ન્યૂઝ એજન્સી રોઈટર્સના એક અહેવાલ પ્રમાણે મોદી સરકારે આ વર્ષે રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને ગયા વર્ષ કરતા 17% વધુ ટેક્સની રકમ ઉઘરાવવાના ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ પ્રકારનું ટાર્ગેટ પ્રમાણેનું ટેક્સ ઉઘરાવવાનું વલણ આઘાતજનક છે. આ ટાર્ગેટથી ઉચ્ચ અધિકારીઓ પણ એટલા તણાવમાં રહે છે કે ઘણા અધિકારીઓએ રાજીનામાં ધરી દીધાં છે તેવું કહેવાય રહ્યું છે.
આ વધુ પડતા ટાર્ગેટના કારણે વધી રહેલા દબાણના પગલે અધિકારીઓ વોલન્ટરી રીટાયરમેન્ટ લઇ રહ્યા છે તેવી ચર્ચા
મોદી સરકારે જે ડાઇરેક્ટ ટેક્સની ઉઘરાણી વધારવાના આદેશ આપ્યા છે તે જ ડાયરેક્ટ કોર્પોરેટ ટેક્સને સરકારે 30% થી ઘટાડીને 22% કરી દીધા છે. જો કે વધુ ઉઘરાણી કરતી વખતે પણ ઉદ્યોગપતિઓને હેરાનગતિ ન થાય તેનું ધ્યાન રાખવાની સૂચના અપાઈ છે. આ બંને બાબતો એક સાથે કેવી રીતે શક્ય છે તેવી રેવન્યુ વિભાગમાં ચર્ચા જાગી છે.
ઘણા અધિકારીઓના મતે અપાયેલા ટાર્ગેટ ખુબ મુશ્કેલ અથવા અશક્ય છે. નિષ્ણાતોના મતે સરકારનું આ પગલું હાલ ચાલી રહેલી આર્થિક ઉથલપાથલનું પ્રતિક છે.
22 ઉચ્ચ સ્તરીય અધિકારીઓએ આ વર્ષે વોલન્ટરી રિટાયરમેન્ટ લઇ લીધું છે અને ગયા વર્ષે 34 અધિકારીઓએ વોલન્ટરી રીટાયરમેન્ટ લઇ લીધું હતું. નોંધનીય છે કે ભારતમાં આ નોકરી ખુબ મોભો ધરાવતી ગણાય છે આથી આ નોકરી છોડનારનું પ્રમાણ વધતા આશ્ચર્ય ફેલાયું છે. એક સૂત્રના મતે તો 25 - 30 વર્ષની નોકરી કરી ચૂકેલા સિનિયર અધિકારીઓ પણ નોકરી છોડી રહ્યા છે.
આ વિષયે પૂછતાં સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેક્ટ ટેક્સીસ, ફાઇનાન્સ મિનિસ્ટ્રી અને PMO આ ત્રણેયમાંથી કોઈ સંસ્થાએ કોઈ ટિપ્પણી કરી નથી.
ફક્ત સિનિયર અધિકારીઓ જ નહિ મોટા પ્રમાણમાં નાના કર્મચારીઓ પણ નોકરી છોડી રહ્યા છે. આ ઉપરાંત અધિકારીઓ અને કર્મચારીઓની મોટા પ્રમાણમાં બદલીઓ પણ કરવામાં આવી રહી છે.
કંપની પાસેથી વધુ ટેક્સ વસૂલવા અલગ અલગ કીમિયા અપનાવાય છે જેમાં કંપનીઓને એડવાન્સમાં ટેક્સ ભરવા માટે કહેવામાં આવે છે ઉપરાંત તેમના રિફંડ મોડા આપવામાં આવે છે. જો કે આ તમામ ઉપાયોમાં રેવન્યુ વિભાગના અધિકારીઓ ઉપર સખત દબાણ ઉભું થઇ રહ્યું છે.
શું મોદી સરકાર અર્થતંત્રના વિષય ઉપર વિશેષજ્ઞોની સલાહો પણ માનતી નથી?
ભારતનું અર્થતંત્ર 2013 પછી સૌથી ધીમી ગતિની વૃદ્ધિ ઉપર છે. નિષ્ણાતો આ માટે PMOમાં થઇ ગયેલા સત્તાના કેન્દ્રીકરણને અને અર્થતંત્રમાં બીજાની સલાહ લીધા વગર થઇ રહેલી સરકારની મનમાનીને કારણભૂત માને છે.
IIM અમદાવાદના એક સિનિયર પ્રોફેસરના મતે વિશેષજ્ઞો સરકારને આર્થિક નીતિની બાબતમાં કોઈ નીતિ ખોટી છે એમ પણ નથી કહી શકતા.
ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ ટેક્સ ઓફિસર્સને આશ્વાસન આપ્યું છે કે આ ટાર્ગેટ્સ આસાન છે અને તેના માટે અધિકારીઓએ દબાણમાં આવવાની કોઈ જરૂર નથી.
સરકારનું બિઝનેસ કરનાર લોકોને હેરાન ન કરવાનું વલણ સ્પષ્ટ છે. આથી બિઝનેસ કરનારા હેરાન ન થાય એ માટે હાલ અધિકારીઓ હેરાન થઇ રહ્યા છે.
કાફે કોફી ડેના સ્થાપક VG સિદ્ધાર્થ
હાલમાં કાફે કોફી ડેના VG સિદ્ધાર્થે કરેલી આત્મહત્યામાં તેણે ટેક્સ ઓથોરિટી ઉપર હેરાનગતિનો આક્ષેપ મુક્યો હતો. સરકારે આ વર્ષે ટેક્સની બાબતમાં હેરાનગતિ કરતા 64 સિનિયર અધિકારીઓને ફરજીયાત નિવૃત કરાવ્યા હતા. આ અધિકારીઓ માટે સરકારે બ્લેક શીપ્સ શબ્દ વાપર્યો હતો.
મોદી સરકારને એક તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ગેસ કનેક્શન, શૌચાલય જેવી સગવડો માટે ફંડની તાતી જરૂર છે અને બીજી બાજુ ઇકોનોમિક સ્લોડાઉનના કારણે સરકારે મોટા પ્રમાણમાં કોર્પોરેટ ટેક્સ જતો કર્યો છે
સરકારનું ડાયરેક્ટ ટેક્સ કલેક્શન આ નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં ફક્ત 3%ની વૃદ્ધિએ વધ્યું છે જયારે સરકારના વાર્ષિક ટાર્ગેટ પુરા કરવા તેણે 42%ના દરે વધવું પડે તેમ છે.
નોંધનીય છે કે સરકારના ટેક્સને ડિજિટલ કરવાની તજવીજમાં પણ ઘણું ટેક્સનું નુકશાન ગયું છે કારણ કે કેટલાય એકમો પાસે કમ્પ્યુટર, ઇન્ટરનેટ જેવી સુવિધાઓ પહોંચી નથી.