લોકસભા ચૂંટણી વચ્ચે આજે સુપ્રીમ કોર્ટે વિપક્ષને મોટો ઝટકો આપ્યો છે. 50 ટકા VVPAT કાપલીઓને EVM સાથે મેચ કરવાની માગ સાથે વિપક્ષ દ્વારા દાખલ કરાયેલી પુનઃવિચાર અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ અરજી ટીડીપી અને કોંગ્રેસ સહિત 21 વિપક્ષી દળોએ કરી હતી. જેમાં માગ હતી કે, 50 ટકા VVPATની કાપલીઓને EVM સાથે મેચ કરવામાં આવે.
જો કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ અરજીને ફગાવી દીધી અને કહ્યું કે, કોર્ટ આ મામલાને વારંવાર કેમ સાંભળે. આ મામલે કોર્ટ દખલગીરી નથી કરવા માગતી. અગાઉ જે આદેશ અપાયો તેમા સુધાર કરવાની જરૂર નથી.
ત્યારે વિપક્ષે સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઇ કહ્યું કે, અમે કોર્ટના નિર્ણયને આવકારીએ છીએ. જો કે અમારી માગના કારણે એકની જગ્યાએ 5 બુથ પર કાપલી મેચ કરાશે.
દરેક વિધાનસભા ક્ષેત્રમાં 5 ઇવીએમની થશે તપાસ
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ચૂંટણી પંચ 4125 ઇવીએમ અને વીવીપેટ મેચિંગ કરે છે જે હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વધીને 20625 ઇવીએમ અને વીવીપેટનું મેચિંગ કરવું પડશે. હાલમાં વીવીપેટ પેપર સ્લિપ જોડાણ માટે પ્રતિ વિધાનસભા ક્ષેત્રમાં માત્ર એક ઇવીએમ લેવામાં આવે છે. એક ઇવીએમ પ્રતિ વિધાનસભા ક્ષેત્રના 4125 ઇવીએમના વીવીપીએટી પેપર્સ સાથે જોડાણ કરે છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચે 20625 ઇવીએમને વીવીપેટ કાપલીઓ ગણવાની છે, એટલે પ્રતિ વિધાનસભા ક્ષેત્રમાં પાંચ ઇવીએમની તપાસ થશે.