Sabarmati River in Gujarat is the second most polluted river in the country
ઘટસ્ફોટ /
સાબરમતી શુદ્ધિકરણની માત્ર મસમોટી વાતો! વાસ્તવિકતા કંઇક અલગ: CPCBના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
Team VTV03:04 PM, 03 Feb 23
| Updated: 03:13 PM, 03 Feb 23
ગુજરાતની સાબરમતી નદી દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી હોવાનું સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના રિપોર્ટમાં સામે આવ્યું છે.
CPCBના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
સાબરમતી નદી દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી
સાબરમતીનું પાણી નથી રહ્યું પીવાલાયક: રિપોર્ટ
પ્રદૂષિત નદીઓના રિપોર્ટ પર કોંગ્રેસનો તીખો હુમલો
સાબરમતી નદીના શુદ્ધિકરણની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. સાબરમતી નદીને લઇ CPCBના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. CPCBના રિપોર્ટમાં સાબરમતી નદી દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી હોવાનો ઉલ્લેખ થયો છે. સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ થયો છે. પ્રદૂષિત નદીઓના રિપોર્ટ પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
ભાજપ ચૂંટણી જીતવા GPCB નો ઉપયોગ કરે છે: કોંગ્રેસ
સમગ્ર મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. મનીષ દોશીએ કહ્યું છે કે, GPCBમાં હપ્તા રાજ ચાલે છે. ભાજપ સરકારના પાપે સાબરમતીનું પાણી પીવા લાયક નથી. ભાજપ ચૂંટણી જીતવા GPCBનો ઉપયોગ કરે છે. GPCBના કાવતરા અને કારનામાના પાપે આ હાલત છે. સરકાર વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ રોકવામાં નાકામ છે.
મનીષ દોશી (ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા)
CPCBના રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્પોટ
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના રિપોર્ટમાં ઉલ્લેખ થયો છે કે, સાબરમતીનું પાણી પીવાલાયક નથી રહ્યું. સાબરમતી નદીની સફાય માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. તેમ છતાં પણ સાબરમતી નદીની આ દશા થઇ છે. ત્યારે સવાલ થાય કે ક્યાં ગયા સાબરમતી શુદ્ધિકરણના વચનો?
રાજ્યની અન્ય 12 નદી પણ પ્રદૂષિત
આ રિપોર્ટમાં ગુજરાતની અન્ય 12 નદીઓનો પણ સમાવેશ થયો છે. ભાદર,અમલખાડી, ભોગાવો, ભુખી ખાદી, દમણગંગા, ચાણોદ, કોઠાડા, ખારી, માહી કોટના, મિંધોલા, શેઢી, નિઝર, વિશ્વામિત્રીનો સમાવેશ થયો છે.
લોકસભામાં કેન્દ્રીય જળમંત્રાલયએ રજૂ કર્યો રિપોર્ટ
નોંધનીય છે કે, CPCBના રિપોર્ટ અનુસાર ચેન્નાઈની કૂમ નદીને દેશની સૌથી પ્રદૂષિત નદી તરીકે જાહેર કરવામાં આવી છે. જ્યારે ગુજરાતની સાબરમતી નદી બીજા નંબર પર છે. લોકસભામાં કેન્દ્રીય જળમંત્રાલયએ રિપોર્ટ રજૂ કર્યો છે. જળમંત્રાલયના રિપોર્ટમાં ગુજરાતની 13 નદી પ્રદૂષિત હોવાનો ઉલ્લેખ કરાયો છે. 13 દૂષિત નદીમાં નર્મદા અને સાબરમતી નદીનો સમાવેશ થાય છે. દેશની ટોપ 3 પ્રદૂષિત નદીમાં સાબરમતી નદી પણ સામેલ છે.
ગુજરાત હાઈકોર્ટ
પ્રદૂષણ મામલે હાઈકોર્ટે તંત્રની કાઢી હતી ઝાટકણી
અમદાવાદની મધ્યમાથી નીકળતી સાબરમતી નદીમાં ભયંકર પ્રદૂષણ ફેલાયું હોવાની રાવ ઉઠી રહી છે આ મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી. નદીમાં પ્રદૂષણ મામલે ગયા મહિને હાઈકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં GPCBને કન્સર્ન ઓથોરિટીઓ સાથે બેઠક કરવા આદેશ કરાયો હતો. વધુમાં AMC, કોર્ટ મિત્ર, ટાસ્ક ફોર્સ સહિતના સાથે આગામી સપ્તાહ સુધી બેઠક કરવા હાઈકોર્ટ દ્વારા આદેશ કરાયો હતો. અમદાવાદની સાબરમતી નદીના પ્રદૂષણ મામલે હાઈકોર્ટે તંત્રની ઝાટકણી કાઢી હતી. આટલું પ્રદૂષણ અને દુષિત પાણી નહીં ચલાવી લેવાય તે અંગે સરકારે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી ટકોર કરી હતી.