Team VTV04:01 PM, 08 Mar 20
| Updated: 04:23 PM, 08 Mar 20
શનિવારે જિલ્લા અને સેશન્સ કોર્ટ જોધપુર (જોધપુર કોર્ટ) એ બૉલીવુડ સ્ટાર સલમાન ખાનને કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો હતો પણ સલમાન કોર્ટમાં હાજર રહ્યો નહોતો. હવે આવતી સુનાવણી 18મી એપ્રિલે થશે.
બૉલીવુડ અભિનેતા સલમાન ખાન શનિવારે કાળિયાર શિકાર કેસમાં જોધપુર કોર્ટમાં હાજર થવાનો હતો પરંતુ સલમાન કોર્ટમાં હાજર થયો ન હતો. સલમાન ખાનના વકીલ હસ્તીમલ સારસ્વતે કોર્ટમાં માફી રજૂ કરી હતી.
આ કારણથી સલમાન હાજર ન રહ્યો
સલમાનના કાળિયાર કેસની સુનાવણી કરી રહેલા પૂર્વ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટ જોધપુરના જજ સોનગરાને હાઇકોર્ટના જજ બનાવવામાં આવ્યા છે. જોધપુરની ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટે શનિવારે સલમાન ખાનને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો પરંતુ અદાલતમાં ન્યાયાધીશ પદ ખાલી હોવાને કારણે હવે નવા ન્યાયાધીશની નિમણૂકની રાહ જોવાઇ રહી છે. આ કારણોસર સલમાન કોર્ટમાં હાજર થયો ન હતો. સલમાન વતી એડ્વોકેટ હસ્તીમલ સારસ્વતે માફી રજૂ કરી હતી. હવે આ કેસમાં આગામી સુનાવણી 18 એપ્રિલના રોજ થશે.
કોર્ટમાં 4 કેસ વિચારણા હેઠળ
બ્લેકબક શિકાર કેસમાં સલમાન ખાનને CJM કોર્ટે 5 વર્ષની સજા સંભળાવી હતી. સલમાન દ્વારા તેની સામે જિલ્લા અને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવેલી અપીલ અંગેની સુનાવણી બાકી છે. તે જ સમયે આર્મ્સ એક્ટમાં સલમાન ખાનને નિર્દોષ મુક્ત કરવા વિરુદ્ધ સરકારે રજૂ કરેલી અપીલ અંગે આ જ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં બે એફિડેવિટની સુનાવણી પણ બાકી છે.
7 માર્ચે કોઈ પણ હિસાબે હાજર રહેવાનો આદેશ હતો
પ્રતિકાત્મક તસ્વીર Source Youtube
નોંધનીય છે કે 16 ફેબ્રુઆરી 2019 ના રોજ જિલ્લા અને સેશન્સ કોર્ટ જોધપુરના ન્યાયાધીશ રવિન્દ્રકુમાર જોશીની સિરોહી બદલી થઈ હતી. તેમની જગ્યાએ ભિલવાડા જિલ્લા અને સેશન્સ કોર્ટના જજ ચંદ્રકુમાર સોનાગરાની જોધપુર બદલી કરાઈ હતી. ત્યારબાદ જજ સોનાગરા સલમાન અને સરકારની અપીલની સુનાવણી કરી રહ્યા હતા. સલમાન ખાન ઘણા સમયથી કોર્ટમાં હાજર થયો ન હતો આથી કોર્ટે સલમાનને કોઈપણ સંજોગોમાં 7 માર્ચે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.