એસ.ટી.બસમાં મુસાફરી કરતાં પ્રવાસીઓ દ્વારા બુક કર્યા પછી કેન્સલ થતી ટિકિટનું પ્રમાણ ઘટાડવા માટે એસ.ટી. નિગમ હવે મુસાફરોને રેલવે જેવી સુવિધાઓ આપી રહ્યું છે. નવી સુવિધા મુજબ હવે કોઈ પણ પ્રવાસી તેની ઓનલાઇન ટિકિટ બુક કર્યા કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ ચૂકવ્યા વગર ૨૪ કલાક પહેલાં તારીખ અને સમયમાં ફેરફાર કરી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રેલવે દ્વારા આ પ્રકારની સુવિધા પ્રવાસીઓને ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. જેના પગલે હવે એસ.ટી. પણ તેના પ્રવાસીની સંખ્યા ઘટતી અટકાવવા નવતર પ્રયોગ લાવી છે.
ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા આ સુવિધાનો અમલ તાજેતરમાં શરૂ કરી દેવાયો છે. તે મુજબ હવે પ્રવાસીઓ રૂટ બદલવા કે પ્રવાસની તારીખ અને સમય બદલવા માટે ટિકિટ કેન્સલ કરતા અટકી જશે. જો પ્રવાસી ૨૪ કલાક પહેલાં આમાંનો કોઈપણ ફેરફાર કરશે તો આસાનીથી કરી શકાશે.
આ ઉપરાંત ૧લી જુલાઈથી ઈ ટિકિટ કે મોબાઈલ એપ્લિકેશનથી ટિકિટ બુક કરાવનારા પ્રવાસીઓને નોન પ્રિમિયમ સર્વિસમાં ચારના બદલે આઠ ટકા અને પ્રિમિયમ સર્વિસમાં ૬ના બદલે ૧૦ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
આગામી ટૂંક સમયમાં જનરલ કેટેગરીમાં જો કોઈ પ્રવાસી તેની બુક કરેલી ઓફ લાઈન ટિકિટ કેન્સલ કરાવશે તો તેનાં પણ કેન્સલેશનના ચાર્જમાં ઘટાડો કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.