ગુજરાતના જાણીતા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે પણ રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે ગંભીર આક્ષેપ કર્યા છે. રાજ્યમાં ઈંજેક્શન માટે અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં કલાકોની લાઈનો જોવા મળી રહી છે ત્યારે સંજય રાવલે આક્ષેપ કર્યો છે કે મહારાષ્ટ્રમાં કેસ વધુ તેમ છતાં ઇન્જેક્શન માટે લાઇન નથી. ગુજરાતમાં ઓછા કેસ છતાં ઇન્જેક્શન માટે પડાપડી થઈ રહી છે.
ગુજરાતીઓ જાગો : સંજય રાવલ
સંજય રાવલે કહ્યું કે રાજ્યમાં એક્સ્પાઇરી ડેટ વાળા ઇન્જેક્શન વેચાઇ રહ્યાં છે. લોકોએ ઇન્જેક્શન મુદ્દે વિચાર કરવો જોઇએ કારણ કે ઇન્જેક્શનના નામે બીજુ કંઇક ચાલી રહ્યું છે. લોકો જાણે બે કરોડની લોન તો મળી જાય પરંતુ ઈંજેક્શન ન મળે તેવું લાગી રહ્યું છે. ગુજરાતીઓ જાગો કઇંક બીજું ચાલી રહ્યું છે.
નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે અને કોરોના વાયરસના દરરોજના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં રેમડેસિવિર ઈંજેક્શન માટે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં લોકો કલાકો સુધી લાંબી લાંબી કતારોમાં ઊભા રહે છતાં ઈંજેક્શન મળી નથી રહ્યા.
રાજ્યમાં આવા કેટલા લોકો કરી રહ્યા હશે કાળાબજારી
રાજ્યમાં ઈંજેક્શનના નામે કલાબજારી ચાલી રહી છે અને મહામારીમાં પણ દલાલો વેપલો ચલાવી રહ્યા છે. રાજ્યમાં કાળાબજારી કરી રહેલા લોકોનો ખુલાસો VTVએ સ્ટિંગ ઓપરેશન કરીને આવા દલાલોને કેમેરાની સામે રંગે હાથ ઝડપી પાડયા છે ત્યારે સવાલ થાય છે કે રાજ્યમાં આવા કેટલા લોકો ઈંજેક્શનના નામે ધંધો કરી રહ્યા હશે અને સરકાર આ બધુ જોઈ રહી છે તો શું કરી રહી છે?