વર્લ્ડ કપમાં ભારત-વેસ્ટ ઈન્ડિઝની મેચ પહેલાં ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે એવું નિવેદન આપ્યું છે કે તમને બે મિનિટ માટે વિચાર કરતાં કરી દેશે. સચિને કહ્યું હતું કે મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર બંનેમાંથી પસંદગી કરવાની હોય તો હું ભુવીની કરું.
દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધ ગુરુવારે થનારી વર્લ્ડ કપની મૅચમાં અફઘાનિસ્તાનની સામે હેટટ્રિક લેનારા મોહમ્મદ શમીને નહીં રમાડવાની વાત કહી છે. સચિને કહ્યું કે શમીની જગ્યાએ ભુવનેશ્વર કુમારને ફાઈનલ ઈલેવનમાં લેવો જોઈએ. ભુવનેશ્વર વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન ક્રિસ ગેલને પરેશાન કરી રહ્યો છે અને એટલે જ તેંડુલકરે શમી કરતા ભુવીને લેવાનું કહી રહ્યો છે.
તેંડુલકરે સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું કે એ ભારત માટે સારી ખબર છે કે ભુવનેશ્વર કુમાર ફીટ છે. મેં તેના શારીરિક હાવ ભાવ જોયા છે જેનાથી ખ્યાલ આવે છે કે તે ખરેખરમાં આત્મવિશ્વાસથી ભરપૂર છે. ભુવનેશ્વર પાકિસ્તાન વિરુદ્ધની મેચ દરમ્યાન ઈજાગ્રસ્ત થયો હતો અને અફઘાનિસ્તા સામે રમી શક્યો ન હતો. તેના બદલે ટીમમા આવનારા શમીએ મેચમાં હેટટ્રિક લીધી હતી.
તેંડુલકરે કહ્યું કે ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે આગામી મૅચ માટે જો મને ભુવનેશ્વર અને મોહમ્મદ શમી કોઈ એકમાંથી પસંદ કરવાનું આવે તો ચોક્કસપણે હું ભુવનેશ્વરની પસંદગી કરી. તેણે કહ્યું કે તેનું એકમાત્ર કારણ એ છે કે ભુવનેશ્વર કુમાર ક્રિસ ગેલને બહારની બાજુએ બોલ ફેંકી શકે છે જે ક્રિસ ગેલ માટે અનકમ્ફર્ટેબલ રહે છે. મને હજુ પણ યાદ છે કે મેં જે અંતિમ ટેસ્ટ રમી હતી તેમાં ભુવનેશ્વર કુમારે કેવી રીતે ક્રિસ ગેલને પરેશાન કર્યો હતો.
સચિને એમ પણ કહ્યું હતું કે હું સમજું છું કે મોહમ્મદ શમી માટે આ દુર્ભાગ્યપૂર્ણ હશે પરંતુ મારું માનવું છે કે આ મેચ માટે ભુવનેશ્વર કુમારને જ લેવો જોઈએ.