પૃથ્વીથી નજીકનો બ્લેકહોલ સેજીટેરીયસ એ સ્ટાર વૈજ્ઞાનિકોના ઉપકરણોમાં છેલ્લા એક વર્ષથી વિચિત્ર આંકડા આપી રહ્યો છે. તે આસપાસના અવકાશી ગ્રહો અને ગેસ જાયન્ટ્સ એટલે કે વાયુના બનેલા ગોળાઓને વધુ ઝડપથી શોષી રહ્યો છે. તો એ જાણવું જરૂરી છે કે આ બ્રહ્માંડમાં આ બ્લેકહોલ શું છે અને તેની હાજરી વૈજ્ઞાનિકો કેવી રીતે પકડે છે?
આપણી આકાશગંગાના કેન્દ્રમાં રહેલા બ્લેકહોલમાં થોડા સમયથી “સળવળાટ” જોવા મળી રહ્યો છે. “સેજીટેરીયસ એ સ્ટાર” નામના બ્લેક હોલની ચમક આ વર્ષે વધીને બે ગણી થઇ ગઈ છે.
શું છે “સેજીટેરીયસ એ સ્ટાર”
આપણા સૂર્યમંડળ જેવા અબજો સૂર્યમંડળો આપણી આકાશગંગામાં પરિભ્રમણ કરે છે. “સેજીટેરીયસ એ સ્ટાર” એ આપણી આકાશગંગાના કેન્દ્રમાં આવેલો એક દળદાર મોટો બ્લેકહોલ છે. આપણી ગેલેક્સી તેની આસપાસ પરીક્રમણ કરે છે. તેની શોધ ૨૪ વર્ષ પહેલા થઇ હતી. આમ તો તે ઘણો શાંત છે પરંતુ થોડા સમયથી તેમના હલચલ નોંધાઈ રહી છે.
પૃથ્વીથી તે કેટલો દુર છે?
તે પૃથ્વીથી આશરે ૨૬૦૦૦ પ્રકાશવર્ષ દુર છે. એક પ્રકાશવર્ષ એ પ્રકાશનું એક કિરણ એક વર્ષમાં જેટલું અંતર કાપે તેને એક પ્રકાશવર્ષ કહે છે. પ્રકાશની ઝડપ ૩૦ કરોડ મીટર પ્રતિ સેકંડ છે. એટલે એક પ્રકાશવર્ષ આશરે ૯.૪૨ * ૧૦૧૨ જેટલું અંતર છે.
બ્લેક હોલએ શું છે?
બ્લેક હોલએ નષ્ટ થઇ ગયેલા તારામાંથી બનતો એક પદાર્થ છે. તારાઓના નાભિમાં ચાલતી પ્રક્રિયાના કારણે તે પ્રકાશિત રહે છે. જયારે આ બળતણ ખલાસ થઇ જાય ત્યારે એક વિસ્ફોટ સાથે તારો નષ્ટ થઇ જાય છે. આ વિસ્ફોટ પછી તારાના કેન્દ્રમાં રહેલું દ્રવ્ય એકલું બચે છે. આ તારાનો “ઠળીયો” અત્યંત વધુ ઘનતા ધરાવે છે. તેની સાઈઝ એક કાણાં જેટલી હોય છે પરંતુ તેનું વજન એક ગ્રહ જેટલું હોઈ શકે છે. આ બ્લેકહોલની ઘનતાને કારણે તે આસપાસના પદાર્થો ઉપર અતિશય વધુ પ્રમાણમાં ગુરુત્વાકર્ષણ બળ લગાવે છે. આ ગુરુત્વાકર્ષણ એટલું વધુ હોય છે કે તે આસપાસના તમામ અવકાશી પિંડોને પોતાની અંદર શોષી લે છે. ફક્ત અવકાશપિંડો જ નહિ પણ તે પ્રકાશને પણ પોતાની અંદર શોષી લે છે. આથી તેની સપાટી જેને “ઘટના ક્ષિતિજ” કહે છે તે હંમેશા કાળા રંગની રહે છે. બ્લેક હોલની અંદર સમયનો પ્રવાહ પણ અટકી જાય છે.
બ્લેક હોલનો ફોટો આવી ચુક્યો છે, હવે વીડિયો પણ આવશે
વિશ્વના ૩૪૭ વૈજ્ઞાનિકોની ટીમ બ્લેક હોલ ઉપર કામ કરી રહી છે. ટીમના પ્રોજેક્ટ ડાયરેકટર વૈજ્ઞાનિક શેપ ડોએલમાન એ કહ્યું છે કે ૨૦૨૦માં બ્લેક હોલનો વીડિયો પણ આવશે અને આવતા દશકા સુધીમાં બ્લેક હોલ પોતાની આસપાસના વાયુના પિંડો અને તારાઓને કેવી રીતે શોષી લે છે તેના સ્પષ્ટ વીડિયો કેવી રીતે લઇ શકાય તેની ટેકનોલોજી ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે.
ઇવેન્ટ હોરાઈઝન ટેલીસ્કોપ વડે લેવાયેલા આ ફોટો બદલ વૈજ્ઞાનિકોની ટીમને ૩૦ લાખ ડોલર એટલે કે ૨૦ કરોડ રૂપિયા અને Breakthrough Prize in Fundamental Physics એવોર્ડ આપવામાં આવ્યો.
વૈજ્ઞાનિકોએ કહ્યું બ્લેકહોલની આસપાસની હલચલ ચિંતાજનક નથી
વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે આ અસામાન્ય ઘટના છે. તે આસપાસના પિંડોને વધુ ઝડપથી પોતાની અંદર શોષી લે છે. તે પોતે પ્રકાશને પણ છટકવા દેતો નથી પરંતુ તે શોષાયા બાદ બ્લેકહોલની આસપાસ એક પ્રકાશનો પૂંજ સર્જાય છે.
વૈજ્ઞાનિકોએ વર્ષમાં ત્રીજી વાર આ અસામાન્ય ઘટના જોઈ છે. તેમના મતે આનું કારણ જાણવા માટે અને આ ઘટનાને સંપૂર્ણપણે સમજવા માટે તેમણે પ્રકાશના કિરણો માપવાની વધુ ક્ષમતા ધરાવતા ઉપકરણો બનવવા પડશે.