retired engineer nayan jani plays flute at sabarmati riverfront here is the story of amazing journey
અનોખો અમદાવાદી /
સાબરમતી કિનારે એક રિટાયર્ડ એન્જિનિયર રોજ વગાડે છે વાંસળી, તેમની બેગ તો જોવા જેવી
Team VTV03:56 PM, 18 Dec 21
| Updated: 04:24 PM, 18 Dec 21
વાંસળી સાંભળવી કોને ન ગમે? જેમ યમુના કિનારે કાન્હાની વાંસળી સાંભળી લોકો મુગ્ધ થઈ જતાં એમ અમદાવાદનાં સાબરમતી નદીના કિનારે પણ એક રિટાયર્ડ એન્જિનિયર વાંસળી વગાડવા આવે છે.
ઊગતો સુર્ય, પક્ષીઓનો કિલકિલાટ અને વાંસળીના મધુર સૂરો સાથે વહેતી નદી! આ દ્રશ્ય જોઈને કોઈને પણ કહેવાનું મન થઈ જાય કે વાહ! શું નજારો છે!
અમદાવાદની સાબરમતી નદીના કિનારે છેલ્લા ચાર વર્ષથી પોતાની વાંસળીના સૂરો રેલાવી આ નયનરમ્ય નજારો ઊભો કરતાં આ સંગીત સાધકનું નામ છે નયનભાઈ જાની.
જો તમે સવારનાં કે સાંજનાં સમયે અમદાવાદનાં રિવરફ્રન્ટની મુલાકાત લો અને તમને વાંસળીનું સુરીલું સંગીત સંભળાય તો સમજી જવું કે એ નયનભાઈની વાંસળીનો કમાલ છે!
60 વર્ષથી કરે છે સંગીતની સાધનાં
અમદાવાદનાં પાલડી વિસ્તારના રહેવાસી નયનભાઈ છેલ્લા 60 વર્ષથી સતત સંગીતની સાધના કરી રહ્યા છે. 69 વર્ષની ઉંમરના નયનભાઈ એક રિટાયર્ડ એન્જિનિયર છે. માત્ર 9 વર્ષની ઉંમરે નયનભાઈને વાંસળી વગાડવાનું ઘેલું લાગ્યું હતું.
નયનભાઈએ વાંસળી વગાડવાની શરૂઆત કરી એ કહાની ઘણી રસપ્રદ છે. બાળપણમાં વાંસળી વેચતા એક વ્યક્તિને સરસ વાંસળી વગાડતો જોઈને તેમને કુતૂહુલ જાગ્યું, તેઓને પણ આ સાધન વગાડવાનું મન થયું. બસ પછી શરૂ થઈ સંગીતની એક લાંબી યાત્રા. જે આજે છેલ્લા 60 વર્ષથી નિરંતર ચાલી રહી છે.
સંગીત માટેનો આ પ્રેમ સમય સાથે એટલો ગાઢ બનતો ગયો કે આજે તેઓ દરેક પ્રકારની વાંસળી અને સંગીતનાં 5 અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ વગાડી શકે છે.
અનોખો રિટાયરમેન્ટ પ્લાન
રિટાયરમેન્ટ બાદ નયનભાઈએ પોતાનો બધો જ સમય પોતાના પ્રથમ પ્રેમ એવી વાંસળી પાછળ ખર્ચવાનું શરૂ કર્યું. અરે એમ જ કહો કે વાંસળી જ નયનભાઈનો રિટાયરમેન્ટ પ્લાન બની ગઈ! નયનભાઈને વાંસળી માટે એટલો પ્રેમ છે કે તેઓ બીજા લોકોને પણ વાંસળી વગાડતા શીખવે છે અને તેમનું આ જ્ઞાન વહેંચીને આનંદ માણે છે. આ ઉપરાંત તેઓ ઘણા પ્રોફેશનલ શો માં પણ વાંસળી વગાડે છે.
બેગમાં શું રાખે છે નયનભાઈ
માં સરસ્વતીના ઉપાસક અને સંગીતનાં સાધક એવા નયનભાઈ જ્યાં પણ જાય છે ત્યાં આ બેગ સાથે રાખતા હોય છે. આવો જોઈએ તેમની આ બેગમાં તેઓ અનેક પ્રકારની વાંસળી રાખે છે. સાથે માઉથ ઓર્ગન પણ રાખે છે. બેગમાં પોતાની બુક્સ કે જેમાં નોટ્સ લખી રાખી છે તે અને સાથે ગીતો અને ક્લાસિકલ નૉટેશન્સ લખેલી બુક્સ પણ રાખે છે. એટલે કે તેમનો અભ્યાસ સતત અટક્યા વગર અવિરત ચાલુ જ રહે છે.
યમુનાનાં કિનારે કાન્હાની વાંસળી સાંભળીને વૃંદાવનમાં લોકો જે રીતે મંત્રમુગ્ધ થઈ જતાં એ રીતે સાબરમતીના કિનારે નયનભાઈની વાંસળીનાં સુરે લોકો એવા તો મુગ્ધ થઈ જાય છે કે બસ સાંભળ્યા જ કરે!