બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / ગુજરાતનું એવું મંદિર જ્યાં વૃક્ષની ડાળીમાં થાય છે હનુમાનજીનો અહેસાસ, સવામણી ચઢાવવાની પરંપરા
Last Updated: 06:05 AM, 15 October 2024
તાપી જિલ્લાના સોનગઢમાં ગુણસદા ગામે અતિ પૌરાણિક રોકડિયા હનુમાનજીનું મંદિર આવેલુ છે. પૌરાણિક દેવસ્થાનોમાંનું એક રોકડિયા હનુમાનજીનું મંદિર લોકોની અતૂટ આસ્થાનું કેન્દ્ર છે. મંદિરે સાચા ભાવથી માંગવામાં આવતી મનોકામના રોકડિયા હનુમાન દાદા અચૂક પૂર્ણ કરે છે. તાપી કુદરતના ખોળે વસવાટ કરતો જિલ્લો છે. અહીં અનેક અતિ પૌરાણિક દેવસ્થાનો અને ધાર્મિક સ્થળો આવેલા છે. તેમાંનું એક દેવસ્થાન એટલે પૌરાણિક રોકડીયા હનુમાનજીનું મંદિર. રોકડિયા હનુમાનજીનું મંદિર સોનગઢથી પાંચ કિલોમીટરના અંતરે ગુણસદા ગામે આવેલું છે. ભાવિક ભક્તોની અતૂટ આસ્થાનું પ્રતિક છે રોકડિયા હનુમાનજીનું મંદિર. દર શનિવારે દાદાના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી પડે છે. સાચા ભાવથી માંગવામાં આવેલી માનતા રોકડિયા હનુમાન દાદા અચૂક પૂર્ણ કરે છે તેવી અતૂટ માન્યતા છે. જેને પગલે તાપી જિલ્લા સિવાય દૂરદૂરથી ભાવિક ભક્તો દાદાના દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. દાદા દરેક ભાવિકોની માનતા પૂર્ણ કરે છે જેના પગલે ભાવિક ભક્તોમાં રોકડિયા હનુમાનજીનું મંદિર શ્રદ્ધાની સાથે એક આસ્થાનું પ્રતીક બન્યું છે.
ADVERTISEMENT
સોનગઢના ગુણસદા ગામે હનુમાનજી બિરાજમાન
ADVERTISEMENT
મંદિરે હનુમાનજીના દર્શન કરી અલૌકિક શાંતિની અનુભૂતિ ભક્તોજનોને થાય છે. રોકડિયા હનુમાનજી મંદિરના પ્રાંગણમાં શનિદેવ મહારાજ બિરાજમાન છે. અને ઓમકારેશ્વર મહાદેવજીનું મંદિર પણ આવેલું છે. મંદિરે આવતા દર્શનાર્થીઓ શનિદેવ મહારાજની સાથે મહાદેવના દર્શન અને જળ અભિષેક કરી આશીર્વાદ મેળવે છે. અહીં દર્શન કરવા આવતા ભાવિકભક્તોની મનોકામના જ્યારે પૂર્ણ થાય છે ત્યારે વર્ષોથી ચાલતી સવામણી ચઢાવવાની પરંપરા પ્રમાણે સવામણ લાડુ કે સવામણ અન્ય કોઈપણ મીઠાઈ દાદાને અર્પણ કરે છે. રોકડીયા હનુમાનજીનું મંદિર આશરે 150 વર્ષથી વધુ જૂનું મંદિર છે. મંદિર માટે એક લોકવાયકા છે કે હનુમાનજી દાદા પાસે ભક્તો જે કોઈ મનોકામના ઈચ્છે છે તે માનતા દાદા રોકડમાં જ પૂર્ણ કરે છે અને એટલે જ આ મંદિર રોકડિયા હનુમાનજીના મંદિર તરીકે ઓળખાય છે. વર્ષો પહેલા એક દાદા મંદિરમાં સેવા કરતા હતા અને સેવા કરવા દરમિયાન તેમને દરરોજ એક રોકડો સિક્કો મંદિરના પ્રાંગણમાંથી મળતો હતો જેના પગલે પણ આ મંદિરને રોકડિયા હનુમાનજીનું મંદિર કહેવામાં આવે છે. મંદિરના પ્રાંગણમાં આવેલા વડના ઘટાદાર વૃક્ષમાંથી જ સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હોવાની લોકવાયકા છે અને ઘણા લોકોને હનુમાન દાદાના ચમત્કારી દર્શન પણ થયા છે જેને પગલે દર્શનાર્થીઓમાં દાદાનું મંદિર એક આસ્થાનું પ્રતિક છે. આજે પણ મંદિરના પાછળના ભાગમાં આવેલા ઘટાદાર વડના વૃક્ષની ડાળીમાંથી જ હનુમાનજીનો સ્વયં પ્રગટ થયાનો અહેસાસ ભક્તજનો કરે છે
રોકડિયા હનુમાનજીના દર્શન કરવા દૂરદૂરથી દર્શનાર્થીઓ આવે છે
મંદિરે આવતા દર્શનાર્થીઓ પણ મંદિરે ભંડારો કરે છે અને ભાવિકોને જમાડી પુન્યનું ભાથુ બાંધી લે છે. આવનારા 2037 ના વર્ષ સુધી હનુમાન જયંતી નિમિત્તે કરવામાં આવતા ભંડારા એડવાન્સમાં બુકિંગ થઈ ચૂક્યા છે. આજ ભાવિકોની અતૂટ આસ્થાનું પ્રમાણ છે. રોકડિયા હનુમાનજીના દર્શન કરવા દૂરદૂરથી દર્શનાર્થીઓ આવે છે. તાપી જિલ્લામાં કુદરતી સૌંદર્ય માણવા માટે અનેક સ્થળો આવેલા છે. ચોમાસાની ઋતુમાં તાપી જિલ્લાનો જંગલ વિસ્તાર સોળેકળાએ ખીલી ઉઠે છે અને સમગ્ર જંગલમાં લીલી છમ ચાદર પથરાઈ જાય છે. જિલ્લાના જંગલ વિસ્તારોમાં અનેક પૌરાણિક દેવસ્થાનો આવેલા છે. જ્યાં દૂરદૂરથી ભક્તજનો ભગવાનના દર્શન કરવા આવે છે. દર્શનાર્થીઓ દર્શન કરી ધન્યતાનો અનુભવ તો કરે છે સાથે સાથે કુદરતના ખોળે શાંતિની અનુભૂતિ કરી સકારાત્મક ઉર્જા સાથે ઘરે જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.