ઇન્ડિયન ક્રિકેટ ટીમનાં સભ્ય મોહમ્મદ સિરાજ ઓસ્ટ્રેલિયાથી પરત ફરીને હૈદરાબાદ એરપોર્ટથી સીધો તેનાં પિતાની કબર પર તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યો હતો.
શ્રદ્ધાજલિ આપવા હૈદરાબાદ એરપોર્ટથી સિરાજ પહોંચ્યો પિતાની કબર પર
પિતાના નિધનનાં આઘાત બાદ પણ સિરાજે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઉત્તમ પ્રદર્શન આપ્યું
સિરાજનાં પિતાનું સપનું હતું કે તેમનો દીકરો ઈન્ડિયન ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરે
ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ સિરાજનાં પિતા મોહમ્મદ ગૌસનું નિધન 20 નવેમ્બરનાં રોજ થયું હતું. જેનાં એક સપ્તાહ પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી હતી અને કોરોનાનાં પ્રોટોકોલને ધ્યાનમાં રાખતા સિરાજ તેનાં પિતાનાં અંતિમ સંસ્કારમાં હાજર નહોતો રહી શક્યો. પિતાનાં નિધનનાં આઘાત સાથે પણ સિરાજે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ખૂબ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. સિરાજે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની ટેસ્ટમાં સૌથી વધારે 13 વિકેટો ઝડપી હતી. સિરાજે બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયાની સેકન્ડ ઈનિંગમાં પાંચ વિકેટ ખેરવીને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી આપી હતી.
ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોતા પહેલા થયુ પિતાનું નિધન
સિરાજનાં પિતાનું સપનું હતુ કે તેમનો દીકરો ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરે. પણ દીકરાને ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમમાં રમતો જોતા પહેલાજ તેમનું નિધન થઈ ગયું હતું. આજે જો સિરાજનાં પિતા હયાત હોત તો ઓસ્ટ્રેલિયામાં પોતાના દીકરાનું પ્રદર્શન જોઈને તેના પર ખૂબ ગર્વની લાગણી અનુભવાતા.
સિરાજે પિતાનું સપનું સાકાર કર્યું
સિરાજનાં ભાઈ મોહમ્મદ ઇસ્માઇલે નિવેદન આપ્યું છે કે, મારા પિતાનું સપનું હતું કે સિરાજ ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમે અને તેઓ બ્લૂ અને સફેદ જર્સીમાં સિરાજને જોવા ઇચ્છતા હતા. આજે મારા પિતાનું સપનુ પુરું થયુ છે, સિરાજે તે સપનું સાકાર કર્યું છે. અમને ખૂબ ખુશી છે કે સિરાજ ભારતીય ક્રિકેટ ટીમને જીત મેળવવામાં મદદરૃપ નીવડ્યો છે. ભારતીય ટીમની વિજય થવાનું જશ્ન અમે નથી મનાવી શક્યા પણ અમારી સોસાયટી અને હૈદરાબાદનાં લોકોએ જશ્નની પૂરી તૈયારીઓ કરી છે.
હૈદરાબાદમાં એક અઠવાડિયુ રહીને સિરાજ 27 જાન્યુઆરીએ ચેન્નાઈ પહોંચશે
સિરાજ એક અઠવાડિયું હૈદરાબાદ રહીને 27 જાન્યુઆરીએ ચેન્નાઈ પહોંચશે. જ્યાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝની પહેલી બે ટેસ્ટ ચેન્નાઈમાં રમાશે. સિરાજને ઈંગ્લેન્ડ વિરુદ્ધની સિરીઝમાં બે ટેસ્ટ મેચો માટે ભારતની 18 સભ્યોમાં સામેલ કરવામાં આવ્યો છે.