Team VTV07:18 PM, 08 Dec 22
| Updated: 07:51 PM, 08 Dec 22
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ભાજપે આ વખતે રેકોર્ડ બ્રેક જીત મેળવી છે. ભાજપે 150 કરતાં વધુ બેઠક જીતીને ઇતિહાસ રચી દીધો છે. ત્યારે જુઓ કયા દિગ્ગજ નેતાઓ કેટલા માર્જિનથી જીત્યા અને હાર્યા છે.
ભાજપે આ વખતે રેકોર્ડ બ્રેક જીત મેળવી
CM ભૂપેન્દ્ર પટેલે પોતાનો જ રેકોર્ડ તોડી દીધો
કોંગ્રેસ અને AAPના મોટા માથાઓ હારી ગયા
ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાની 89 બેઠકો અને બીજા તબક્કાની 93 બેઠકોના કુલ 1621 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો આવી ગયો છે. વિધાનસભાની 182 બેઠકો પરથી 156 સીટ પર ભાજપે વિજય પતાકા લહેરાવી દીધો છે. ભાજપે છપ્પરફાડ વિજય મેળવીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ડાંડિયા ડૂલ કરી નાખ્યાં છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે તોડ્યો રેકોર્ડ
ભાજપ, કોંગ્રેસ અને આપના ઘણા મોટા નેતાઓએ આ વખતે હારનો સામનો કરવો પડ્યો છે, તો CM ભૂપેન્દ્ર પટેલે પોતાનો જ રેકોર્ડ તોડી દીધો છે. તેઓએ 1 લાખ 92 હજાર મતોથી જીત મેળવી છે. સમગ્ર ગુજરાતભરમાં ભાજપે કેસરિયો લહેરાવતા ખુદ PM મોદીએ પણ ભવ્ય જીત બદલ પાર્ટીના કાર્યકરો તેમજ CM ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો છે.
કોંગ્રેસ અને AAPને ઘણું નુકસાન
આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ઘણું નુકસાન થયું છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મોટા મોટાના નેતાઓનો પરાજય થયો છે. જેતપુર પાવી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા હારી ગયા છે. અમરેલી બેઠક પરથી કોંગ્રેસના પરેશ ધાનાણી પણ હારી ગયા છે. થરાદ બેઠકના કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત પણ હારી ગયા છે. રાધનપુર બેઠક પર કોંગ્રેસના રઘુ દેસાઈ હાર્યા છે. બાયડ બેઠક પર કોંગ્રેસના મહેન્દ્રસિંહ વાઘેલાનો પરાજય થયો છે.
આ દિગ્ગજ નેતાઓ હાર્યા
ગાંધીનગર દક્ષિણ બેઠક પર કોંગ્રેસના ડો.હિમાંશુ પટેલ હાર્યા છે. કલોલ બેઠક પર કોંગ્રેસના બળદેવજી ઠાકોર, વિરમગામ બેઠક પર કોંગ્રેસના લાખા ભરવાડ, બાપુનગર બેઠક પર કોંગ્રેસના હિંમતસિંહ પટેલ, દરિયાપુર બેઠક પર કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ, ટંકારા બેઠક પર કોંગ્રેસના લલિત કગથરા, વાંકાનેર બેઠક કોંગ્રેસના મહમદ પિરજાદા, ધોરાજી બેઠક પર કોંગ્રેસના લલિત વસોયા, ખંભાળિયા બેઠક પર કોંગ્રેસના વિક્રમ માડમ, ખંભાળિયા બેઠક પર આપના ઈસુદાન ગઢવી, ઉના બેઠક પર કોંગ્રેસના પૂંજા વંશ, લાઠી બેઠક પર કોંગ્રેસના વિરજી ઠમ્મર, સાવરકુંડલા બેઠક પર કોંગ્રેસના પ્રતાપ દૂધાત, રાજુલા બેઠક પર કોંગ્રેસના અંબરિશ ડેર, વરાછા રોડ બેઠકથી આપના અલ્પેશ કથિરિયા અને કતારગામ બેઠકથી આપના ગોપાલ ઈટાલીયા હારી ગયા છે.
આ દિગ્ગજ નેતાઓ આટલા માર્જિનથી હાર્યા
નામ
ટોટલ મત
માર્જિન
ઈસુદાન ગઢવી
59089
18745
ગોપાલ ઈટાલીયા
55878
64627
પરેશ ધાનાણી
42377
46657
અલ્પેશ કથીરિયા
50372
16834
આ દિગ્ગજો આટલા માર્જિનથી જીત્યા
નામ
ટોટલ મત
માર્જિન
ભૂપેન્દ્ર પટેલ
212480
192263
પબુભા માણેક
74018
5327
કાંધલ જાડેજા
60744
26712
હર્ષ સંઘવી
133335
116675
જીગ્નેશ મેવાણી
93848
4796
અલ્પેશ ઠાકોર
134051
43064
હાર્દિક પટેલ
99155
51707
જીતુ વાઘાણી
85188
41922
કુંવરજી બાવળીયા
63808
16172
શંકર ચૌધરી
117891
26506
રીવાબા જાડેજા
84336
50456
જયેશ રાદડિયા
106471
76926
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી. પ્રથમ તબક્કાનું મતદાન 1લી ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરે થયું હતું. પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન 63.31 ટકા નોંધાયું હતું અને બીજા તબક્કાનું સરેરાશ મતદાન 65.30 ટકા નોંધાયું હતું. આ બંનેનું સરેરાશ મતદાન 64.33 ટકા થયું છે. 2007 બાદ ગુજરાતમાં આ સૌથી ઓછું મતદાન નોંધાયું છે.