આવતીકાલે રવિવારે લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. છેલ્લા તબક્કામાં દેશના આઠ રાજ્યોની 59 સીટો પર મતદાન યોજાશે. આ તમામ સીટો પર પીએમ મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓના ભાવિનો ફેંસલો થશે.
લોકસભા-2019ની ચૂંટણીનું આગામી 23 મેના રોજ પરિણામ જાહેર થશે. આવો તો જાણીએ કે છેલ્લા તબક્કામાં કયા રાજ્યોની લોકસભા સીટો પર વોટિંગ થશે અને કયા કયા ઉમેદવારો મેદાને છે. જો કે સાતમા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે આયોગના નિર્દેશ પર પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર ગુરૂવાર રાતથી જ બંધ થઇ ગયો છે. 2019ની લોકસભાની ચૂંટણી આખરે પુરી થવા તરફ જઈ રહી છે.
સાતમા તબક્કાના પ્રમુખ ઉમેદવારોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ છે. તેમની ટકકર સપાના ઉમેદવાર શાલિની યાદવ અને કોંગ્રેસના અજય રાય સામે છે. આ સિવાય ભાજપના કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદની ટક્કર પટના સાહિબથી કોંગ્રેસના શત્રુધ્ન સિંહા સામે છે. કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરી પંજાબની અમૃતસર, મનોજ સિંહા ઉત્તર પ્રદેશની ગાજીપુર અને અનુપ્રિયા પટેલ અપના દળના ઉમેદવાર મિર્જાપુર બેઠક પરથી મેદાને છે.
આ સિવાય પ્રમુખ ઉમેદવારોમાં ફિલ્મી અભિનેતા સન્ની દેઓલ ગુરદાસપુરથી, ભોજપુરી ગાયક રવિ કિશન ગોરખપુરથી કિરણ ખેર ચંદીગઢ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. જ્યારે ઝારખંડ મુક્તિ મોરચાના અધ્યક્ષ શિબુ સોરને દુમકાથી ચૂંટણી મેદાનમાં છે. જ્યારે પૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમાર બિહારના સાસારામથી કોંગ્રેસની ટીકિટ પર ચૂંટણી લડી રહ્યાં છે. અંતિમ તબક્કામાં ઉત્તર પ્રદેશની 13, ચંદીગઢ-મધ્ય પ્રદેશની 8-8, ઝારખંડની ત્રણ, બિહારની 8, હિમાચલ પ્રદેશની ત્રણ, પશ્ચિમ બંગાળની 13 બેઠક પર મતદાન યોજાશે.