અયોધ્યામાં રહેતા એક વ્યક્તિને ગુરુવારે સવારે ફોન કરીને રામજન્મભૂમિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા અયોધ્યામાં ખળભળાટ મચી ગયો છે. બોમ્બની ધમકી આપનાર શખ્સની ઓળખ કોલ રેકોર્ડના આધારે કરવામાં આવી રહી છે.
રામ જન્મભૂમિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ધમકી મળતા અયોધ્યાની સર્વેલન્સ ટીમ સક્રિય
પોલીસે ધમકી આપનારને શોધવાની તજવીજ હાથ ધરી
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જે બાદ હડકંપ મચી ગયો છે. આ ધમકી ગુરુવારે સવારે મનોજ નામના વ્યક્તિને ફોન કરીને આપવામાં આવી હતી. મનોજ કુમાર અયોધ્યાના રામલીલા સદનના રહેવાસી છે અને હાલ પ્રયાગરાજમાં રહે છે. પોલીસની ટીમે ધમકી આપનારને મોબાઈલ નંબરના આધારે શોધવાની તજવીજ હાથ ધરી છે.
પ્રતિકાત્મક તસવીર
સવારે 5 વાગ્યે આવ્યો હતો ફોન
મનોજ કુમારે પોલીસને જણાવ્યું કે, 'તેમને સવારે લગભગ પાંચ વાગ્યે એક ફોન આવ્યો હતો, જેમાં ફોન કરનાર શખ્સે જણાવ્યું હતું કે તે દિલ્હીથી બોલી રહ્યો છે અને આગામી પાંચ કલાકમાં ગુરુવારે સવારે 10 વાગ્યા સુધીમાં શ્રી રામ જન્મભૂમિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.'
કોલ રેકોર્ડના આધારે તપાસ શરૂ
જે બાદ ધમકી આપનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. અયોધ્યાની સર્વેલન્સ ટીમ સક્રિય થઈ ગઈ છે. અયોધ્યા પોલીસ કોલ રેકોર્ડના આધારે ફોન કરનારની ઓળખ અને ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે.
પ્રતિકાત્મક તસવીર
ધમકી આપનારને શોધવા બનાવવામાં આવી ટીમઃ SP મધુવન સિંહ
અયોધ્યા સિટીના એસપી મધુવન સિંહનું કહેવું છે કે આ મામલો રામજન્મભૂમિ અયોધ્યા પોલીસ સ્ટેશનથી સંબંધિત છે. રામલલા સદનના મનોજ કુમારને સવારે 5 વાગ્યે ફોન આવ્યો, જેમાં ફોન કરનારે કહ્યું કે તે દિલ્હીથી બોલી રહ્યો છે અને ગુરુવારે સવારે 10 વાગ્યા સુધીમાં રામજન્મભૂમિને બોમ્બથી ઉડાવી દેશે. માહિતી મળતાની સાથે જ કેસ નોંધવામાં આવ્યો અને ધમકી આપનાર શખ્સને શોધવા માટે એક ટીમ બનાવવામાં આવી છે.