Statement by Congress leader Amit Chavda on communal riots in Gujarat
રાજનીતિ /
ગુજરાતમાં કોમી તોફાનો રાજકીય ઈશારે થઈ રહ્યા છે, પોલીસ પણ જવાબદાર: કોંગ્રેસના દિગ્ગજ નેતાના આરોપથી ખળભળાટ
Team VTV04:19 PM, 12 Jun 22
| Updated: 04:23 PM, 12 Jun 22
તોફાનો ન થાય એ જોવાની જવાબદારી સરકારની અને પોલીસની, બંને પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ: અમિત ચાવડા
ગુજરાતમાં કોમી તોફાનનો મામલો
કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન
''ગુજરાતમાં તોફાનો રાજકીય ઇશારે થઈ રહ્યા છે''
ગુજરાતમાં કોમી તોફાનો મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. શાસક પક્ષ પર આરોપ લગાવતા કહ્યું છે કે ગુજરાતમાં તોફાનો રાજકીય ઇશારે થઈ રહ્યા છે તે તપાસનો વિષય છે.તોફાનોની તપાસ માટે સરકારે SITની ટીમનું ગઠન કરવું જોઈએ. હાઇકોર્ટના સિટિંગ જજની દેખરેખ હેઠળ ન્યાયિક તપાસ થવી જોઈએ. તોફાનો કરાવનારા લોકો સામે સરકાર કડક કાર્યવાહી સરકાર કરે સમગ્ર મામલે અમિત ચાવડાએ પોલીસને પણ આડે હાથ લીધી હતી.પોલીસ હપ્તા લેવામાં વ્યસ્ત હોવાથી કાયદો જાળવવામાં નિષ્ફળ થઈ છે.
અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ કોંગ્રેસે શું કહ્યું?
સરકાર પાસે અમારી સ્પષ્ટ માંગણી છે કે કોમી તોફાનોની ઊંડાણમાં તપાસ થવી જોઈએ. ક્યાંય આવા છમકલાઓ પાછળ કોઈ રાજકીય એંજડાઓ તો નથી સિદ્ધ થઈ રહ્યા ને? ક્યાંય કોઈ ક ચૂંટણીઓને ધ્યાનમાં રાખી તો કાવતરું ઘડવામાં નથી આવતું ને?જે લોકો આ પાછળ જવાબદાર હોય એ પછી કોઈ પણ ધર્મના હોય કે પછી કોઈ પણ પક્ષના હોય, કે કોઈ પણ જાતિના હોય. જે લોકો આવા ખોટા કૃત્ય માટે જવાબદાર હોય, શાંતિ ડહોવામાં જવાબદાર હોય તેઓની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. ગુજરાતની જનતાની સુરક્ષાની જવાબદારી સરકારની છે તેને યોગ્ય રીતે નિભાવવામાં આવે..
બોરસદમાં બે જૂથોએ સામસામે આવતા થયો હતો પથ્થરમારો
આણંદ જિલ્લાના બોરસદમાં ગઇકાલે મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં એક પોલીસ કર્મચારી પણ ઇજાગ્રસ્ત થયો હતો. મોડી રાત્રે બે જૂથ સામેસામે આવી જતા સામસામે પથ્થરમારો કર્યો હતો. જેના લીધે સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ ગઇ હતી. હાલમાં પણ બોરસદમાં અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે. જેના કારણે ખુદ રેન્જ IG સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા સ્થિતિનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે.
30 જેટલી રબર બુલેટનું પણ ફાયરિંગ કરાયું
વિગતવાર જણાવીએ કે, બોરસદના બ્રાહ્મણવાડા વિસ્તારમાં રાત્રિ દરમિયાન પથ્થરમારો થયાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સ્થાનિક નાગરિક ઉપર હુમલો થયા બાદ મામલો વધારે ઉગ્ર બન્યો છે. બાદમાં ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતાં. 30 જેટલી રબર બુલેટનું પણ ફાયરિંગ કરવામાં આવ્યું.
14 જેટલાં તોફાની તત્વોની પણ પોલીસે કરી અટકાયત
આ ઘટનામાં એક પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયો છે. આ ઘટના બાદ બોરસદમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે. જેમાં SRPની બે કંપની બંદોબસ્તમાં સામેલ કરાઇ છે તો સાથે ખુદ રેન્જ IG સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. બીજી બાજુ આ અથડામણમાં 14 જેટલાં તોફાની તત્વોની પણ પોલીસે અટકાયત કરી છે.
એક ધાર્મિક પક્ષના વ્યક્તિએ અન્ય ધાર્મિક પક્ષના વ્યક્તિને ચપ્પુ મારી દેતા મામલો બિચક્યો
આ મામલે પોલીસના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, 'બોરસદમાં તારીખ 11/6/22ના રોજ રાત્રિના 9:30 વાગ્યે એક ધાર્મિક સ્થળની બહારના ભાગે એક વિવાદિત પ્લોટ આવેલો છે. એ પ્લોટમાં એક અન્ય ધાર્મિક સમુદાયના લોકો ઇંટો નાખતા હતાં. જે બાબતે બંને કોમના સમુદાય વચ્ચે બોલાચાલી થતા સ્થાનિક પોલીસ અને PI તેમજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બંને સમુદાયના લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે, આ જે વિવાદિત જગ્યા છે તેનો જ્યાં સુધી ઉકેલ ના આવી જાય ત્યાં સુધી સૌને શાંતિ રાખવાની અપીલ કરા તેમજ નગરપાલિકાના પ્રમુખ અને અન્ય આગેવાનોને બોલાવીને આ વાતનો સમાધાન કરવાનો પ્રયાસ કરેલ. તે દરમ્યાન એક પક્ષના ધાર્મિક પક્ષના લોકોએ અન્ય પક્ષના ધાર્મિક પક્ષના લોકો સાથે માથાકૂટ કરીને એક વ્યક્તિને પેટના ભાગે ચપ્પુ મારી દીધેલું. આથી બંને પક્ષકારો સામસામે આવી જતા મોટો ઝઘડો થયો અને લોકો સામસામે આવી ગયાં.