Team VTV11:42 PM, 01 Nov 20
| Updated: 11:53 PM, 01 Nov 20
ભાવનગરના ભરચક્ક વિસ્તાર ભીડભંજન મહાદેવના મંદિર પાસે રવિવારે બપોરે એક જિલ્લા પંચાયતના પૂર્વ કર્મચારી રિક્ષામાં બેસીને ખરીદી કરવા આવતા હતા. તેવા સમયે એક મહિલાની મદદગારીથી એક બાઈક સવાર વૃદ્ધ પાસેથી રૂપિયા 80 હજાર રૂપિયાની તફડચી કરીને ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે. જોકે પોલીસે આ ઘટનાને લઇને તપાસ શરૂ કરી છે.
એક બાઈક સવારે વૃદ્ધની થેલીમાંથી રૂપિયાની લૂંટ
80 હજાર રૂપિયાની કરી લૂંટ
આ પહેલા મહિલાએ રિક્ષામાં પૈસા સેરવી લેવા કર્યો હતો પ્રયાસ
ભાવનગરના સીદસર નજીક રહેતા ગજુભાઈ રાયઝાદા રવિવારે સવારે તેમના ઘરેથી 80 હજાર રૂપિયા લઈને ભાવનગર બજારમાં સોના તેમજ કપડાની ખરીદી કરવા રિક્ષામાં બેસીને આવતા હતા. તેવા સમયે રિક્ષામાં બેઠેલી મહિલાએ આ વ્યક્તિની થેલીમાંથી પૈસા કાઢી લેવાની કોશિશ કરતા બાજુમાં આવેલા એક બાઈક ચાલકે આ વૃદ્ધની થેલી આંચકી લીધી હતી. આ થેલીમાં રહેલા 80 હાજર લઈને લૂંટારૂ ફરાર થઈ ગયો હતો.
સીદસર ગામે રહેતા ગજુભાઈ રાયજાદા પહેલા સીદસરથી રામમંત્ર મંદિર સુધીની એક રિક્ષામાં બેઠા હતા, બાદમાં સીટીમાં આવતા અન્ય રિક્ષામાં બેઠા હતા. આ રીક્ષા ભીડભંજન મહાદેવ પાસે પહોંચી ત્યારે રિક્ષામાં બેઠેલી મહિલાએ આ આધેડની થેલીમાંથી પૈસા સેરવી લેવા કોશિશ કરતા ગજુભાઈ રીક્ષામાંથી નીચે ઉતરી ગયા હતા. આ જ સમયે જાણે કે કાવતરું રચ્યું હોઈ તેવી રીતે બાજુમાં એક બાઈક સવાર આવીને આ આધેડની થેલી ઝૂંટવી તેમાંથી 80 હજાર લઇને ફરાર થઇ ગયો હતો.
આ ઘટનાની જાણ થતા ASP તેમજ LCB, SOG સહિતનો પોલીસ કાફલો અહીં દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે. પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે રિક્ષામાં બેઠેલી મહિલા તેમજ રકમ ઝૂંટવીને નાસી ગયેલા બાઈક સવારની શોધખોળ શરૂ કરી છે.