના સામે આવી હતી. જે બાદ બીબીએનું નવું પેપર રાતોરાત બદલી સવારે પાંચ વાગ્યે તમામ કોલેજોને મોકલી અપાયુ હતું. જ્યારે બી.કોમનું પેપર રદ્દ કરાયું હતું. જોકે, આ ઘટનાને લઇને વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ સવાલો ઉઠાવતા પૂછ્યું હતું કે 'આવાં તત્વો સામે યુનિવર્સિટી ફરિયાદ દાખલ શા માટે નથી કરતી, આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થવી જોઈએ.' વિદ્યાર્થી સંગઠનો પેપર લીકની ઘટનાઓને પગલે રોડ પર ઉતરી આવ્યા હતા. પેપર લીક મામલે રાજકારણ પણ તેજ થઇ ગયું હતું.
યુનિવર્સિટીના કુલપતિએ આપ્યું હતું નિવેદન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે, પેપર લીક થયા હોવાની ઘટના સૌરાષ્ટ્ર યુનિવર્સીટીને જાણ થતાની સાથે રાત્રીના 12.30 વાગ્યે પરીક્ષા વિભાગ દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી છે. આ સાથે રાત્રીના સમયે જ બીબીએનું નવું પ્રશ્ન પત્ર તૈયાર કરી દરેક પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવ્યું છે. જે પરીક્ષા રાબેતા મુજબ આજે લેવામાં પણ આવી રહી છે પરંતુ બીકોમ સેમેસ્ટર 5 નું પેપર લીક થયાનું વહેલી સવારે જાણ થતા આ પરીક્ષા આજે રદ કરવામાં આવી છે અને હવે પછી નવી તારીખ પરીક્ષાની જાહેર કરવામાં આવશે.
NSUIએ જવાબદારો સામે કાર્યવાહીની કરી હતી માંગ
જ્યારે આ મામલે NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે,'યુનિવર્સિટીમાં વારંવાર આ પ્રકારની ઘટના બને તે દુઃખદ છે, ત્યારે અમારી એક જ માંગ છે કે અંદરોઅંદરની લડાઈમાં વિદ્યાર્થીઓનો ભોગ ન લેવો જોઈએ. આ સિસ્ટમમાં બદલાવ લાવવો જોઈએ અને અગાઉની જેમ જૂની સિસ્ટમ ફરી શરૂ કરી પરીક્ષાના સમયથી એક બે કલાક પૂર્વે પ્રશ્નપત્ર આપવામાં આવે તેવી અમારી મુખ્ય માંગ છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.'
વિદ્યાર્થીઓએ મચાવ્યો હતો હોબાળો
તદુપરાંત પેપરલીકની આ ઘટના બાદ અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટ ગ્રામ્યમાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થી સંગઠનો પેપર લીકની ઘટનાઓને પગલે રોડ પર ઉતરી આવ્યા હતા. પેપર લીક મામલે રાજકારણ પણ તેજ થઇ ગયું હતું.
યુનિવર્સિટીએ લીધો હતો મહત્વનો નિર્ણય
યુનિવર્સિટીએ પેપર લીક થતા મહત્વનો નિર્ણય લીધો હતો. BBA અને B.Comની પરીક્ષાના પેપર લીક થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ હવેથી તમામ પરીક્ષાઓમાં પેપર QR કોડ સાથે કાઢવાનો નિર્ણય લીધો હતો. આ સાથે પરીક્ષાઓમાં પ્રશ્નપત્રો હાર્ડકોપીમાં નહીં મોકલવાનો નિર્ણય લીધો હતો. જોકે, પેપર લીક થયાના 111 દિવસ બાદ હવે ફરિયાદ નોંધાઈ છે.