BIG BREAKING /
ગુજરાતમાં વધુ એક પેપરલીક કાંડ? સૌરાષ્ટ્ર યુનિ.માં BBA-BComની પરીક્ષાના પેપર લીક થતા ખળભળાટ
Team VTV08:51 AM, 13 Oct 22
| Updated: 09:03 AM, 13 Oct 22
ગુજરાતમાં પેપર લીક થવું તેમજ ભરતીઓ રદ થવી જેવી બાબતો તો હવે સામાન્ય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજ્યમાં વધુ એક પેપરલીક કાંડની ઘટના સામે આવી છે.
ગુજરાતમાં વધુ એકવખત પેપર લીક થયાની ઘટના
ફરીવાર વિવાદમાં આવી ગુજરાતની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
BBA-BComની પરીક્ષાના પેપર લીક થતા તંત્ર થયું દોડતું
ગુજરાતમાં જો પારદર્શિતા સાથે ભરતી થાય તો કદાચ ઈતિહાસ રચાઈ જાય. કારણ કે, રાજ્યમાં છાશવારે પેપર લીક થયાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે આજે વધુ એક વખત પેપરલીક કાંડની ઘટના સામે આવી છે. રાજ્યની પ્રચલિત અને સતત વિવાદમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને BComની પરીક્ષાના પેપર લીક થયા હોવાનું સામે આવ્યું છે. જેના લીધે સમગ્ર તંત્ર હલબલી ઉઠ્યું છે.
યુનિવર્સિટીના BBA અને BCom સેમેસ્ટર-5ના પેપર લીક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને BCom સેમેસ્ટર-5ના પેપર લીક થયા છે. BBA સેમ-5ના ડાયરેક્ટ ટેક્સેસન-5નું પેપર લીક થયું છે તો BCom સેમ-5નું ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સનું પેપર લીક થયું હોવાની ઘટના સામે આવી છે. આજે જે પરીક્ષા લેવાનારી હતી એ જ પરીક્ષાનું પેપર લીક થતા સમગ્ર યુનિવર્સિટીમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા વિદ્યાર્થીઓને આજે નવા પેપર અપાશે: સૂત્ર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત કોલેજોમાં પેપર પણ પહોંચી ગયા હતા. જોકે બંને પરીક્ષાના પેપર માર્કેટમાં કઈ રીતે પહોંચ્યા તે પણ એક મોટો તપાસનો વિષય છે. જોકે આ મામલે કોલેજોને એડવાન્સમાં અપાતા પેપરના કારણે કૌભાંડ થયાની શક્યતા સેવવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા વિદ્યાર્થીઓને આજે નવા પેપર અપાશે. જોકે આ ઘટનાને લઇને ખુદ પરીક્ષા નિયામક નિલેશ સોની પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. હાલ આ ઘટનાને લઇને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પેપર ફોડનાર વિરૂદ્ધ યુનિવર્સિટીએ ફરિયાદ નોંધાવી છે.
સળગતા સવાલ
વારંવાર કેમ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર ફૂટે છે?
સરકારી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં કેમ થાય છે?
કાયમી પેપરને ફોડવા માટે કઇ ગેંગ સક્રિય છે?
પરીક્ષાના પેપરની ગોપનિયતા કેમ નથી જળવાતી ?
પેપર જ્યાં રખાય છે ત્યાંની સિક્યુરિટીની કેમ નથી કરાતી પુર્તતા?
પેપરો ફોડનારા સામે કડક કાર્યવાહી કેમ નથી થતી?
પરીક્ષાનું સેન્ટર આપવા પહેલા ચકાસણી કેમ નથી કરાતી?
સરકાર મન ફાવે તેમ સેન્ટરો કેવી રીતે ફાળવી દે છે?
સરકાર દાખલો બેસે તેવી કાર્યવાહી કેમ નથી કરતી?
કેમ વારંવાર ઉમેદવારોનાં ભાવિ સાથે વારંવાર ચેડાં થાય છે?