શ્રીલંકામાં પરિસ્થિતિ હવે ધીરે-ધીરે કાબૂમાં આવી રહી છે. ઇસ્ટર પર થયેલા સિરીયલ આત્મઘાતી હુમલા બાદ મુસ્લિમ સમુદાય વિરુધ્ધ ભડકેલી હિંસાને ધ્યાનમાં લઇને લગાવામાં આવેલો દેશવ્યાપી કર્ફયુ બુધવારના રોજ હટાવી લેવામાં આવ્યો છે.
શ્રીલંકામાં સરકારે સાંપ્રદાયિક હિંસાને ધ્યાનમાં લઇને કર્ફયુ લગાવ્યો હતો. જો કે સંવેદનશીલ વિસ્તારમાં રાત્રે 7 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી કર્ફયુ લગાવામાં આવ્યો છે. આ દરમિયાન પોલીસે મુસ્લિમ વિરોધી તોફાનને લઇને 100થી વધુ લોકોની ધરપકડ કરી છે. પોલીસ વિભાગના મીડિયા અધિકારીના જણાવ્યા અનુસાર લોકોની આવન-જાવન તેમજ એકઠાં થવા પરનો પ્રતિબંધ દેશભરમાંથી ઉઠાવી લેવામાં આવ્યો છે.
જો કે ઉત્તરી-પૂર્વી અને ગમપાહામાં રાત્રે 7 વાગ્યાથી ચાર વાગ્યા સુધીનો કર્ફયુ લગાવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત મહિનામાં શ્રીલંકામાં ઇસ્ટરના અવસર પર ત્રણ ચર્ચ અને ત્રણ લકઝરી હોટલ પર થયેલા નવ આત્મઘાતી હુમલામાં 258 લોકોના મોત નિપજ્યાં હતા અને જ્યારે 500થી વધારે લોકો ઘાયલ થયા હતા.
આ હુમલાથી નારાજ સિંહલી સમુદાયના લોકોએ કેટલીક જગ્યાઓ પર મુસ્લિમ સમુદાયની દુકાન, મસ્જિદને નિશાન બનાવી હુમલો કર્યો હતો. મુસ્લિમોએ પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે હિંસા દરમિયાન પોલીસ મુકદર્શક બની રહી હતી. વાયુસેના હેલિકોપ્ટર દ્વારા નજર રાખશે. શ્રીલંકાના સેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર દેશમાં હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે.