નિવેદન /
ખેડૂત આંદોલનમાં ગુમ થયેલા 100થી વધુ યુવકોનું એન્કાઉન્ટર તો નથી થયું ને? રાઉતના સવાલથી સંસદમાં ગરમાવો
Team VTV04:15 PM, 05 Feb 21
| Updated: 04:28 PM, 05 Feb 21
શિવસેનાના સાંસદ સંજય રાઉતે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધનની ચર્ચા કરતી વખતે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે જે રીતે ખેડૂત આંદોલનને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે પ્રતિષ્ઠા માટે સારું નથી.
સંસદમાં શિવસેનાના સાંસદ રાઉતે મોદી સરકાર પર કર્યા પ્રહાર
કહ્યું- 100 થી વધુ યુવકોનું એન્કાઉન્ટર તો નથી થયુંને?
લદ્દાખ સરહદ પર લોખંડની દિવાલો લગાવવાની કરી વાત
તેમણે કહ્યું કે પીએમ દુ:ખી છે કારણ કે લાલ કિલ્લા પર તિરંગાનું અપમાન કરવામાં આવ્યું હતું. દેશ પણ દુ:ખી છે પણ દીપ સિદ્ધુ કોનો માણસ છે જેણે ત્રિરંગાનું અપમાન કર્યું? તેમને પૂછો કે સરકાર આવું કેમ નથી કહી રહી. રાઉતે કહ્યું કે તમે હજી સુધી દીપ સિદ્ધુને કેમ પકડ્યો નથી?
પોલીસે 100 યુવકોનું એન્કાઉન્ટર તો નથી કર્યું ને ?
રાઉતે સરકાર પર આરોપ લગાવ્યો કે તમે દેશદ્રોહના આરોપસર 200 ખેડૂતને તિહાર જેલમાં બંધ કરી દીધા છે. તેમણે કહ્યું કે 100 થી વધુ યુવકો ગુમ છે, શું પોલીસે તેમનું એન્કાઉન્ટર તો નથી કર્યુંને ? કાંઈ ખબર નથી પડી રહી? શું આ બધા દેશદ્રોહી છે? તેમણે સખ્તાઇથી કહ્યું, "બહુમતી અહંકારથી નથી ચાલતી"
2 મહિનાથી વધુ સમય થયો સરહદ પર ખેડૂતોનો જમાવડો
સંજય રાઉતે કહ્યું, "ખેડૂત હવે બે મહિનાથી વધુ સમયથી દિલ્હીની સરહદ પર જમાવડો કરીને બેઠા છે, તમે તેઓની વાત સાંભળશો નહીં, તેમને દેશદ્રોહી કહેશો. જેઓ અહીં સરહદ પર લોખંડની દિવાલો લગાવી છે, જો તેને લદાખમાં ચીની સરહદ પર લગાવવામાં આવી હોત તો ચીન આટલું સરહદમાં પ્રવેશ્યું ન હોત. " તેમણે પૂછ્યું કે જો ખેડૂત આજે પોતાના હક માટે લડતો હોય તો તે ખાલિસ્તાની બની ગયો છે, દેશદ્રોહી બન્યો છે, આ કેવો ન્યાય છે?
બહુજન સમાજ પાર્ટીના સતીષચંદ્ર મિશ્રાએ ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, ગૃહની અંદર તમે જે કાયદો ખેડુતોના હક્કો વિશે કહી રહ્યા છો, તે ખેડૂતોના કલ્યાણ માટે નથી, ખેડૂત તે ઇચ્છતો નથી. તેથી સરકારે ત્રણેય કૃષિ કાયદા તાત્કાલિક પાછા ખેંચવા જોઈએ.