3 દિવસથી સફાઈ ન થતા હડતાળની અસર શહેરમા જોવા મળી છે. કચરો નહિ ઉપાડતા ચારેતરફ ગંદકી દેખાઈ રહી છે. સફાઈકર્મીઓ હવે હડતાળના મામલે આકરા મૂડમાં આવી ગયા છે. તો બીજી તરફ, સફાઈ કર્મચારીઓએ ધરણા સ્થળ પર જ રસોડું ઉભું કરીને જમવાની વ્યવસ્થા કરી છે.
સફાઇકર્મીઓની હડતાળનો ત્રીજો દિવસ
વારસાઇ હકની માગણી યથાવત
3 દિવસથી હડતાળ હોવાથી શહેરમાં ગંદકી
સફાઈકર્મીઓનએ બોડકદેવ ઝોનલ ઓફિસ ખાતે ધરણા કર્યા હતા. અને સફાઈકર્મીઓની અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ અને વારસાઈ હકની માંગણી યથાવત છે. મોટી સંખ્યામાં સફાઈકર્મીઓ ભેગા થયા હતા. જેથી અહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
ધરણા સ્થળે જ રસોડું શરૂ
હવે સફાઈકર્મીઓ પણ ખેડૂત આંદોલનના માર્ગે વિરોધ પર ગયા છે. ત્યારે ધરણા સ્થળે જ રસોડું શરૂ કરવામાં આવ્યું છે. ધરણામાં સામેલ લોકો માટે સ્થળ પર જ જમવાની વ્યવસ્થા ગોઠવાઈ છે. મહિલાઓ દ્વારા શાકભાજી સુધારવામાં આવી રહી છે. તો પુરુષો દ્વારા રસોડામાં તૈયારીઓ કરીને રસોઈ બનાવાઈ હતી. અને સફાઈકર્મીઓ પણ સુત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યકત કરી રહયા છે.
શું છે મામલો?
આખો મામલો એવો છે કે, ગત બુધવારે નવા પશ્ચિમ ઝોનના સફાઇ કામદારના યુનિયનના આગેવાનો પડતર પ્રશ્નોની રજુઆત કરવા માટે બોડકદેવની નવા પશ્ચિમ ઝોનની ઝોનલ કચેરીમાં પહોંચ્યા હતા પણ હાજર અધિકારીઓએ તેમને સાંભળ્યા ન હતા સાથે પોલીસ બોલાવીને તેમની અટકાયત કરવામાં આવી હતી.
સફાઇ કામદારે ઝેરી દવા ગટગટાવી
એવામાં એક સફાઇ કામદારે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ ઘટના બાદ તમામ સફાઇ કામદારોના યુનિયનો એક થઇ ગયા હતા તેમણે ગુરુવારથી હડતાળનો પ્રારંભ કર્યો હતો પણ ત્રણ દિવસ વિત્યાં છતાં આજદિન સુધી કોઇ અધિકારી તેમની સાથે વાતચીત કરવા આગળ આવ્યા નથી. આજે બોડકદેવની કચેરી આગળ ઉગ્ર દેખાવો અને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જ્યાં બધા આગેવાનોએ ભેગા મળીને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની જાહેરાત કરી હતી સાથે તેમણે એવું પણ જણાવ્યું હતુ કે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતાના ડાયરેક્ટર અને ડે. મ્યુનિ.કમિશનર સામે પગલાં ન ભરાય ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે.