અનોખી સ્કૂલ /
EXCLUSIVE : ગુજરાતની આ ગામની શાળાના બાળકો છે એન્ટરપ્રિન્યોર અને IITan અહીંના વિઝિટીંગ ફેકલ્ટી છે
Team VTV07:09 PM, 25 Sep 19
| Updated: 04:48 PM, 06 Oct 20
સરકારી સ્કુલમાં ભણાવવાથી બાળકનો વિકાસ નહીં થાય તેવી માન્યતા ધરાવતાં વાલીઓ એક વખત સાબરકાંઠાની જિલ્લાની આ શાળામાં જઈ આવે તો ખબર પડશે કે સ્કૂલ કેવી હોય? સાબરકાંઠા જિલ્લાની સુરપુર ગામની પ્રાથમિક શાળામાં ગ્રામજનોના સહકારથી પ્રયોગાત્મક શિક્ષણની શરૂઆત થઈ છે. 2 વર્ષમાં 60 જેટલા વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી આ સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. અહીં IIT જેવી પ્રતિષ્ઠીત સંસ્થાઓના વિદ્યાર્થીઓ અહીં વિઝિટીંગ ફેકલ્ટી તરીકે આવે છે.
વિદ્યાર્થી સ્કુલમાં જ એન્ટરપ્રિન્યોરશીપની તાલીમ મેળવી, સ્કુલમાં રેવન્યુ જનરેટ કરે છે
IIT અને અન્ય સંસ્થાઓના શિક્ષકો વિઝિટીંગ ફેકલ્ટી તરીકે આવે છે
ખેત મજુરી કરતાં બાળકો હવે શાળાએ આવતાં થઈ ગયા
સાબરકાંઠાના ઇડર તાલુકાના સુરપુર ગામના સરપંચ અને શાળાના શિક્ષકોએ ગ્રામજનો બાળકોને સરકારી શાળામાં મોકલે તે માટે શાળામાં અનેક પરિવર્તન કર્યા છે. પહેલા શાળાનું બિલ્ડિંગ ખાનગી શાળા જેવું બનાવ્યું. શિક્ષકોએ વાતચીતનો અભિગમ બદલ્યો. ગ્રામજનોએ પણ નવી પહેલને આવકારી લીધી. આ શાળામાં ગાંધીનગરની બાયસેગ સંસ્થા દ્વારા ડિજિટલ ક્લાસરુમ લેવાય છે. અહીં અઠવાડીયામાં એક દિવસ IIT તથા અન્ય સંસ્થાના નિષ્ણાંતો વિઝીટીંગ ફેકલ્ટી તરીકે આવી તેમને માર્ગદર્શન પુરું પાડે છે.
અહીં દરેક વિદ્યાર્થી એન્ટરપ્રિન્યોર છે
વિદ્યાર્થીઓને એન્ટરપ્રિન્યોર બનાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ દ્વારા લીંબુડીના રોપી લીંબુનું ઉત્પાદન કરવામાં આવશે. જેનો ભાવ તાલ નક્કી કરી વિદ્યાર્થીઓ હોલસેલ તથા રિટેલ માર્કેટમાં જાતે વેચાણ કરી રેવન્યુ જનરેટ કરશે. જેથી બાળકોમાં સફળ બિઝનેસમેન થવાની ધગશ વધે. જાતે પૈસા કમાય તો પૈસાની વેલ્યુ અને તેના ખર્ચની સમજ કેળવાય.
ખેત મજુરી બંધ થઇ બાળકો શાળાએ આવતાં થયા
એક ઉદાહરણ રૂપે ગામનો 8 વર્ષીય અનાથ બાળકને શિક્ષકોના તથા ગ્રામજનોના પ્રયાસથી 8 વર્ષે ફરી સ્કુલમાં પ્રેવશ અપાયો છે. આજે તે સ્કુલમાં મન લગાવીને અભ્યાસ કરી રહ્યો છે. ખેતમજુરી કરનારાના બાળકો આ ગામમાં આવા પ્રયાસને લીધે પાછા લાવતાં સ્કુલ ડ્રોપઆઉટ રેસ્યો ઝીરો થયો છે.
આ શાળા ઓલિમ્પિક માટે બાળકોને તૈયાર કરી રહી છે
આ શાળામાં મનગમતા શિક્ષણની સાથે ઇત્તર પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. સંગીત અને ડાન્સ જેવી કલા તથા ક્રિકેટ, ફુટબોલ, ખો-ખો, કબડ્ડી જેવી રમતોની પ્રોફેસનલ ટ્રેનિંગ અપાય છે. વિદ્યાર્થીઓ ખેલમહાકુંભ સહીત અનેક સ્પર્ધાઓમાં ભાગ લે છે. હોર્સ રાઇડિંગ, રાઇફલ શૂટિંગ તેમજ ઓલમ્પિકમાં રમાતી તમામ રમતોમાંથી જેનુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શક્ય છે તે બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જેનું થીયરીકલ નોલેજ વિદ્યાર્થીઓને આપવાનું શરુ કરી દેવાયું છે.
