shining Spatial object fell from the sky in virol anand
ગજબ! /
રહસ્યમય ઘટનાઓનો સિલસિલો, આણંદના આ ગામમાં મળી આવી વધુ એક રહસ્યમય ચીજ, સ્થાનિકોને સંભળાયો ધડાકા જેવો અવાજ
Team VTV09:16 AM, 17 May 22
| Updated: 09:30 AM, 17 May 22
આણંદના વિરોલ ગામમાંથી દોઢ ફૂટ લાંબો કોઇ અવકાશી પદાર્થ મળી આવતા લોકોમાં ચિંતાનો માહોલ. સ્થાનિકોને ધડાકા જેવો અવાજ પણ સંભળાયો.
આણંદમાં અવકાશી પદાર્થ પડવાનો સિલસિલો યથાવત
આણંદના વિરોલ ગામમાંથી મળી આવ્યો અવકાશી પદાર્થ
સ્થાનિકોના કહેવા પ્રમાણે ધડાકા જેવો અવાજ સંભળાયો હતો
રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસથી આકાશમાંથી અજાણી વસ્તુઓ જેવી કે અવકાશી ગોળા જેવી વસ્તુઓ નીચે પડતા લોકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે. ત્યારે હવે આણંદના વધુ એક ગામમાં અવકાશી પદાર્થ મળી આવતા પોલીસ તપાસમાં જોતરાઇ ગઇ છે. આણંદના સોજિત્રાના વિરોલ ગામના શારદાપુરા વિસ્તારમાં દોઢ ફૂટ લાંબો કોઇ પદાર્થ મળી આવ્યો છે. એ સિવાય સ્થાનિકોના કહેવા પ્રમાણે ધડાકા જેવો અવાજ પણ સંભળાયો હતો. જો કે, સોજીત્રા પોલીસે અવકાશી પદાર્થનો કબ્જો લઈને તેને તપાસ અર્થે મોકલ્યો છે.
ગઇ કાલે આણંદના કાસોર ગામમાં ફૂટપટ્ટી આકારનો પદાર્થ મળી આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે આણંદના કાસોર ગામમાં પણ ફૂટપટ્ટી આકારનો એક પદાર્થ ઘેટા પર પડતા એક ઘેટાનું મૃત્યુ થયું હતું. અગાઉ ઉમરેઠમાં પણ અવકાશી ગોળા પડવાની ઘટના બની હતી. ગ્રામજનોએ જણાવ્યું કે, બે દિવસ અગાઉ આ વિસ્તારમાં આકાશમાં મોટો ઘડાકો થયો હતો. રવિવાર સાંજે ખેડૂતે આ ટુકડો જોતાં ગામના આગેવાનોને આ અંગેની વાત કરી હતી. આમ, સોજિત્રા તાલુકાના 10 કિમીના વિસ્તારમાં ત્રણ જગ્યાએ અવકાશી પદાર્થના ટુકડા મળી આવ્યા હતા. જેને લઈને લોકોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.
ગ્રામજનોના જણાવ્યાં અનુસાર બે દિવસ અગાઉ અહીંયા ઘડાકા થયા હતા ત્યારે અવકાશમાંથી છૂટાછવાયા ટૂકડાં પડ્યા હતા. જે હાલ જુદા-જુદા વિસ્તારમાંથી મળી આવ્યા છે. વિરોલમાં શારદાપુરા સીમમાં એક ખેતરમાંથી દોઢ ફૂટ લાંબો અવકાશી પદાર્થનો ટુકડો મળી આવ્યો છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ઉત્સુકતા સાથે ગ્રામજનોમાં ફફડાટ પણ ફેલાયો છે. જો કે, આણંદમાં સતત બનતી જતી આ પ્રકારની ઘટનાઓ અંગે તંત્રએ નક્કર કારણ તત્કાલિક જાણવું જરૂરી છે.
રોજ ગામમાં પડતા ગોળાને લઇને લોકોના મનમાં અનેક સવાલો
તમને જણાવી દઇએ કે, આકાશમાંથી ગોળા જમીન પર પડી આવતા તમામ લોકો સવાલ કરી રહ્યાં છે કે આ તો વળી શું હશે? રોજ ગામમાં પડતા ગોળાને લઇને લોકોના મનમાં અનેક સવાલો થાય છે કે આખરે આ અવકાશી ગોળો શું હશે? આકાશમાંથી કેમ આવા ગોળી પડી રહ્યા છે ? ક્યાંક એલિયનની તો કોઇ વાત નથી ને? રાજ્યમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી આ પ્રકારની ઘટના બનતા લોકોમાં ડર તો છે પરંતુ સાથે-સાથે લોકો એ જાણવા પણ ઉત્સુક છે કે ખરેખર આખરે આ વસ્તુ છે શું?