Sam Karan's combative innings went awry, India won the series 2-1
IND vs ENG /
સેમ કરનની લડાયક ઇનિંગ એળે ગઈ, ભારતે જીત મેળવીને શ્રેણી 2-1થી પોતાના નામે કરી
Team VTV10:16 PM, 28 Mar 21
| Updated: 11:16 PM, 28 Mar 21
ભારતે શ્રેણીની ત્રીજી અને છેલ્લી વન ડેમાં પણ જીત મેળવતા ઈંગ્લેન્ડને હરાવીને T20, ટેસ્ટ પછી વન ડે શ્રેણી પણ પોતાના નામે કરી હતી. ભારતે છેલ્લી મેચમાં સાત રને જીત મેળવી હતી.
ભારતે શ્રેણીની ત્રીજી અને છેલ્લી વનડે જીતી
ભારતના 330ના લક્ષ્યની સામે ઈંગ્લેન્ડ 322માં ઓલઆઉટ થઈ ગયું
શ્રેણીમાં પ્રથમ વાર એવું બન્યું કે વન ડેમાં બંને ટીમ ઓલઆઉટ થઈ ગઈ
ભારતે ત્રીજી વનડેમાં ઇંગ્લેન્ડ સામે જીતવા 330 રનનો પડકાર આપ્યો હતો. પરંતુ ઇંગ્લેન્ડે નબળી શરૂઆત કરી હતી અને 100 થી ઓછા સ્કોરમાં ઇંગ્લેન્ડે તેમના ટોચના ક્રમના ચાર બેટ્સમેનની વિકેટ ગુમાવી દીધી હતી.
ભારતની બેટિંગ 329 રનના સ્કોર પર ઓલઆઉટ થતાં પૂરી થઈ હતી
ભારતે આજે પહેલા બેટિંગ કરતાં 330 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેમાં ભારત તરફથી ઓપનર રોહિત શર્મા (37) અને શિખર ધવને (67) આજે સારી ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયાને એક સારો સ્કોર નોંધાવવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું, જેના પછી કેપ્ટન કોહલી આજે કોઈ ખાસ કમાલ નહોતો કરી શક્યો અને માત્ર 7 રનના અંગત સ્કોરે વિકેટ ગુમાવી દીધી હતી.
જેના પછી આજે ફરીથી એકવાર રિષભ પંતે વધુ એકવાર પોતાનું ફોરમ બતાવ્યું હતું અને 62 બોલમાં 78 રન ફટકાર્યા હતા, જોકે ગત મેચના શતકવીર રાહુલ આજે પાંચમા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો પણ 7 ના સ્કોરે તે પણ પેવેલિયન પરત ફરી ગયો હતો. પંડયા બ્રધર્સ આજે ફરીથી એક વાર ટીમ માટે તારણરૂપ બન્યા હતા અને હાર્દિકે 64 અને કુણાલ પંડયાએ 25 રન ફટકારીને સ્કોરબોર્ડ આગળ ધપાવ્યું હતું. જો કે તે બંનેના આઉટ થઈ ગયા પછી શાર્દૂલ ઠાકુરે પણ 21 બોલમાં 30 રન ફટકારીને ઝડપી બેટિંગ કરી હતી. પરંતુ માર્ક વૂડની બોલિંગમાં તે બટલરના હાથે કેચ થઈને વિકેટ ગુમાવી બેઠો હતો, જેના પછી ભુવી કુમાર પણ 3 ના સ્કોરે આઉટ થતાં ભારતની બેટિંગ પૂરી થઈ ગઈ હતી અને આ સીરિઝ અને આ મેદાન પર આ પહેલી વાર થયું હતું કે વન ડે માં ટીમ ઈન્ડિયા પૂરી 50 ઓવર રમ્યા પહેલા ઓલઆઉટ થઈ ગઈ હોય.
ઈંગ્લેન્ડની શરૂઆત નબળી રહી હતી
આના પછી ઈંગ્લેન્ડની શરૂઆત પણ સારી રહી નહોતી અને માત્ર 100 રનની અંદર જ રૉય,બેરિસ્ટો,સ્ટોક્સ અને બટલર સહિતના ટોપ ઓર્ડરની ચાર વિકેટો ગુમાવી દીધી હતી, જેના પછી ડેવિડ મ્લાને અડધી સદી મારી હતી અને લિવિંગસ્ટોન સાથે મળીને સ્કોરબોર્ડ ફરતું રાખ્યું હતું, પણ 24મી ઓવરમાં ખતરનાક બની રહેલી આ ભાગીદારીને શાર્દૂલ ઠાકુરે તોડી હતી અને લિવિંગસ્ટોનને 36ના સ્કોરે આઉટ કર્યો હતો.
સેમ કરને લડાયક ઇનિંગ રમતા શ્વાસ થંભાવી દે તેવી બેટિંગ કરી હતી
આના પછી આવેલા મોઈન અલીએ ભાગીદારી કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ ભુવનેશ્વર કુમારે તેને હાર્દિક પંડ્યાના હાથે કેચ કરાવીને 29ના સ્કોર પર પેવેલિયન પરત મોકલી દીધો હતો. જો કે પછીથી આવેલા સેમ કરને લડાયક બેટિંગ કરતાં ભારત એક સમયે મેચ ગુમાવી દેશે તેમ લાગી રહ્યું હતું પણ આદિલ રશીદને ઠાકુરે 14ના સ્કોરે કોહલીના હાથમાં ઝીલાવ્યા પછી પણ મેચ રોમાંચક બની હતી, અને માર્ક વૂડે કરનનો સાથ આપતા મેચ લંબાઈ હતી, પણ અંતે ભારત જીતી ગયું હતું.