એક કાર્યક્રમમાં બોલતા પ્રોફેસર સારા ગિલ્બર્ટે જણાવ્યું કે કોરોના મહામારીએ આપણને ઘણુ શીખવાડ્યું છે અને આપણે આ શીખામણ ન ભુલવી જોઈએ અને દુનિયા આગળની મહામારી માટે તૈયાર રહે તેની ખાતરી રાખવી જોઈએ.
આગામી મહામારી ઘાતક નીવડશે-વૈજ્ઞાનિક સારા ગિલ્બર્ટ
રિચાર્ડ ડિમ્બલેબીમાં લેક્ચર આપતા સારાહ ગિલ્બર્ટે કહ્યું હતું કે સત્ય એ છે કે આગામી મહામારી વધુ ઘાતક નીવડી શકે છે તે વધુ ચેપી કે જીવલેણ પણ બની શકે છે અથવા બંને બની શકે છે. તેમણે કહ્યું કે આપણા જીવન કે આજીવિકા માટે ખતરો બન્યો હોય તેવી આ બીજી ઘટના બનશે. તેથી આપણે ભવિષ્યમાં આવા ખતરા અને મહામારીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. કોરોના મહામારી દરમિયાન આપણે જે કંઈ જોયું, જે કંઈ શીખ્યા તેમાંથી બોધપાઠ લેવો જોઈએ અને તેને વ્યર્થ ન જવા દેવું જોઈએ.
ઓમિક્રોનના સ્પાઇક પ્રોટીનમાં પરિવર્તન, ઝડપી સંક્રમણનું કારણ બની શકે
પ્રોફેસર ગિલ્બર્ટે જણાવ્યું કે ઓમિક્રોન વેરિએન્ટ્સના સ્પાઇક પ્રોટીનમાં પરિવર્તન જોવા મળ્યું છે જે ઝડપી ચેપ નું કારણ બની શકે છે. તે રસી અથવા ચેપના પરિણામે જન્મેલા એન્ટિબોડીઝ પર પણ પ્રભુત્વ મેળવી શકે છે.
જાન્યુઆરીના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં નવો વેરિયન્ટ પીક પર હશે
મેદાંતા હોસ્પિટલના ચેરમેન ડોક્ટર નરેશ ત્રેહને કહ્યું કે, 'એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વાયરસ સપ્ટેમ્બર-ઓક્ટોબરથી ફેલાઈ રહ્યો છે, પરંતુ તેનો કોઈ પુરાવો નથી.' ડૉ. ત્રેહને કહ્યું કે જો આપણે 'સૂત્ર મોડેલ' પર નજર નાખીએ, જે પ્રથમ અને બીજી લહેર દરમિયાન લાગુ કરવામાં આવી હતી, તો જાન્યુઆરીના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં નવો વેરિયન્ટ પીક પર હશે. આ લહેર ફેબ્રુઆરી સુધીમાં સમાપ્ત થવાની સંભાવના છે. જો કે, તે કેટલી ઊંચી જશે તે આપણા વર્તન પર નિર્ભર રહેશે.