singtel price hike after petrol LPG Cng price hike in Gujarat
ગુજરાતમાં મોંઘવારી /
રાંધણગેસ, CNG, LPG, પેટ્રોલ ડિઝલ પછી હવે આ વસ્તુના ભાવ પણ આસમાને
Team VTV09:17 AM, 09 Mar 21
| Updated: 10:07 AM, 09 Mar 21
ગુજરાતમાં મોંઘવારીએ માઝા મૂકી છે. ધીરે ધીરે ભાવ એકદમ વધી રહ્યો છે.
ખાદ્યતેલના ભાવમાં વધારો યથાવત
આજે ફરીથી રૂ.15નો વધારો નોંધાયો
તેલની માગ વધુ હોવાથી ભાવ વધારો
રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં વધારો યથાવત છે. સિંગતેલમાં 3 દિવસમાં 25 રૂપિયાનો વધારો થયો છે. શનિવારે ડબ્બામાં 10 રૂપિયાનો વધારો થયો હતો. આજે ફરીથી રૂપિયા 15નો વધારો નોંધાયો છે. સીંગતેલના ડબ્બાના ભાવ રૂપિયા 2500 થયા છે. કપાસિયા તેલમાં રૂપિયા 25નો વધારો થયો છે. તેલની માગ વધુ હોવાથી ભાવ વધારો થયો છે.
શું કહે છે નીતિન પટેલ?
4થી માર્ચે ખાદ્ય તેલના ભાવ વધારા મુદ્દે DyCM નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું હતુ જેમાં DyCMએ સિંગતેલમાં વધેલા ભાવ માટે વિદેશમાં થઈ રહેલી નિકાસને જવાબદાર ગણાવી હતી.તેમના કહેવા પ્રમાણે અન્ય દેશોમાં સિંગતેલમાં ભાવની માગ વધતા નિકાસ વધારાઈ છે અને તેના કારણે મગફળી ખેડૂતો પાસેથી વધારે ખરીદાઈ અને તેનો સીધો જ ફાયદો ખેડૂતોને પણ થયો છે. સીગતેલની સાથે સાથે રાજ્યમાં કપાસનુ પણ ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે. અને તેનો પણ સીધો કપાસના ખેડૂતોને થયો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે નિવેદન કર્યું
દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે પેટ્રોલ-ડીઝલની બેકાબૂ કિંમતને લઇને નાણામંત્રી નિર્મલા સીતારમણે નિવેદન કર્યું છે. નિર્મલા સીતારમણે કહ્યું કે, સરકાર દેશની જરૂરિયાતોને સમજે છે,પણ આ મામલે સરકાર સામે ધર્મસંકટની પરિસ્થિતિ સર્જાઇ છે. કોરોનાકાળમાં સરકાર માટે ટેક્સ પર કાપ મુકવો પણ મુશ્કેલીભર્યુ છે. જો કે તેમણે પેટ્રોલ-ડીઝલને GSTમાં સમાવવા અંગે GST કાઉન્સિલ વિચાર કરી શકે છે તેવું સૂચક નિવેદન કર્યુ છે.
પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થઈ શકે છે. આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ હજુ મોંઘુ થઇ શકે છે. તેલ ઉત્પાદક દેશોના સમૂહ OPEC અને સહયોગી દેશોએ નિર્ણય કર્યો છે. તેલ ઉત્પાદનમાં એપ્રિલ સુધી કાપ વધારાયો થઈ શકે છે. હવે જો કેન્દ્ર કે રાજ્ય સરકારો ટેક્સ ન ઘટાડે તો પેટ્રોલ-ડીઝલ વધુ મોંઘું થઇ શકે. ઇંધણની માગ કોરોના પહેલાની સ્થિતિએ પહોંચી છે. ઇંધણની માગ વધતા વાયદા બજારમાં પણ જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો છે. OPECએ ઓનલાઇન યોજેલી બેઠકમાં મહત્વનો નિર્ણય કર્યો છે. સઉદી અરબે રોજના 10 લાખ બેરલ ઓછું ઉત્પાદન કરવાનો નિર્ણય કર્યો છે. સઉદી અરબ એપ્રિલ સુધી ઓછું ઉત્પાદન કરશે. કાચા તેલની કિંમતમાં 10 ડોલર સુધી વધારાનો અંદાજ છે.
મોંઘવારીનો વધુ એક માર
1 એપ્રિલે દેશમાં ફરી LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો. ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો થયો હતો. ઘરેલુ ગેસ સિલિન્ડર રૂ.798ની જગ્યાએ રૂ. 823માં મળશે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 95નો વધારો થયો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર રૂ.1530ની જગ્યાએ રૂ.1625માં મળશે. ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો આજથી લાગૂ કરવામાં આવ્યો છે. ત્રણ મહિનામાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ.225નો વધારો ઝીંકાયો છે. ફેબ્રુઆરીમાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ત્રણ વાર વધારો થયો છે. 4 ફેબ્રુઆરીએ સિલિન્ડરના ભાવમાં રૂ.25નો વધારો નોંધાયો હતો. 15 ફેબ્રુઆરીએ ફરી ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો હતો. 25 ફેબ્રુઆરીએ ત્રીજી વાર 25 રૂપિયાનો ભાવ વધારો નોંધાયો હતો અને ડિસેમ્બરમાં પણ બે વાર ભાવ વધ્યા છે. ડિસેમ્બરમાં બે વાર 50-50 રૂપિયાનો વધારો નોંધાયો હતો.
CNGના ભાવમાં પણ વધારો
વધતી મોંઘવારીના મારને લઇને મધ્યમ વર્ગ પરેશાન થઇ રહ્યો છે. દેશમાં અને રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના સતત ભાવ વધી રહ્યા છે અને સાથે સાથે CNG ગેસના ભાવ પણ વધી રહ્યા છે જે સતત વધતા ભાવને લઇને રીક્ષા ચાલકો પણ પરેશાન થઇ ગયા છે. ત્યારે સતત ગેસના ભાવ વધતા આકળા થઈને ઓટો રીક્ષા ડ્રાઇવર્સ એક્શન કમિટીના સભ્યો અમદાવાદ કલેક્ટર કચેરી પહોંચ્યા છે. જેમને અમદાવાદ કલેક્ટર કચેરી પહોંચી CNG ના ભાવમાં વધારો પાછો લેવા માટે રજૂઆત કરી છે. અને જો આ 10 દિવસમાં CNG ગેસમાં ભાવ નહિ ઘટે તો આંદોલન કરવાની પણ ચીમકી આપી છે. મોંઘવારીની કારમી ભીંસ વચ્ચે દેશના ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું જીવન દુષ્કર બની ગયું છે. વધી રહેલ CNG ગેસ, પેટ્રોલઅને ડીઝલ નહ ભાવને કારણે વાહનચાલકોને ભાડામાં વધારો થતા સામાન્ય જનતાને પણ વધુ ભાર પડી રહ્યો છે. નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી CNG ગેસના ભાવમાં વધારો હોય છે. જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મોંઘવારી ની સીધી અસર મધ્યમ વર્ગના લોકોના બજેટ પર પડી રહી છે. સામાન્ય માણસનું જીવવું અઘરૂ થઈ રહ્યુ છે એક પછી એક જરૂરિયાત વસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.