બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં અહીં હાથીની સવારી સાથે પ્રસન્ન થયા હતા શનિ મહારાજ, સાડા સાતી કહેવાતા પનોતી પણ સાથે
Last Updated: 06:30 AM, 15 February 2025
પોરબંદર જીલ્લાના ભાણવડ તાલુકામાં હાથલા ગામ આવેલું છે. હાથલા ગામમાં સદીઓથી શનિદેવ બિરાજમાન છે. અહિં શનિદેવનું બાળસ્વરૂપ બિરાજમાન છે. જન્મસ્થળ હાથલામાં શનિદેવ હાથી પર બિરાજે છે. હાથલા સિવાય બીજે ક્યાંય શનિદેવ હાથી પર બિરાજમાન નથી. અહીંયા શનિદેવની સાથે તેમના પત્ની મનાતા પનોતી અને સાડા સાતી કહેવાતા પનોતીની પણ મૂર્તિ છે. પુરાતત્વ ખાતાએ રક્ષિત કરેલા પનોતી મંદિર તરીકે પણ ઓળખતા આ મંદિરનો ઇતિહાસ રામાયણકાળ સાથે જોડાયેલો છે.
ADVERTISEMENT
આજથી વર્ષો પહેલા મહાભારતના સમયમાં મૃગદલ નામના ઋષિ થઈ ગયા જેમણે માનવકલ્યાણના હેતુથી આ ગામમાં તપસ્યા કરેલી કે, જે લોકોને શનિની પનોતી આવે અને માણસ બહુ દુ:ખી અને હેરાન થાય છે એમને શાંતિ મળે. એમની આ તપસ્યાથી શનિ મહારાજ પ્રસન્ન થયા અને હાથીની સવારી પર આવીને દર્શન આપેલા અને તેના કારણે હંસસ્થલ થયું. અને સમય જતાં આ ગામનું નામ હાથલા પડયું.
ADVERTISEMENT
શનિદેવના મંદિરની બાજુમાં આ જ મંદિરના ગોસ્વામી પરિવારના 59 પૂજારીઓની સમાધિ આવેલી છે. આ ઉપરાંત શનિકુંડની સામે પૂર્વમાં પણ ૩ સમાધિ આવેલી છે. જે સમાધિ તેમના 500 વર્ષ પહેલા થઈ ગયેલા વડવાઓની છે. જેમણે અહિયાં જીવતા જ સમાધિ લઈ લીધી હતી. આ સમાધિની બાજુમાં એમના 2 શિષ્યોની પણ સમાધિ આવેલી છે.
હાથલામાં શનિમંદિરની પાસે આવેલા શનિકુંડનું પણ અનેરુ મહત્વ છે, વર્ષો પૂર્વે રાજા દશરથ રામ અને લક્ષ્મણને લઈને દ્વારકા જવા નીકળ્યા હતા. એવામાં આ બાજુ આવતા હાથલા સુધી પહોંચ્યા અને પાછળ મહાદેવનું મંદિર છે ત્યાં આરતી થઈ. આથી, દશરથજીને થયું કે આ તો આપણે દ્વારકા પાછળ છોડી દીધું, તેઓ પાછા ફર્યા ત્યાં વચ્ચે આ સ્થળે રામજીને તરસ લાગી, અને પાણી માટે થઈને બાણથી દશરથજીએ પાણીનો પ્રવાહ નીકાળ્યો. જે આજે શનિકુંડ તરીકે પ્રસિદ્ધ છે.
શનિકુંડ માટે એક લોકવાયકા એવી પણ છે કે, અહીંયા વર્ષો પહેલા પાંડવો જયારે શનિદેવના ચક્કરમાં ચકરાયા હતા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને જણાવ્યું હતુ કે, હાથલા ગામે પાવનકારી શનિકુંડમાં સ્નાન કરવાથી શનિના તમામ અનિષ્ટો દુર થશે અને પાંડવોએ હાથલામાં આવીને શાસ્ત્રોકત યજ્ઞ પુજનવિધી કરાવીને પાંચેય ભાઈઓએ પાવનકારી શનિકુંડના પાણીથી સ્નાન કરીને શ્રધ્ધાભાવથી યજ્ઞાવિધિ આરતી કરાવ્યા હતા અને શનિદેવના આર્શિવાદ મળતા તેઓએ વિજય મેળવ્યો હોવાનું માનવામાં આવે છે
ભારતમાં શનિદેવના સૌથી મોટા બે મંદિર આવેલા છે. આ 2 મંદિરોમાં એક મહારાષ્ટ્રના શિંગડાપુરમાં અને બીજું ગુજરાતના હાથલાનું મંદિર છે. ગુજરાતનાં હાથલામાં આવેલું શનિદેવનું મંદિર શનિદેવનું જન્મસ્થળ છે. મહારાષ્ટ્રના શિંગડાપુરમાં આવેલું શનિદેવનું મંદિર શનિદેવનું કર્મસ્થળ માનવામાં આવે છે. હાથલામાં શનિદેવ બાળ સ્વરૂપે બિરાજમાન હોવાથી આખા ભારત વર્ષમાં એક માત્ર અહીં સ્ત્રીઓ શનિદેવના પ્રત્યક્ષ દર્શન કરી શકે છે. આ મંદિરમાં શનિદેવ એમના પરિવાર સાથે બિરાજમાન છે. એટલું જ નહીં પરંતુ બાળ સ્વરૂપને કારણે જ અહીં શનિદેવને સિંદુર ચઢે છે. જેમની પૂજાથી પનોતીનો પ્રકોપ હળવો થાય છે.
શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિદેવ લોકોના કર્મ પ્રમાણે તેઓનો સજા આપીને ન્યાય કરે છે. શનિદેવને રિઝવવા સપ્તાહના શનિવારને શ્રેષ્ઠ માનવામાં આવે છે એટલા માટે જ શનિવારે ભક્તોનું ઘોડાપૂર મંદિરે ઉમટે છે. એ જ રીતે મંગળવાર અને અમાસના દિવસે પણ અહીં દર્શનનું અનેરું મહત્વ રહેલું છે. આ ઉપરાંત શનિ જયંતીના દિવસે પણ લોકોની ભારે ભીડ ઉમટી પડે છે. લોકો માને છે કે, જો શનિદેવ રિઝે તો તમામ દુ:ખ દુર થઈ શકે છે. આ જ કારણે સમગ્ર ગુજરાત તેમજ ભારતભરમાંથી શ્રધ્ધાળુઓ શનિદેવના દર્શન કરીને પનોતીમાંથી મુક્ત થવા હાથલા ગામે આવેલા શનિદેવના મંદિરે આવે છે.
વધુ વાંચોઃ ધરમાં શિવજીનો ફોટો રાખતા હોય તો વાસ્તુના આ નિયમ પાળવા હિતાવહ, નહીંતર થશે તાંડવ
શનિદેવના આ મંદિર સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે. જેવી કે, મંદિરના શનિકુંડમાં મામા ભાણેજ સાથે સ્નાન કરીને અહીં જ વસ્ત્રો અને બૂટ-ચંપલ મૂકી જાય તો પનોતી ઉતરી જવાની માન્યતામાં લોકો દ્રઢ વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવે છે અને એટલા માટે મંદિરના દર્શને આવતા લોકો પોતાના વસ્ત્રો અને બૂટ-ચંપલને પનોતી માનીને અહીં જ ઉતારીને જાય છે અને શનિ મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.