અમરાઈવાડીમા સામાન્ય બાબતમાં મારામારીનો ચોંકાવનારો બનાવ સામે અવ્યો છે. પોલીસે સામસામે ગુનો દાખલ કરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
અમદાવાદમાં સામાન્ય બાબતમાં બે પરિવાર વચ્ચે ઝઘડો
પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસ આદરી
આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન
અમદાવાદ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં મોડી રાતે બે પરિવારો વચ્ચે લોહીયાળ ખેલ ખેલાતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. બપોરે થૂંકવા જેવી સામાન્ય બાબતમાં બે મહિલાઓ વચ્ચે થયેલી બબાલે ઉગ્ર સ્વરૂપ એટલી હદે ધારણ કરી લીધું કે એક યુવક હાલ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. બે પરિવારોએ મોડી રાતે સામસામે હુમલો કર્યો હતો. જેમાં ત્રણ કરતાં વધુ લોકો ઘવાયા છે. અમરાઈવાડી પોલીસે સામસામે ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
શું હતી ઘટના
અમરાઇવાડી વિસ્તારમાં આવેલા અંબાજી માતાના ખાંચામાં રહેતા અનિરુદ્ધસિંહ બારડે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં અિમત નાગર, ગૌરાંગ નાગર અને હેમંત નાગર (તમામ રહે. ગોપાલનગર, અમરાઇવાડી) વિરુદ્ધ મારામારીની ફરિયાદ કરી છે. અનિરુદ્ધસિંહ બારડ મીરજાપુર ખાતેની વી.એચ.ફેશન નામની રેડીમેડ ગાર્મેન્ટની દુકાનમાં નોકરી કરી પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇ કાલે અનિરુદ્ધની તિબયત સારી નહીં હોવાથી તે નોકરી પર ગયો નહોતો. ત્યારે ગઇ કાલે સાંજના સમયે અનિરુદ્ધ ચા-નાસ્તો કરીને ગોપાલનગર ચાલીના નાકે ગયો હતો. જ્યાં તેના કાકા કનકસિંહ અને પિતરાઇ ભાઇ યુવરાજસિંહ ઊભા હતા. ત્રણેય જણા ઊભા હતા ત્યારે તેના પિતરાઇ ભાઈએ અનિરુદ્ધને કહ્યું હતું કે કાકી પ્રકાશબહેન સાથે આપણી ચાલીમાં રહેતાં પદ્માબહેન નાગરને થૂંકવા બાબતમાં ઝઘડો થયો હતો. આ બબાલને લઇ રાતે અિમત નાગર, ગૌરાંગ નાગર તેમજ હેમંત નાગર પોતાના હાથમાં બેઝબોલ સ્ટિક લઇને આવ્યા હતા અને અનિરુદ્ધના માથામાં મારી દીધી હતી. ઈજાગ્રસ્ત અનિરુદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેમાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
છરીઓ વડે હુમલો
આ ઘટનામાં પોલીસ ગુનો દાખલ કરે ત્યારે બારડ પરિવારે પણ અિમત નાગર પર જીવલેણ હુમલો કર્યો હતો. અિમત નાગરે પણ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં કનકસિંહ બારડ, અનિરુદ્ધસિંહ બારડ, યુવરાજસિંહ બારડ, મહેન્દ્રસિંહ બારડ, રણિજતસિંહ બારડ અને પ્રભાકર મદ્રાસી વિરુદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ કરી છે. થૂંકવા બાબતમાં થયેલી બબાલમાં અમિતે ફરિયાદ કરી છે કે ગઇ કાલે તે બાઇક લઇને ઘર તરફ જઇ રહ્યો હતો ત્યારે બારડ પરિવારે તેને રોકી લીધો હતો અને બપોરની અદાવતને ધ્યાનમાં રાખીને હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. કનકસિંહે તેની પાસે રહેલું ચપ્પુ કાઢીને અિમતની છાતીના ભાગમાં મારી દીધું હતું, જ્યારે તમામ લોકોએ પોતાની પાસે રહેલી છરીઓ વડે હુમલો શરૂ કરી દીધો હતો. અિમત પર હુમલો થતાં જોઇ તેનો મિત્ર ઇકબાલ પટેલ છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો, જેમાં તેને પણ છરીના ઘા વાગી ગયા હતા. ઈજાગ્રસ્ત અિમતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક છે. અમરાઇવાડી પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બારડ પરિવાર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
જીવલેણ હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ
બંનેે પક્ષે થયેલા જીવલેણ હુમલાની સમગ્ર હકીકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે, હુમલાખોરો એકબીજા પર હુમલો કરી રહ્યા છે. ત્યાર બાદ હિથયાર લઇને દોડી રહ્યા છે. અમરાઇવાડી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડી પાડવા માટેની તજવીજ શરૂ કરી છે. ખાલી થૂંકવા બાબતમાં થયેલા ઝઘડામાં આટલી મોટી હિંસક ઘટના બને તે વાત પોલીસના ગળે ઊતરતી નથી.