ગોંડલમાં લાલપુર અંડરબ્રિજમાં સ્કૂલ બસ ફસાઇ, ધોધમાર વરસાદને કારણે અંડરબ્રિજ હતો પાણીમાં ગરકાવ
ગોંડલમાં સ્કૂલ બસ ફસાઇ અંડરબ્રિજમાં
લાલપુર અંડરબ્રિજની ઘટના
અંડરબ્રિજમાં પાણી હોવા છતાં ડ્રાઈવરે બસ ચલાવી
રાજ્યમાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો સહિત અનેક અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયા છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગોંડલના લાલપુર અંડરબ્રિજમાં પાણી ભરાતા એક સ્કૂલ બસ ફસાઇ જતા વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. એક તો પાછો વરસાદ અને તેમાં પણ ડ્રાઇવરે પાણી ભરેલા અંડરપાસમાં સ્કૂલબસ હંકારી અને બસ વરસાદી પાણીમાં ફસાઇ ગઇ.
સ્થાનિકોએ વિદ્યાર્થીઓ અને બસને કાઢી બહાર
મહત્વનું છે કે ગોંડલમાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કાશી વિશ્વનાથ રોડ પર આવેલા રાતાનાળામાં પણ છાતી સમા પાણી ભરાયા હતા. ઠેર ઠેર પાણી ભરાતા વાહનચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે સવારે લાલપુર અંડરબ્રિજ પાણીમાં ગરકાવ હોવા છતાં પણ સ્કૂલના ડ્રાઇવરે ત્યાંથી જ બસ જવા દીધી. જેને કારણે વાલીઓ પણ ચિંતામાં મુકાયા હતા. સ્થાનિકોની મદદથી તેમજ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સેનિટેશન વિભાગની ટીમ પહોંચી જતા વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજકોટના ગોંડલ સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ગોંડલના દેરડી ગામે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અષાઢી બીજના દિવસે પણ મેઘરાજાની મહેર થઇ હતી. લાંબા સમય બાદ વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
આગામી 5 દિવસ ભારે-અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણથી લઇને ઉત્તર ગુજરાત સુધી મેઘરાજાએ મહેર કરી છે. ત્યારે ગુજરાત માટે આગામી પાંચ દિવસ ભારે રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જી હા, ગુજરાતમાં આગામી 5 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સકર્યુલેશનેન પગલે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.