Team VTV05:07 PM, 28 Dec 20
| Updated: 05:16 PM, 28 Dec 20
પોતાની પત્ની સામે EDના સમન્સના કારણે ખૂબ ગુસ્સે થયેલા સંજય રાઉતે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને આક્રમક ટિપ્પણીઓ કરી હતી. તેઓ એવું બોલી ગયા હતા કે મુજસે પંગા મત લો, મેં નંગા આદમી હું.
પત્નીના નામે ઇડીના સમન્સથી રોષે ભરાયેલા શિવસેનાના નેતા સંજય રાઉતે કેન્દ્ર સરકારને ચેતવણી આપી હતી કે તે આવી વસ્તુઓથી ડરશે નહીં. રાઉતે સોમવારે બપોરે એક પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા.
તેમણે કહ્યું કે તેમની પત્ની વર્ષા રાઉતને રાજકીય દબાણ માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. ઇડી કેન્દ્ર સરકારના ઇશારે કાર્યવાહી કરી રહી છે. રાઉતે કહ્યું કે અમે કાયદાનું પાલન કરીશું.
મારી સાથે પંગો ન લેતા
રાઉતે કહ્યું હતું કે મુજસે પંગા મત લેના, મેં નંગા આદમી હું ઔર શિવસૈનિક હું, મારી પાસે ભાજપની ફાઇલ છે, જો આ ફાઈલ ખુલી તો ભાજપે દેશ છોડીને ભાગવુ પડશે. મારી પાસે 121 લોકોનાં નામ છે. જલ્દી જ હું ઈડીને આ નામો આપી દઈશ. ઘણાં એવા નામ છે કે ઇડીએ 5 વર્ષ સુધી કામ કરવું પડશે. ત્યારબાદ ઇડીને ખબર પડશે કે તમે કોની સાથે પંગો લીધો છે.
આ એક રાજનૈતિક ષડયંત્ર છે
સંજય રાઉતે કહ્યું કે આ બધું રાજકારણથી પ્રેરિત છે. ઇડીએ 10 વર્ષ જુનો કેસ બહાર પાડ્યો છે. અમે મિડલ ક્લાસ લોકો છીએ. મારી પત્ની એક શિક્ષક છે. પત્નીએ મિત્ર પાસેથી 50 લાખની લોન લીધી હતી. રાજ્યસભાના સોગંદનામામાં તેનો ઉલ્લેખ છે.
જો હું ભાજપના પરિવારો સુધી પહોંચી ગયો તો દેશ છોડીને ભાગવું પડશે
આવકવેરામાં પણ આ બતાવવામાં આવ્યું છે. આ કોઈ ગુપ્ત વસ્તુ નથી. ઇડી અને ભાજપને શું મુશ્કેલી છે? આ દેશમાં ભાજપ માટે મોટા મોટા સૂરમાઓ બેઠા છે. જો હું તેમના પરિવાર સુધી પહોંચી ગયો તો તેમણે દેશ છોડીને ભાગવું પડશે.
ભાજપના નેતાઓ સામે કાર્યવાહી ક્યારે થશે?
રાઉતે આરોપ લગાવ્યો કે અમારા પરિવારમાં કોઈની સંપત્તિ 1600 ગણી વધી નથી. ભાજપના નેતાઓના પરિવારોની આવકમાં 1600 ગણો વધારો થયો છે. પહેલા તેમના પર કાર્યવાહી કરો. અમે કાયદાથી મોટા નથી, અમે તેનું પાલન કરીશું.
લડાઈમાં પરિવારને વચ્ચે લાવવાની જરૂર નથી
મારી પાસે તમારું એકાઉન્ટ છે, તમારા પરિવારોનો આખો હિસાબ છે. પરંતુ બાળાસાહેબ ઠાકરેએ અમને શીખવ્યું છે કે સીધી લડત લડવી જોઈએ. બાળકો અને કુટુંબ વચ્ચે ન લાવવું જોઈએ.
ઉદ્ધવ ઠાકરેએ મને પણ એવું જ કહ્યું છે. બાલાસાહેબ ઠાકરેની તસવીર મારી પાછળ છે, તેને જોઈને હું તમને કહું છું કે અમે આનો જવાબ આપીશું અને તે તમને ભારે પડશે.
EDની ઓફિસની બહાર ભાજપ કાર્યાલય એવું પોસ્ટર ચોંટાડાયું