જૂનાગઢમાં મનપાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપે 59માંથી 54 બેઠક મેળવી કેસરિયો લહેરાવ્યો છે. જ્યારે NCPની એક પેનલની જીત થઈ છે. તો કોંગ્રેસે માત્ર ખાતું ખોલાવતાં એક બેઠક મેળવી છે. તો કોંગ્રેસની હાર પર વિનુ અમીપરાએ પરેશ ધાનાણીને જવાબદાર ગણાવ્યા છે. તો NCPના રેશ્મા પટેલે ભાજપની ગુંડાગર્દી સામે NCP દાદાગીરીથી કામ કરશે તેવું જણાવ્યું હતું.
NCPની એક પેનલની જીત બાદ રેશમા પટેલે પ્રતિક્રિયા આપી હતી કે, જૂનાગઢમાં NCPને કોંગ્રેસ કરતા વધારે બેઠકો પર જીત મળી છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ તરીકે NCP ઉભર્યુ છે. સાથે જ તેમણે જણાવ્યુ કે, અમે ભાજપની ગુંડાગર્દી સામે અને દાદાગીરી કરીશું અને હવે NCP જૂનાગઢની જનતાનો આવાજ ઉઠાવશે. ત્યાર બાદ તેમણે ભાજપના ઉમેદવારોને જીતના અભિનંદન આપ્યા હતા.
જ્યારે NCPની એક પેનલની જીત થઈ છે. તો વિજેતા ઉમેદવાર અંદ્રમાન પંજેએ પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસ પૈસા લઈને ટિકિટની વહેંચણી કરે છે. કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા અમે NCPમાંથી ચૂંટણી લડ્યા હતા. ત્યારે હવે અમારી જીત થઈ છે.
તો પરિણામ બાદ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા વિનુ અમીપરાએ પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, કોંગ્રેસ પોતાના પાયાના કાર્યકરોની અવગણના કરે છે. જેથી તેમને હારનો સામનો કરવો પડે છે. આ સાથે જ તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસની હાર માટે મોવડીમંડળ જવાદાર છે. દિગ્ગજ નેતાઓ કાર્યકરોનું સાંભળતા નથી. જેથી હવે જનતાએ કોંગ્રેસને જવાબ આપ્યો છે. ત્યારબાદ તેમણે કહ્યુ કે, વિપક્ષના નેતાના ગઢ અમરેલીમાં પણ કોંગ્રેસની હાર થઈ છે. હાર માટે તેમણે પરેશ ધાનાણીને જવાબદાર ગણાવ્યા હતા.