ભારતીય ટીમના અનુભવી ક્રિકેટર શિખર ધવન અને તેમની પત્ની આયશા મુખર્જી વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. આ બંને 2020થી અલગ રહે છે. હવે ધવન માટે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ તરફથી એક સારા સમાચાર સામે આવ્યાં છે. કોર્ટે આયશાને આદેશ આપ્યો છે કે તેઓ ધવનની સામે અપમાનજનક નિવેદન ન આપે.
પટિયાલા હાઉસ કોર્ટે ધવનની પત્ની આયશા મુખર્જીને આદેશ આપ્યો છે કે તેઓ ક્યાય પણ અને ક્યારેય પણ ધવનની સામે અપમાનજનક નિવેદન ના આપે. ઉલ્લેખનીય છે કે શિખર ધવન અને તેમની પત્ની આયશા વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. આ દરમ્યાન ધવને કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી કે આયશા તેમની છબિ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ મામલે કોર્ટે આયશાને આમ ના કરવાનો આદેશ આપ્યો છે.
2020થી અલગ રહે છે ધવન અને આયશા
આયશા મુખર્જી મૂળ ઓસ્ટ્રેલિયાની નાગરિક છે. એકબીજાને ડેટ કર્યા બાદ ધવને 2012માં આયશા સાથે લગ્ન કર્યા હતા. આયશાના આ બીજા લગ્ન હતા અને તેમની પહેલેથી બે પુત્રીઓ પણ હતી. ધવન સાથે લગ્ન કર્યા બાદ 2014માં એક પુત્ર થયો, જેનુ નામ જોરાવર છે. ધવન અને આયશા ઉત્સાહમાં રહેતો હતો. પરંતુ 2020 આવતા-આવતા આ પરિવારને કોઈની નજર લાગી ગઇ. ધવન અને આયશા વચ્ચે અણબનાવ એટલા વધ્યાં કે વાત સીધી છૂટાછેડા સુધી પહોંચી ગઇ. હવે બંને 2020થી અલગ રહે છે. જોરાવર તેની માં સાથે રહે છે. વચ્ચે-વચ્ચે ધવન પોતાના પુત્ર જોરાવરને મળવા અવશ્ય જાય છે. ધવન બંને પુત્રીઓને પણ ખૂબ પ્રેમ કરે છે.
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના જજ હરીશ કુમારે આયશાને આદેશ આપ્યો છે કે તેઓ ધવનની સામે સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા, મિત્રો અને સંબંધીઓ સહિત કોઈ પણ વ્યક્તિ અથવા જગ્યા પર અપમાનજનક અને ખોટી સામગ્રી પ્રસારિત ના કરે. જજે કહ્યું છે કે દરેક વ્યક્તિને પોતાનુ સન્માન વ્હાલુ હોય છે. તેઓ ખૂબ મહેનતથી સમાજમાં ઈજ્જત અને પોતાનુ નામ બનાવે છે. જો એક વખત આ જતુ રહે તો મોટુ નુકસાન થાય છે.