રતન ટાટાએ ફોન કરીને એક સામાન્ય દંપતિને સ્ટાર્ટઅપમાં મોટી મદદ કરી છે. જેની કહાણી હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
એક ફોન કોલની કહાણી સોશિયલ મીડિયા પર વાયરલ
રતન ટાટાએ દંપતિને કરી સ્ટાર્ટઅપમાં મદદ
દંપતિએ લિક્ડઈન પર શેર કરી કહાણી
રતન ટાટા ભારતીય બિઝનેસમાં એવું નામ છે જે પોતાની સાદગી માટે હંમેશા ચર્ચામાં રહે છે. જ્યારે પણ કોઈએ તેમની પાસે મદદ માંગી હોય અને તેમણે તેનામાં ક્ષમતા જોઈ હોય તો તેઓ મદદ કરવામાં પાછળ નથી હટતા... રતન ટાટા દેશના ન માત્ર એક સફળ બિઝનેસમેન છે પરંતુ તેમની દરિયાદિલીના કિસ્સા પણ મિસાલ બને છે. નવા-નવા સ્ટાર્ટઅપ હોય અથવા તો કોઈ જરુરીયાતમંદની મદદ, તેઓ ક્યારેય પાછળ નથી હટતા તેના ઘણા બધા ઉદાહરણો છે.
રેપોસ એનર્જીની ફાઉન્ડરને રતન ટાટાએ આપી મોટી ભેટ
આ પ્રકારનો જ એક પ્રસંગ પેટ્રોલ ડિઝલની ડિલીવરી કરનારી કંપની Repos Energy સાથે જોડાયેલો છે, જે ખૂબ જ રસપ્રદ છે. રેપોસ એનર્જીની ફાઉન્ડર અદિતી ભોસલે વાલુંજે પોતે રતન ટાટાના એક ફોન કોલની સમગ્ર સ્ટોરી સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
12 કલાક સુધી રતન ટાટાનાં ઘરનાં ગેટ પર રાહ જોઈ
પોતાના લિંક્ડઈન પોસ્ટના માધ્યમથી તેણે જણાવ્યું હતું કે કઈ રીતે રતન ટાટાને લખવામાં આવેલા એક પત્રના જવાબમાં તેમનો ફોન આવ્યો હતો. અદિતીએ પતિ સાથે જ્યારે સ્ટાર્ટઅપ શરુ કર્યું હતું, તો પહેલા જ નક્કી કરી લીધુ હતું કે તેના મેન્ટર રતન ટાટા છે. આ સપનું એટલું સરળ નહોંતુ, તેમનો આત્મવિશ્વાસ ટોચ પર હતો અને બંને રતન ટાટાને મળવાની કોશિશમાં લાગી ગયા હતી. 3D પ્રેઝેન્ટેશન લઈને અદિતી-ચેતન બિઝનેસમેન રતન ટાટાના ઘરે પહોંચ્યા. એક પત્ર ઘરની અંદર મોકલ્યો અને 12 કલાક સુધી ગેટ પર રાહ જોઈ હતી. આટલી લાંબી રાહ જોયા બાદ પણ તેઓની મુલાકાત રતન ટાટા સાથે થઈ શકી નહી અને બંને થાકીને હોટલ પરત ફર્યા હતા.
રતન ટાટાએ કર્યો ફોન
લાંબી રાહ જોયા બાદ જ્યારે તેઓ બંને હોટલ પહોંચ્યા જ હતા, ત્યારે તેનો ફોન વાગ્યો અને સામેથી અવાજ આવ્યો, 'હું રતન ટાટા બોલી રહ્યો છું.... શું આપણે મળી શકીએ ?' આ એક મોટા સપનાંને સાચું સાબિત થવા જેવું હતું અને આગામી દિવસે અદિતી-ચેતન રતન ટાટાને મળ્યા અને તેમની સાથે 3 કલાકની મીટિંગ કરી હતી. Reposને ટાટાનો સાથ મળ્યો અને કંપનીની કિસ્મત બદલાઈ ગઈ. ટાટાએ 2019માં પ્રથમ અને પછી એપ્રિલ 2022માં કંપનીમાં બીજી વખત રોકાણ કર્યું.