રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ વરસાદ પડતા જ તંત્રની કામગીરી સ્પષ્ટ રીતે છતી થાય છે. એક તરફ કરોડોના ખર્ચે રોડ રસ્તાનો વિકાસ કર્યો હોય તેવી વાતો કરવામાં આવે છે પરંતુ તે જ રોડ રસ્તા ચોમાસુ આવતા ધોવાઇ જાય છે.ત્યારે હાલમાં પણ મહાનગરોમાં આવી જસ્થિતિ જોવા મળી રહી છે. વરસાદી માહોલને કારણે ઠેર ઠેર ભુવા પડવા તેમજ રોડ રસ્તા ખખડધજ બની ગયા છે.
સુરતમાં હનીપાર્ક પાસે 15 ફૂટનો ભુવો
આજે વાત કરીએ સુરતની, તો અહીં વરસાદ પડતા જ ભુવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. સુરતના અડાજણમાં હનીપાર્ક પાસે ભુવો પડતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સુરતમાં એલપી સવાણી અને સરિતાડેરીને જોડતો મેઇન રોડ છે ત્યાં મસમોટો ભુવો પડ્યો છે. 15 ફૂટથી પણ વધારે ઊંડો ભુવો પડ્યો છે જે સ્હેજ પણ ખતરાથી ખાલી નથી.કારણ કે આ ભુવામાંથી જીઇબીની મોટી લાઇન પસાર થાય છે ત્યાં ડીપી મુકાયેલુ છે. વળી જે પાણની પાઇપલાઇન છે તે પણ લીકેજ થઇ છે. તેમજ બાજુમાં આવેલા મકાનમાં પણ નુકસાન થવા પામ્યુ છે.
તો નજીકમાં જ ડ્રેનેજ લાઇન હોવાથી નુકસાનની ભીતિ સેવાઇ છે.જો કે તંત્ર દ્વારા સતર્કતાના ભાગરૂપે બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે હનીપાર્ક રોડ અડાજણ વિસ્તારનો સૌથી વ્યસ્ત રોડ છે તેવામાં અહીં ભુવો પડતા વાહનચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
રામાપીર ચોકડી પાસે સર્વિસ રોડની બદ્દત્તર સ્થિતિ
તો આ તરફ રાજકોટમાં પણ વરસાદને કારણે રસ્તા પર ખાડા પડી ગયા છે. બ્રિજના સર્વિસ રોડ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે. રામાપીર ચોકડી પાસે બનતા બ્રિજના સર્વિસ રોડ ખરાબ સ્થિતિમાં જોવા મળ્યો. સર્વિસ રોડ ટૂંકો અને ખાડાવાળો હોવાથી વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. 10 ફૂટના અંતરે ખાડા જોવા મળી રહ્યા છે. વળી વરસાદી પાણી પણ ખાડામાં ભરાઇ રહેતુ હોવાથી વાહનચાલકો ઘણીવાર બેલેન્સ ગુમાવી બેસે છે.
આ રોડ પર ઓવરબ્રિજનું કામ ચાલીરહ્યુ હોવાથી હજારોની સંખ્યામાં વાહનચાલકો સર્વિસ રોડ પરથી પસાર થાયછે.આ મામલે અનેકવાર રજૂઆત કરવામાં આવી પરંતુ રેતી કપચી પુરીને ચાલ્યા જાય છે અને પછી વરસાદ પડે એટલે હતીએની એજ સ્થિતિ..