બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / ગઢડાના મેલડી માંએ પૂર્યા પરચા, સાચી આસ્થા રાખતા 250 વર્ષ પહેલા નીકળ્યું હતું કુવામાંથી પાણી
Last Updated: 06:09 AM, 17 January 2025
ગઢડા તાલુકાનાં સમઢીયાળા ગામ નજીક તળાવના કાંઠે 250 વર્ષો જુનું મેલડીમાનું મંદિર આવેલું છે માતાજીનું આ મંદિર ભીમોરી મા ના નામથી પ્રચલિત છે. ગઢડા, સમઢીયાળા, મોટી કુંડળ અને માંડવધાર ગામના સીમાડે આવેલું મેલડી મા નું મંદિર વીસથી વધારે ગામના લોકોની આસ્થાનું કેન્દ્ર છે. 250 વર્ષ પહેલા એક ભક્તે પીવાના પાણી માટે માતાજીને પ્રાર્થના કરી કુવો ખોદ્યો અને ત્યાં પાણી મળ્યુ એટલે માતાજીની સ્થાપના કરી હતી. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સમઢીયાળા, મોટી કુંડળ, ગઢડા અને માંડવધાર ગામના સીમાડે તળાવના કાંઠે કુદરતી સૌંદર્ય અને ઘટાદાર વૃક્ષોની છાંયમાં વર્ષો જુનું મેલડી માતાજીનું મંદિર આવેલું છે. માતાજીનું મંદિર ભીમોરીમા ના મંદિર તરીકે પ્રચલિત છે. આજુબાજુના વીસ ગામોના લોકોની અતૂટ શ્રદ્ધા ભીમોરી મેલડીમા આ મંદિર સાથે જોડાયેલી છે. મંદિરે દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન કરવા આવે છે.
ADVERTISEMENT
ગઢડાના સમઢીયાળા ગામે મેલડી મા બિરાજમાન
ADVERTISEMENT
દર રવિવારે અને મંગળવારે મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો માતાજીને તાવા કરી પ્રસાદી કરે છે. અહિં નવરાત્રી દરમ્યાન રાસ ગરબા અને ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પોતાના દુખ દૂર કરવા ભાવિકો શ્રધ્ધાથી માતાજીને માથુ નમાવીને પ્રાર્થના કરે એટલે માતાજી તેમના આશીર્વાદ આપી તમામ દુખ દુર કરે છે. ચાર ગામના સીમાડે આવેલા ભીમોરીમાનું મંદિર અઢારેય વર્ણની આસ્થાનું કેન્દ્ર છે. આશરે અઢીસો વર્ષ પહેલાં આ સ્થળ પર ચારણોનો ટીબોઆવેલો હતો અને ચારણ સમાજના લોકો વસવાટ કરતા હતા. અહિં પીવાના પાણીની માટે કોઈ કુવો નહોતો ત્યારે ચારણ સમાજના ભીમાભાઈ ગઢવી નામના મેલડી માતાજીના ભક્ત જેમને માતાજી પર અતૂટ શ્રધ્ધા હતી. તેમણે પાણી માટે કુવો ખોદવાનુ નક્કી કરી માતાજીને મનથી પ્રાર્થના કરી કે હે માતાજી અમે કુવો ખોદીએ છીએ અને જો પાણી આવશે તો હું અહિં તમારી સ્થાપના કરીશ અને સેવા પૂજા કરીશ. ભીમાભાઈ ગઢવીએ તેમના સમાજના લોકો સાથે મળીને કુવો ખોદવાનુ શરૂ કર્યુ અને થોડા જ દિવસોમાં કુવામાં પાણી આવ્યું એટલે ભીમાભાઈ ગઢવી અને ચારણ સમાજના લોકોએ કૂવાની સામે જ એક ઓટલો બનાવી મેલડી માતાજીની વાજતે ગાજતે સ્થાપના કરી હતી. ભીમાભાઈ ગઢવીએ મેલડી માતાજીની સ્થાપના કરેલી એટલે ભીમોરી મા તરીકે આ જગ્યા પ્રચલિત થઈ છે. અઢીસો વર્ષ પહેલાં ભીમાભાઈ ગઢવીએ બનાવેલો કુવો વર્તમાન સમયમાં હયાત છે અને આ કુવામાં ક્યારેય પાણી ખૂટતું નથી, કુવો વર્ષો જુનો હતો અને અંદર પગથીયા પણ હતા પરંતુ તળાવની બાજુમાં કુવો હોવાથી ચોમાસામાં તળાવ ભરાતા કુવો બુરાઈ જતો હતો એટલે ગ્રામવાસીઓએ કૂવાનું બાંધકામ કરેલું છે.
