gujarat rain update : રાજ્યના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્તા રોડ-રસ્તાઓ પર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે
રાજ્યમાં વરસાદની તોફોની બેટિંગ
ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
પૂર્વી મધ્યપ્રદેશમાં લો પ્રેશર બનતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો બીજી તરફ રાજ્યમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યો છે. સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ વરસાદી માહોલ યથાવત છે. તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે મેઘો મહેરબાન બન્યો છે. આ તરફ મહેસાણા જિલ્લામાં અને શહેરમાં પણ વહેલી સવારથી જ ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં મહેસાણા શહેરમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્તા શહેના રોડ-રસ્તાઓ પર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો મધ્ય ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જુઓ 40 તસવીર....
શાળાઓમાં રજા
ભરૂચમાં ભારે વરસાદના લીધે મુંબઈ-અમદાવાદ રેલસેવાને અસર પહોંચી છે. ભરૂચ-અંકલેશ્વર વચ્ચેના સિલ્વર બ્રિજ પર પાણી ફરી વળતા રેલસેવા બંધ કરવામાં આવી હતી. નર્મદા નદીના જળસ્તરમાં ભયજનક વધારો થતા રેલ વ્યવહાર બંધ કરાયો હતો. સુરતથી વડોદરા તરફ જતી તમામ ટ્રેન રદ કરાઈ હતી. તો બીજી તરફ અરવલ્લી જિલ્લામાં વરસાદને પગલે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ આજે બંધ રાખવામાં આવી હતી.
ઓઝત ડેમમાં પાણીની આવક વધી
જૂનાગઢમાં લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો છે. વંથલી, ભેંસાણ, મેંદરડા પાંથકમાં વરસાદ નોંધાયો છે. તેમજ જૂનાગઢ શહેર અને માણાવદરમાં વરસાદ પડ્યો છે. તો વળી જૂનાગઢના ઓઝત ડેમમાં પાણીની આવક થતા ડેમના બે દરવાજા ખોલાયા છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. બાદલપુર, વંથલી, આખા, ટીનમસ અને પીપલા સહિતના ગામને સતર્ક રહેવા સુચાના અપાઈ છે.