shocking number increased of malnutrition in gujarat
કુપોષિત ગુજરાત! /
રૂપાણી સરકારને ઝટકો : ખુદ સરકારે વિધાનસભામાં એવા આંકડા રજૂ કર્યા કે વિકાસ માત્ર વાતોમાં જ લાગશે
Team VTV04:58 PM, 27 Feb 20
| Updated: 05:29 PM, 27 Feb 20
ગુજરાતમાં કુપોષણને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ આંકડા ખુદ રાજ્ય સરકારે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કર્યા છે. જેમાં સામે આવ્યું કે, કુપોષિત બાળકોની સંખ્યા 3 ગણી વધી છે. આ આંકડાએ રૂપાણી સરકારને ઝટકો આપ્યો છે.
રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો
સરકારે વિધાનસભા ગૃહમાં રજૂ કર્યા આંકડા
કુપોષિત બાળકોની સંખ્યા 6 મહિનામાં 3 ગણી વધી
રાજ્યમાં 6 મહિના પહેલા 1,42,142 કુપોષિત બાળકો હતા, જે હવે વધીને કુપોષિત બાળકો 3,83,840 થયા છે. તેથી હવે કુપોષિત બાળકોની સંખ્યામાં 2,41,698નો વધારો થયો છે. સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા કુપોષિત બાળકોમાં અગ્રેસર છે. કુપોષિત બાળકોની સંખ્યા 6,071 બાળકોથી વધી 28,265 થઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ કુપોષણની નાબુદી માટે પોષણ અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ યોજનાઓ ખુલ્લી મુકવામાં આવી હતી. પરંતુ વાસ્તવિકતા એ છે કે સૌથી વધુ આર્થિક વૃદ્ધિદર ધરાવતા ગુજરાતમાં કુપોષણ દર પણ ઊંચો છે.
તનતોડ મહેનત બાદ માંડ 2035 સુધીમાં કુપોષણ મુક્ત થાય એમ છે ગુજરાત!
ગુજરાતમાં લાખો બાળકો કુપોષણયુક્ત છે. જેમાં હજારો બાળકો ગંભીર રીતે કુપોષણનો શિકાર બનેલા છે. ત્યારે જો કુપોષણ નાબુદી માટે મોટા પ્રમાણમાં પ્રયાસો કરવામાં આવે તો 2030-35 સુધીમાં કુપોષણ સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય તેમ છે.
વિવિધ યોજનાઓના લાભ બાળકો સુધી પહોંચતા નથી
ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા કુપોષણની નાબૂદી માટે ખર્ચવામાં આવે છે પરંતુ આંગણવાડીઓના બાળકો સુધી આ વિવિધ યોજનાઓના લાભ પહોંચતા નથી. જેથી ગામડા, જીલ્લા અને શહેરોના બાળકોમાં કુપોષમનું પ્રમાણ ઘટાડી શકાયું નથી.
કેટલાક બાળકોને નિયમિત માતાનું ધાવણ મળતું નથી!
ગુજરાતમાં બાળકના જન્મ બાદ પહેલા એક કલાકમાં સ્તનપાન કરાવનાર મહિલાઓની સંખ્યા પણ ઓછી નોંધાઇ રહી છે. શિશુઓને નિયમિત માતાનું ધાવણ મળતું નથી. બાળકોમાં યોગ્ય પ્રમાણમાં પ્રોટીન અને કેલેરીનો અભાવ જણાય છે અને વિટામીન 'એ'ની પણ ઉણપ હોવાનું સર્વેક્ષણમાં બહાર આવ્યું છે.