મા ના આશીર્વાદથી નિસંતાનના ઘરે બંધાય છે પારણાં
ભીમોરીમા મેલડી માતાજીની ઓટલા સ્થાપના કરી હતી, ત્યારબાદ નાની દેરી બનાવેલી અને સમય જતા માતાજીના દર્શને આજુબાજુના લોકો મોટી સંખ્યામાં આવતા થયા એટલે સમઢીયાળા, મોટી કુંડળ, ગઢડા, માંડવધાર ગામના લોકોએ મળીને મોટુ મંદિર બનાવવાનું નક્કી કર્યું અને તમામ લોકોના સહકારથી સરસ મંદિરનું નિર્માણ થયુ. વર્તમાનમાં ભીમોરી મા નુ મંદિર વિશાળ બન્યુ છે. માતાજીના શરણે ભાવિકો આવી પોતાના મનોવાંચ્છિત ફળ મેળવે છે. મંદિર માનતાના તાવા કરવા માટે વાસણો, ચૂલા અને ભોજનાલય બનાવવામાં આવ્યુ છે. રવિવારે અને મંગળવારે માતાજીના મંદિરે માનતાના તાવા થાય છે. ગઢડા તાલુકાના સમઢીયાળા સહિત ચાર ગામના સિમાડે બિરાજમાન ભીમોરી મા મેલડી માના મંદિરે અઢારેય વર્ણના લોકોને અતૂટ શ્રધ્ધા છે. ભીમોરીમા ના મંદિરે નિઃસંતાન લોકો માતાજીને પ્રાર્થના કરે એટલે માતાજીના આશીર્વાદથી તેમના ઘરે પારણાં બંધાય છે. કોઈપણ વ્યક્તિ શ્રધ્ધાથી માતાજીને માથુ નમાવી પ્રાર્થના કરે એટલે માતાજી તેના તમામ દુઃખો દૂર કરે છે. ચારેય ગામના સીમાડે મોટા ભાગની ખેતીની જમીન આવેલી છે. માતાજીમાં પ્રત્યે અતૂટ શ્રધ્ધા રાખતા ખેડૂતો ચોમાસામાં માતાજીને તાવાની પ્રસાદી લાપસીનું જુવારણ કરીને પછી જ ખેતીનો પ્રારંભ કરે છે.
આ પણ વાંચો: આજના દેવદર્શનમાં જાણીશું સોમનાથ મહાદેવનો પૌરાણિક ઈતિહાસ, જે ભાગ્યે જ કોઇને ખબર હશે
લોકોની આસ્થાનું કેન્દ્ર
ભીમોરીમા પ્રત્યે અતૂટ આસ્થા ધરાવતા આજુબાજુના ગામની શાળામાંથી પ્રવાસનું આયોજન કરવામાં આવે ત્યારે શાળાના શિક્ષકો પ્રવાસ હેમખેમ પૂર્ણ થાય તે માટે ભીમોરીમાને પ્રાર્થના કરે છે અને હેમખેમ પ્રવાસ પરત આવે એટલે શિક્ષકો ભીમોરીમા ના મંદિરે આવી શ્રીફળ વધેરી માનતા પુરી કરે છે. ભીમોરીમા ના મંદિરે તમામ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે અને નવરાત્રીમાં રાસ ગરબા યોજી માતાજીની આરાધના કરી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ઘણા ભાવિકોની માનેલી માનતાં પુરી થતાં માતાજીને શ્રીફળ ધરાવે છે તો ઘણા પરીવારો સાથે મંદિરે આવી તાવો કરીને માતાજીની પ્રસાદી બનાવી માનતા પુરી કરે છે. આમ ગઢડાના સમઢીયાળા ગામ નજીક આવેલ ભીમોરીમા નું મંદિર હાલ વીસ ગામોના લોકોની આસ્થાનું કેન્દ્ર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.