Rohit Sharma says team management would be confused on whom to select or drop due to the successive performance of players
Cricket /
અમે આવું જ રમતા રહ્યા તો સિલેક્ટર્સ અને વિરાટ માટે માથાનો દુખાવો થઈ જશેઃ રોહિત
Team VTV03:42 PM, 11 Nov 19
| Updated: 03:46 PM, 11 Nov 19
ભારતે હાલની બાંગ્લાદેશ સામેની ટી-૨૦ સીરીઝ જીતી લેતા ટીમમાં ઉત્સાહનું વાતાવરણ ફેલાયું છે. કેપ્ટન રોહિત શર્માએ આ વિજય બદલ યુવા ખેલાડીઓ અને બોલર્સના ભરપૂર વખાણ કર્યા છે. રોહિત જણાવ્યું છે કે આ પ્રકારના ફોર્મમાં કયા ખેલાડીને લેવો અને કોને પડતો મુકવો તેની મૂંઝવણ થાય એમ છે.
ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે ટી-૨૦ શ્રેણી ૨-૧થી જીતી લીધી. નાગપુરમાં રમાયેલી ત્રીજી ટી-૨૦ મેચમાં ટીમ ઇન્ડિયાએ ૧૭૫ રન બનાવ્યા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ ૧૪૫ રન જ બનાવી શકી. શ્રેણીમાં ટીમની કેપ્ટનશિપ કરી રહેલા રોહિત શર્માએ આ જીતનો શ્રેય બોલર્સને આપ્યો. તેણે આગામી ઓસ્ટ્રેલિયા શ્રેણી માટે ટીમની પસંદગીને મુશ્કેલ ગણાવતા કહ્યું, ''જો અમે આવું જ રમતા રહ્યા તો એ સિલેક્ટર્સ અને કેપ્ટન વિરાટ કોહલી માટે માથાનો દુખાવો બની જશે.''
રોહિતે જણાવ્યું, ''એક સમયે બાંગ્લાદેશ માટે જીતવું આસાન લાગી રહ્યું હતું, પરંતુ બોલર્સે મજબૂતી દેખાડી. તેમણે જવાબદારી લીધી. યુવા ખેલાડીઓને ચીજો પોતાના હાથમાં લેતા જોઈને ઘણું સારું લાગ્યું. શરૂઆતની આઠ ઓવરમાં અમારી બોડી લેન્ગ્વેજ થોડી અલગ હતી, પરંતુ મેં દબાણમાં આવી રહેલા ખેલાડીઓને ફક્ત એ જ યાદ અપાવ્યું કે આપણે ભારત માટે રમી રહ્યા છીએ. ત્યાર બાદ આપણને અલગ જ ટીમ ઇન્ડિયા જોવા મળી.''
રોહિતે બેટ્સમેનોમાં કે. એલ. રાહુલ અને શ્રેયસ ઐયરની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, ''રાહુલની બેટિંગે અણીના સમયે ટીમની મદદ કરી. શ્રેયસ ઐયરે પણ શાનદાર ઇનિંગ્સ રમી. જેમ જેમ આપણે વર્લ્ડકપની નજીક પહોંચી રહ્યા છીએ, આપણે યોગ્ય સંતુલન શોધવું પડશે. કેટલાક ખેલાડી હજુ ટીમમાં નથી. તેઓ વાપસી કરશે, પરંતુ બધું ધ્યાનમાં રાખતા આપણી હજુ ઘણી મેચ છે, જેના કારણે આપણે પરફેક્ટ ઈલેવન પસંદ કરી શકીશું.''
મેન ઓફ ધ મેચ દીપક ચહર (Source : Instagram)
સારું લાગ્યું, ટીમે મને જવાબદારી સોંપીઃ દીપક ચાહર
માત્ર સાત રન આપીને છ વિકેટ ઝડપનારા દીપક ચાહરને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ સિરીઝ જાહેર કરવામાં આવ્યો. ચાહરે ગઈ કાલની મેચમાં હેટટ્રિક પણ ઝડપી. દીપકે કહ્યું, ''મને નહોતું લાગતું કે આવું કંઈક બનશે, પરંતુ મારી વર્ષોની મહેનત આખરે રંગ લાવી. આજે પ્લાન હતો કે હું અંતિમ ઓવરોમાં બોલિંગ કરીશ. સારું લાગું કે ટીમ મેનેજમેન્ટે મને જવાબદારી સોંપી.''
નઈમ-મિથુન આઉટ થયા બાદ અમે વિખેરાઈ ગયાઃ મોહંમદુલ્લાહ
બાંગ્લાદેશના કેપ્ટન મહંમદુલ્લાહે પરાજય બાદ કહ્યું, ''ટીમ પાસે ઘણી તકો હતી, પરંતુ વચ્ચેની ઓવર્સમાં અમે રસ્તો ભૂલ્યા. મોહંમદ નઈમ અને મોહંમદ મિથુનની ભાગીદારી શાનદાર રહી, પરંતુ તેઓના આઉટ થયા બાદ અમે વિખેરાઈ ગયા હતા અને અમારી વિકેટો જલદી જલડી પડી ગઈ હતી.''