Team VTV07:05 PM, 13 Jan 23
| Updated: 07:06 PM, 13 Jan 23
ભારતિય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ રિટાયરમેન્ટનું એલાન કર્યું છે. 16 જાન્યુઆરીથી શરૂ થનારાં ઑસ્ટ્રેલિયાઈ ઓપનમાં સાનિયા પોતાની છેલ્લી ટૂર્નામેન્ટ રમશે. સાનિયા મિર્ઝાએ ટ્વિટર પર પોસ્ટ કરી માહિતી આપી છે.
સાનિયા મિર્ઝાએ રિટાયરમેન્ટનું એલાન કર્યું
ઑસ્ટ્રેલિયાઈ ઓપનથી આપશે કરિયરને વિરામ
ટ્વિટર પોસ્ટ દ્વારા માન્યો સૌનો આભાર
ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ રિટાયરમેન્ટનું એલાન કર્યું છે. 16 જાન્યુઆરીથી શરૂ થનારાં ઑસ્ટ્રેલિયાઈ ઓપનમાં સાનિયા પોતાની છેલ્લી ગેમ રમશે. સાનિયા મિર્ઝાએ ટ્વિટર પર પોસ્ટ કરીને આ વાતની જાણકારી આપી છે. પહેલા સાનિયાએ ઘોષણા કરી હતી કે તે WTA 1000 દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ બાદ રિટાયરમેન્ટ લેશે જે 19 જાન્યુઆરીથી શરૂ થનારી હતી. પરંતુ હવે તેમણે ઑસ્ટ્રેલિયાઈ ઓપન થકી પોતાના કરિયરને વિરામ લગાવવાનું એલાન કર્યું છે.
'સપનાંની લડાઈ 6 વર્ષની ઉંમરે જ શરૂ થઈ'
36 વર્ષિય સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે તે ઑસ્ટ્રેલિયાઈ ઓપન બાદ પોતાના દિકરા સાથે વધુ સમય વ્યતિત કરવા ઈચ્છે છે. તેમણે લખ્યું કે '30 વર્ષો પહેલા હૈદ્રાબાદમાં એક છ વર્ષની છોકરી પોતાની માં સાથે પહેલી વખત કોર્ટમાં ગઈ અને કોચે જણાવ્યું કે ટેનિસ કઈ રીતે રમાય. મને લાગ્યું હતું કે ટેનિસ શીખવા માટે હું ઘણી નાની છું. મારા સપનાંની લડાઈ 6 વર્ષની ઉંમરે જ શરૂ થઈ ગઈ હતી.'
'હું તમામનો ધન્યવાદ માનું છું'
સાનિયાએ કહ્યું કે મારા માતા-પિતા અને બહેન, ફેમિલી, મારા કોચ, ફિઝિયો સહિત સમગ્ર ટીમનાં સમર્થન વિના આ શક્ય નહોતું જે સારાં અને ખરાબ સમયમાં મારી સાથે ઊભા રહ્યાં. મેં તેમનામાંથી દરેકની સાથે પોતાની હંસી, આંસૂ, દુ:ખ અને ખુશી વહેચ્યાં હતાં. તે માટે હું તમામનો ધન્યવાદ માનું છું. તમે સૌએ જીવનનાં સૌથી કઠીન સમયમાં મારી મદદ કરી છે. તમે હૈદ્રાબાદની આ નાનકડી છોકરીને ન માત્ર સપનાં જોવાની હિમ્મત આપી પરંતુ તે સપનાંને હાંસિલ કરવામાં પણ મદદ કરી છે.