વિદ્યાર્થીઓને ફાયર ઇક્વિપમેન્ટ વાપરતા શીખવાડાય છે
ફાયર ઇક્વીપમેન્ટના ઉપયોગની તાલીમ લઇ રહ્યા છે
શાળામાં વિદ્યાર્થીઓને ફાયર ઇક્વિપમેન્ટ વાપરવાની તાલીમ ઇડર નગરપાલિકાના ફાયર વિભાગના જવાનોને બોલાવી આપવામાં આવી રહી છે. અહીંના તમામ વિદ્યાર્થી આગ લાગે ત્યારે કેવી રીતે બુઝાવવી તથા બીજાને બચાવવાની સમજ ધરાવે છે. વિદ્યાર્થીઓને ધૂમાડાથી બચવા એર પ્યોરી ફાયર બનાવતા આવડે છે.
બાળકોને સેક્યુઅલ હરેસમેન્ટથી બચવાની તાલીમ અપાય છે
બાળકો સાથે અનિચ્છનીય ઘટનાઓ ન બને તે માટે આ વિષયની માહીતગાર કરાય છે. વિદ્યાર્થીઓને કોમલ નામની શોર્ટ ફિલ્મ બતાવી ગુડ ટચ અને બેડ ટચના ફર્કની સમજ કેળવાય છે. બીજી તરફ ધો.8ની વિદ્યાર્થીનીઓને આવનારા સમયમાં માસિક ધર્મ, સેનેટરી નેપકીનના ઉપયોગ અને તેના નિકાલનું શિક્ષણ શિક્ષિકાઓ દ્વારા રમત રમતમાં જ્ઞાન અપાય છે. જેથી તેઓને આ વિષય પર વાત કરતા સંકોચ ન થાય.
અહીં શહીદોને શ્રદ્ધાંજલિ માટે કેન્ડલ માર્ચ નહી વૃક્ષારોપણ થાય છે
પુલવામાં એટેકમાં મૃત્યુ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા કોઇ રેલી કે કેન્ડલ માર્ચ કરવાને બદલે શાળાના વિદ્યાર્થીઓએ પુલાવામાં વન બનાવી 52 વૃક્ષો વાવ્યાં છે. દરેક વૃક્ષને શહીદોના નામ આપી નામ કરણ કર્યું છે. એક વૃક્ષની કેળવણી 3 વિદ્યાર્થીઓ મળીને કરે છે. વૃક્ષોના વિકાસ જોઇ શાળા દ્વારા તેમને વર્ષમાં બે વાર પ્રોત્સાહીત કરતું ઇનામ અપાય છે. એ ઇનામમાં તેમને એક છોડ અથવા પુસ્તક આપવામાં આવે છે.
ઇત્તર પ્રવૃત્તિ કરતા વિદ્યાર્થીઓ
સારા શિક્ષણની સાથે વાલીઓનું આર્થિક ભારણ ઘટશે
અમારો હેતુ સારા શિક્ષણ માટે ખાનગી સ્કુલમાં વાલીઓ બાળકોને મુકી તો દે છે પણ તેની ફી તથા અન્ય ખર્ચ ઉપાડવા દરેક વાલી માટે શક્ય નથી હોતું. તેમ છતા તેઓ મુકતા હોય છે. જેના કારણે વાલીઓને આર્થિક ભારણ વધે છે. બીજી તરફ બાળકોને 14-15 કિમી દુર ટ્રાવેલીંગ કરવું પડે છે. જેના કારણે બાળકો થાકી જાય અને અન્ય કંઇ કરી શકે એવી સ્થિતી બાળકની રહેતી નથી. જેથી અમે અહીં જ તેમને સારુ શિક્ષણ આપવાનો સંકલ્પ કર્યો. ઘણી ઇત્તર એક્ટિવીટી દાનમાંથી કરી રહ્યા છીએ. - કનીજ ફાતિમા, સરપંચ
હવે બાળકોનો સમય બચી જાય છે
મારી દીકરી અને ભાઇનો દિકરો ખાનગી સ્કુલમાં ભણતા હતા. મને આ સ્કુલનું શિક્ષણ સારું લાગતા મે પાછા મારી ગામની સરકારી સ્કુલમાં એડમિશન લેવડાવ્યું છે. બાળકો 14-15 કિમી દુર સ્કુલે જતાં આવે ત્યારે થાકી ગયા હોય. સારા શિક્ષણની સાથે સાથે તેમનો એ સમય બચી જતાં તેઓ વધારે ખુશ છે અને ઘણું શીખ્યા છે. - નઝર મહોમ્મદ ભુવણીયા, વાલી
વાલીએ બાળકને ખાનગી શાળામાંથી ગામની શાળામાં મુક્યા
મારો દિકરો 4 વર્ષથી ખાનગી અંગ્રેજી મિડીયમની ખાનગી સ્કુલમાં ભણતો હતો. જોકે આ સ્કુલની એજ્યુકેશન સિસ્ટમ ઘણી સારી થઇ છે. જેથી મે આ વર્ષથી તેને આ સ્કુલમાં એડમિશન લીધું છે. અહીં બાળકોને એજ્યુકેશન સાથે સાથે પર્યાવરણની સમજ અપાય છે. જેથી તેને વૃક્ષોનું મહત્વ સમજાય છે.- મંજુર અલી ભુવણીયા, વાલી