The serial killer fights even after 7 months of the three murders
ડર /
ત્રણ હત્યાના 7 માસ બાદ પણ સીરિયલ કિલર ફરાર, ફરી સક્રિય થવાની દહેશત..!
Team VTV09:23 PM, 04 May 19
| Updated: 09:31 PM, 04 May 19
ગાંધીનગરના ગામડાઓમાં સિરિયલ કિલરે ખેલેલા ખૂની ખેલને કારણે હજુ પણ નાગરિકોમાં દહેશતનો માહોલ યથાવત છે. એક બાદ એક ત્રણ હત્યાને હવે છ માસ પૂર્ણ થવામાં છે ત્યારે ખૂની કિન્નર ફરી પાછો સક્રિય થાય તેવી શક્યતા પોલીસને દેખાઈ રહી છે.
એ વાત જુદી છે કે, મૃતકોના પરિવારજનોએ હવે ન્યાયની આશા છોડી દીધી છે કેમકે, પોલીસ છ માસ બાદ પણ આરોપીને શોધી શકી નથી. ત્યારે જોઈએ ચાલુ તપાસના પોલીસના રટણનો અને આશા છોડેલા પરિજનોનો આ ખાસ અહેવાલ.
ગાંધીનગરના સેરથા, કોબા અને દંતાલી ગામના લોકો હજુ પણ સિરિયલ કિલરે ખેલેલા એ ખૂની ખેલને વીસરી શક્યા નથી. આજથી સાત માસ પહેલા શરૂ થયેલા એ ક્રમબદ્ધ હત્યાના સિલસલામાં ત્રણ-ત્રણ હરતી ફરતી જિંદગી એક કિન્નરના હાથે મોતની ગોદમાં સમાઈ ગઈ. પહેલી હત્યાના એક માસ બાદ બીજી હત્યા.
બીજી હત્યાના બે માસ બાદ ત્રીજી હત્યા અને હવે ત્રીજી હત્યાના ત્રણ માસ બાદ ફરીવાર એ કિલર સક્રિય થશે કે કેમ? તેવી દહેશત લોકોને સતાવી રહી છે. તો સામે પોલીસ પણ આ જ મહિનાઓની થિયરીને ધ્યાનમાં રાખી સતર્ક થઈ ગઈ છે.
આમ તો ગયા ઓક્ટોબર માસમાં કિલર દ્વારા થયેલી પ્રથમ હત્યા બાદથી જ શેરથા, દંતાલી અને કોબા ગામના ગ્રામજનો રોજને રોજ એક છૂપા ભયથી પીડાઈ જ રહ્યા છે. લોકોને સૂનકાર રસ્તે એ કિલરનો ભય જ તાજો થઈ જાય છે.
ત્યારે હવે ત્રીજી હત્યાને ત્રણ માસ પૂરા થતાં લોકોને કશુંક અજુગતું થવાનો ભય સતાવી રહ્યો છે. જો કે, આ દહેશત વચ્ચે મૃતકોના પરિવારજનોએ ન્યાયની આશા છોડી દીધી છે. કેમ કે કુખ્યાત તત્વોને ઘડીના છઠ્ઠા ભાગમાં જબ્બે કરતી પોલીસ હજુ એક ખૂની કિન્નરને ઝડપી શકી નથી.
ઓકટોબરથી જાન્યુઆરી માસમાં સીરીયલ કિલરે 3 હત્યાને અંજામ આપ્યો છે. આ હત્યા પાછળ રાની નામના કિન્નરની સંડોવણી હોવાની શકયતા સીસીટીવી ફુટેજ પરથી સામે આવી હતી. પરંતુ આ કિન્નર છેલ્લા 3 માસથી ગુમ છે. મહત્વનુ છે કે પોલીસે સિરીયલ કિલરને પકડવા 60 ટીમો બનાવીને સતત સર્ચ કર્યું પરંતુ સીરીયલ કિલર હજુ પણ પોલીસની પકડથી દૂર છે.
આરોપીને પકડવામાં પોલીસ નિક્રિયતા દાખવી રહી હોવાનો મૃતકોના પરિવારમાંનો રોષ છે. જોકે, પોલીસે 3 હત્યામા ઉપયોગમાં ઉપયોગમાં લેવાયેલા હથિયારની તપાસ શરૂ કરી છે. તમામ લાયસન્સ ધારકોનાં હથિયારની તપાસ સાથે જુદી જુદી ટીમો બનાવીને રાજયભરમાં તપાસ શરૂ કરી છે.
હવે 3 માસના અંતરે કિલર હત્યા કરવા નીકળે તેવી શંકાના આધારે એલસીબી અને એસઓજીની ટીમ સક્રીય થઈ છે અને સીરીયલ કિલરને શોધી રહી છે. પરંતુ પ્રથમ હત્યાના સાત મહિન બાદ પણ કોઈ કડી નહિ મળતાં ફરી એક વખત એ જ સવાલ થાય છે કે સિરીયલ કિલર પકડાશે કે તે કેમ?