નેશનલાઇઝ બેંકો અને ફાયનાન્સ કંપનીઓને કરોડોનો ચૂનો ચોપડી વિદેશમાં ફરાર થઇ જનાર કૌભાંડી સાંડેસરા બંધુઓનું બોલિવુડ કનેક્શન સામે આવ્યું છે.. 16 હજાર કરોડના બેંક કૌભાંડમાં બોલિવુડ અભિનેતા ડીનો મોરિયા અને પ્રોડ્યુસર સંજય ખાનની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. સાંડસરાના બંગલાનું ઈન્ટરિયર ડિઝાઈન શારુખની પત્ની ગૌરી ખાન અને સુઝાને કર્યું હતું.. સુઝાનની મુલાકાતને પગલે સાંડેસરા સંજય ખાનના સંપર્કમાં આવ્યો હતો.
ગરબામાં બોલિવુડના કલાકારોને આમંત્રણ અપાતુ
શરુઆતમાં સાંડેસરા બંધુઓ શહેરમાં આર્કીના ગરબાથી પ્રચલિત થયા હતા. જો કે ત્યારબાદ તેમણે અચાનક ગરબાનું આયોજન બંધ કરી દીધું હતું. જોકે, વર્ષ 8008-09માં ગુજરાત કેડરના IPS રાકેશ અસ્થાનાની વડોદરા પોલીસ કમિશનર તરીકે નિમણૂંક થઈ હતી. જે બાદ ફરી સાંડેસરા બંધુઓએ ગરબાનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવુડના અભિનેતા અને અભિનેત્રીઓને પણ બોલાવવામાં આવતી હતી. તે વખતે ડીનો મોરિયા સાથે સાંડેસરા બંધુનો પરિચય થયો હતો. આમ આ રીતે અન્ય ટોચના કલાકારો સાથે પણ સાંડેસરા ગ્રુપે નિકટતા કેળવી હતી.
ઇન્ટીરીયર ડિઝાઇન ગૌરી-સુઝાને કર્યુ
વર્ષ 2013માં સાંડેસરા બંધુઓએ વડોદરા નજીક અંપાડ ગામમાં કરોડો રૂપિયાના ખર્ચે ૬૦ હજાર સ્કેવર ફૂટ જગ્યામાં અત્યંત વૈભવી બંગલો બનાવ્યો હતો. જેના ઇન્ટીરીયર માટે તેઓએ શાહરૂખખાનની પત્ની ગૌરીખાન અને અભિનેતા ઋત્વીક રોશનની પૂર્વ પત્ની સુઝાનનોં સંપર્ક સાધ્યો હતો. દિપ્તી સાંડેસરાએ બંગલાના ઈન્ટિરિયર ડિઝાઈનની વાત કરતાં બંનેએ કામ કરવાની તૈયારી બતાવી હતી.
ગૌરી-સુઝાન 50 વખત વડોદરા આવ્યા
સુઝાન અને ગૌરીખાને સાંડેસરા ગ્રુપના વડોદરાના બંગલાનું ઇન્ટિરીયર ડિઝાઇન કરવા માટે 50 વખત બંગ્લોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સાંડેસરા બંધુ સુઝાનના પિતા સંજયખાન સાથે સંપર્કમાં આવ્યા હતા.
મની લોન્ડરિંગ કેસમાં કરી હતી કાર્યવાહી
મહત્વનું છે કે ઇડીએ હમણા થોડા સમય પહેલા સાંડેસરા ગ્રૂપ કેસમાં મની લોન્ડરીંગ એકટ હેેઠળ રૂ. 8.79 કરોડની આઠ જંગમ અને સ્થાવર મિલકતો ટાંચમાં લીધી હતી. જેમાં અભિનેતા ડીનો મારિયા તથા સંજયખાનની મિલકતોનો પણ સમાવેશ થતો હતો.
વડોદરાથી બાય ફ્લાઇટ રસોઇયો મુંબઇ મોકલતા
કરોડોનું ફુલેકુ ફેરવનાર સાંડેસરા બંધુઓએ ચાર્ટર્ડપ્લેન પણ ખરીદ્યુ હતું. ગરબા દરમિયાન સાંડેસરા બંધુઓ સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનમાં તેઓ મુંબઇથી આવતા હતા. વળી જો શાહરુખ ખાન કે તેના પરિવારને ગુજરાતી ફૂડ ખાવાની ઇચ્છા થાય તો વડોદરાથી તેઓ બાય ફ્લાઇટ રસોઇયાને મુંબઇ તેઓના ઘરે પણ મોકલતા હતા.