Saurashtra University big decision on paper system after paper leak
મોટો ફેરફાર /
Paper Leak: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લીધો મોટો નિર્ણય, હવેથી તમામ પરીક્ષાઓમાં આ સ્ટાઇલથી પેપરો કઢાશે
Team VTV12:09 PM, 13 Oct 22
| Updated: 12:17 PM, 13 Oct 22
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને BComની પરીક્ષાના પેપર લીક થતા સમગ્ર તંત્ર હલબલી ઉઠ્યું છે. આથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તાજેતરમાં જ મહત્વનો નિર્ણય લીધો છે.
તમામ કોલેજોને સોફટકોપીમાં પ્રશ્નપત્રો મોકલવામાં આવશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પેપર લીક થયા બાદ નિર્ણય લીધો છે કે હવેની તમામ પરીક્ષાઓમાં QR કોડ સાથેનું પેપર કઢાશે. પરીક્ષાઓમાં પ્રશ્નપત્રો હાર્ડકોપીમાં મોકલવામાં નહીં આવે. હવેથી તમામ કોલેજોને સોફટકોપીમાં પ્રશ્નપત્રો મોકલવામાં આવશે. વધુમાં તમને જણાવી દઇએ કે, BBAની પરીક્ષાનું પેપર યુનિવર્સિટી દ્વારા ગઈકાલે રાત્રે જ તાત્કાલિક બદલી દેવાયું હતું. જ્યારે B.COMના પેપરની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.
પેપર લીક થતા વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ
મહત્વનું છે કે, ગુજરાતમાં હવે તો જાણે કે પેપર ફૂટ્યાની ઘટનાની તો જાણે કોઇ જ નવાઇ નથી રહી એવું દેખાઇ રહ્યું છે. કારણ કે રાજ્યમાં પેપર ફૂટ્યાની ઘટનાઓ ઘણીવાર સામે આવતી રહે છે. ત્યારે આજે વધુ એક પેપર ફૂટ્યાની ઘટના ઘટી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર BBA અને BComની પરીક્ષાના પેપર ફૂટી ગયા છે. જોકે, આ ઘટનાને લઇને વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓએ સવાલો ઉઠાવતા પૂછ્યું કે 'આવાં તત્વો સામે યુનિવર્સિટી ફરિયાદ દાખલ શા માટે નથી કરતી, આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થવી જોઈએ.'
ધોરાજીમાં પણ વિધાર્થીઓએ વિરોધ નોંધાવ્યો
બીજી બાજુ ધોરાજીમાં પણ વિધાર્થીઓએ પેપર લીક મામલે વિરોધ નોંધાવ્યો. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યાં હોવાનો આક્ષેપ લગાવ્યો. ધોરાજીના કોલેજના વિધાર્થીઓએ વિરોધ પ્રદર્શન નોંધાવી જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે.
NSUIના કાર્યકરોએ કરી કડક કાર્યવાહી કરવાની માંગ
બીજી બાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક મામલે NSUIના પ્રદેશ પ્રમુખ કુલપતિ અને પરીક્ષા નિયામકને રજૂઆત કરવા કાર્યકરો સાથે યુનિવર્સિટી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.